મ્યુનિ. કોર્પોરેશન વેરા શાખાએ આજે 16 મિલ્કતોને સીલ કરી, 45ને ટાંચ જપ્તી નોટીસ ફટકારી છે. તો આજે 57.77 લાખની વેરાની આવક નોંધાઇ હતી. વોર્ડ નં.2માં રેસકોર્ષ રીંગ રોડ પર 7 મિલ્કતને ટાંચ જપ્તીની નોટીસ અપાઇ હતી. ગીરનાર સિનેમા પાસે સીલની કાર્યવાહી કરાતા 6.15 લાખની રીકવરી કરાઇ હતી.વોર્ડ નં.1 ઘંટેશ્વરમાં 4, વોર્ડ નં.3ના માધાપરમાં 6, દરબારગઢમાં એક, વોર્ડ નં.9ના નવા 150 ફુટ રીંગ રોડ પર એક, વોર્ડ નં.10ના યુનિ. રોડ પર 4, વોર્ડ નં.13ના ઉદ્યોગનગરમાં 5, વોર્ડ નં.14ના મિલપરામાં 6, વોર્ડ નં.15ના મધુરમ ઇન્ડ. એરીયામાં 4, વોર્ડ નં.16ના મારૂતિનગરમાં 12 નોટીસ અપાઇ હતી. વોર્ડ નં.5ના રણછોડ વાડીમાં એક મિલ્કત સીલ કરાઇ હતી. તો વોર્ડ નં.7ના ગોંડલ રોડ, જનસતા ચોક, વોર્ડ નં.4ના મોરબી રોડ, વોર્ડ નં.12ના મવડી રોડ, વોર્ડ નં.18ના શ્રી હરિ ઇન્ડ., ગોંડલ રોડના એક યુનિટને નોટીસ અને સીલની કાર્યવાહી કરાતા રીકવરી થઇ હતી.
9 હોસ્પિટલોમાં ફાયર મોકડ્રિલ યોજાઈ
રાજકોટ મહાનગરપાલિકાની ફાયર એન્ડ ઈમરજન્સી શાખા દ્વારા આજે ઓમ મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલ, સૌમ્ય હોસ્પિટલ, શૈશવ હોસ્પિટલ,આયુષ્માન હોસ્પિટલ, નેનો હોસ્પિટલ, સિવિલ હોસ્પિટલ, જેઠવાણી હોસ્પિટલ,સ્મિત મધુરમ હોસ્પિટલ, આર.બી.કોઠારી સહિત 9 હોસ્પિટલોમાં ફાયર મોકડ્રિલ યોજાઈ હતી. જ્યાં હોસ્પિટલમાં આગ લાગે ત્યારે શું કરવું અને શું ન કરવું જોઇએ તેમજ આગ બુઝાવવા માટેનાં સાધનો તથા ફાયર એક્ષ્સ્ટીંગ્યુસર નો ઉપયોગ કેવી રીતે કરવો અને દર્દીઓને કઇ રીતે બચાવવા તેની માહિતી અપાઈ હતી.
જન ઔષધિ મેડિકલ સ્ટોરધારકોનું સન્માન
ભારતમાં હાલ પ્રધાનમંત્રી ભારતીય જનઔષધિ પરિયોજના સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. જેની પુર્ણાહુતિનો કાર્યક્રમ પી.ડી.યુ. કોલેજ ઓડીટોરીયમ ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમમાં સાંસદ મોહનભાઈ કુંડારિયાએ ઉદબોધન કરતા જણાવ્યું હતું કે સામાન્ય અને છેવાડાના માનવીની ચિંતા વડાપ્રધાનએ કરીને આ યોજના અમલમાં મૂકી છે. જનઔષધિ કેન્દ્રો અંગે નાગરિકોમાં જાગૃતિ આવે તે માટે આ સપ્તાહ ઉજવાઈ રહ્યું છે. આ માટે આપણે સૌ જન ઔષધીના પ્રચારક બની અને ગામેગામ સુધી આ સ્ટોર અને યોજના પહોંચાડવા પ્રયત્ન કરવો જોઈએ. નોંધનીય છે કે સૌથી વધુ જેનરિક દવાઓની વેચાણ કરનાર પ્રધાનમંત્રી જન ઔષધિ મેડિકલ સ્ટોરધારકોનું સર્ટિફિકેટ આપી સન્માન કરાયું હતું.
ખોડલધામ મહિલા સમિતિ દ્વારા નારી દિવસની ઉજવણી
રાજકોટમાં આજે વિશ્વ મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે ખોડલધામ મહિલા સમિતિ દ્વારા સરદાર પટેલ ભવન ખાતે ‘સ્ત્રી શક્તિની તાકાત અને જવાબદારી વિષય પર વક્તવ્ય યોજવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત ટ્રસ્ટી અનારબેન પટેલે પોતાના સંબોધનમાં ઉપસ્થિત મહિલાઓને અપીલ કરતાં જણાવ્યું હતું કે, મહિલાઓ પરિવારની સારસંભાળમાં પોતાનું ધ્યાન રાખવાનું ભૂલી જતી હોય છે ત્યારે મહિલાઓએ સૌપ્રથમ પોતાની જાતને પ્રેમ કરવો જોઈએ. જયારે મુખ્ય વક્તા અંકિતાબેન મૂલાણીએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે, જગતનું અસ્તિત્વ બે શક્તિઓથી ટક્યું છે, એક મા ભગવતી અને બીજી સ્ત્રી શક્તિ જેણે સંતાનોને જન્મ આપ્યો છે. આ બે શક્તિ ન હોય તો જગતનું અસ્તિત્વ શક્ય નથી. હજારો દિવડા પ્રગટાવો ત્યારે આરતી થાય, હજારો નાના બુંદ ભેગા થાય ત્યારે સમુદ્ર બને પરંતુ ઘરને સ્વર્ગ બનાવવું હોય તો સ્ત્રી શક્તિ બનાવી શકે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.