તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

RT-PCR કૌભાંડ:તંત્રએ તપાસ કરવાને બદલે ઢાંકપિછોડો કરવાની મહેનત આદરી

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • બે મહિના પહેલા પણ ભાસ્કરે સ્ટિંગ કરી ગેરરીતિ બહાર લાવી હતી
  • ઉચ્ચ કક્ષાએથી ફોન પણ આવ્યા છતાં પગલાં ન લેવાતા આખા જિલ્લામાં ફેલાઈ ગયો ખોટા સેમ્પલ લેવાનો ચેપ
  • આરોગ્ય તંત્રએ રવિવારે બેઠક બોલાવી

દિવ્ય ભાસ્કરે રાજ્યના છ જિલ્લામાં ખોટા સેમ્પલ લઈ નેગેટિવ રિપોર્ટ મેળવવાનું કૌભાંડ બહાર લાવ્યું છે તેમાં તંત્રએ તપાસ કરવાને બદલે ઢાંકપિછોડો કરીને અધિકારીઓ-કર્મચારીઓને કઈ રીતે બચાવી શકાય તે માટે ધમપછાડા શરૂ કર્યા છે. રવિવારે જિલ્લા પંચાયતની કચેરીએ ગુપ્ત રીતે બેઠકો શરૂ થઈ હતી.

જિલ્લા આરોગ્ય અધિકારી ડો. નિલેશ શાહે તો કહ્યું કે, તપાસ શરૂ કરી દીધી છે પણ એ પ્રશ્નનો જવાબ ન આપી શક્યા કે 4 એપ્રિલે દિવ્ય ભાસ્કરે આવું જ કૌભાંડ સ્ટિંગ ઓપરેશન કરીને બહાર પાડ્યું હતું. ખોડાપીપરમાં સેમ્પલ લીધા વગર જ આરોગ્યકર્મીઓ અને તબીબો લેબમાં મોકલી દેતા હતા. આ કૌભાંડ બહાર આવતા જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી પર ઉચ્ચ કક્ષાએથી ફોન આવ્યા હતા.

નીતિ નક્કી થઈ હતી કે જેટલા પણ સેમ્પલ લેવાય તેમાં દર્દીના જ નંબર રાખવા, દરરોજ 10 ટકા સેમ્પલ જે તે તાલુકા કક્ષાએ વેરિફાય થશે તેમજ સિવિલમાં પણ ડોક્ટરની ખાસ કમિટી બનાવી હતી જે દરરોજ આવેલા સેમ્પલમાંથી 10 ટકા નામો પર ફોન કરી વેરિફાય કરશે. જોકે આ બધું જ માત્ર કાગળ પર જ રહ્યું. ખોડાપીપરમાં ઉચ્ચ અધિકારી સુધી તપાસ જ ન થઈ જેથી ખોટા સેમ્પલ લેવાનો ચેપ બધે જ ફેલાઈ ગયો હતો.

દિવ્ય ભાસ્કરે સતત ટેસ્ટની યાદી ચકાસતા નવા નવા ફણગા ફૂટી રહ્યા છે. વીંછિયામાં એક જ નંબર પર 30 સેમ્પલ લેવાયા હતા જેમાં ફોન કરતા તે એક તબીબનો નીકળ્યો હતો જેણે ફેબ્રુઆરીમાં જ સરકારી નોકરી છોડી દીધી છે છતાં તેમના નંબર તબીબની જાણ બહાર સેમ્પલમાં વપરાઈ રહ્યા છે.

આ નામો પૈકી ઘણાને ગામે ગામ જઈને શોધ્યા હતા મોટાભાગના ખોટા નામ નીકળ્યા હતા ઘણા લોકોએ એમ કીધું કે તેઓએ કદી સેમ્પલ આપ્યા જ નથી. જે આરોગ્યકર્મીઓના નંબર વારંવાર વપરાયા છે તેમને ફોન કરતા તેઓએ ભાસ્કર નામ સાંભળીને ફોન કાપી નાખ્યા હતા ઘણાએ ફોન બંધ કરી દીધા હતા.

નામ આપ્યા જ નથી છતાં તંત્રે બોલાવી લીધા!
જિલ્લા કલેક્ટરે આ મામલે કહ્યું હતું કે, જિલ્લા વિકાસ અધિકારી અને આરોગ્ય અધિકારી તપાસ કરી રહ્યા છે અને કેટલાક લોકોને બોલાવી વિગતો મેળવી રહ્યા છે. તે તપાસ પૂરી થયા બાદ સ્થિતિ બહાર આવશે. ભાસ્કરે આ ઘટનામાં એકપણ વ્યક્તિના ફોન નંબર જાહેર કર્યા નથી તો જિલ્લા વિકાસ અધિકારી અને આરોગ્ય અધિકારીએ કોને બોલાવી લીધા?

નામ લખવાના બહાને નિવેદન લઈ લેવાયા
આરોગ્ય તંત્ર પોતાની જ ગેરરીતિ છુપાવવા સાવ તળિયે બેસી ગયું છે. જેમના સેમ્પલ નથી લેવાયા તે પૈકીના અમૂકના નામો ભાસ્કરે જાહેર કર્યા હતા. આ લોકોના ઘરે તંત્ર પહોંચી ગયું હતું અને નામ લખાવી સહી કરાવી પોતાની રીતે નિવેદન લઇ લીધા છે. ભાસ્કરે આ જ કારણે બધા પુરાવા એકત્ર અગાઉથી જ કરી લીધા હતા. તંત્ર જાહેર કરે કોના અને શું નિવેદન લીધા છે એટલે બીજું કૌભાંડ બહાર આવશે.

અન્ય સમાચારો પણ છે...