30 દી’માં કુલપતિએ પાંચ નિર્ણય બદલ્યા:સિન્ડિકેટમાં પણ બે મોઢાની વાત, કરારી પ્રોફેસરોને 45 દી’ નોકરી આપશે અને સરકારનું માર્ગદર્શન પણ માગશે

રાજકોટ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
ડૉ. ગિરિશ ભીમાણી - ફાઈલ તસવીર - Divya Bhaskar
ડૉ. ગિરિશ ભીમાણી - ફાઈલ તસવીર
  • 11 માસના કરાર પર પ્રોફેસરની ભરતી કરવાની હતી, હવે 45 દિવસ માટે જ કરાશે
  • પહેલા કહ્યું, ભવનના વડા ઈન્ટરવ્યૂમાં માર્ક નહિ આપી શકે, પછી મંજૂરી આપી.
  • સિન્ડિકેટ સભ્ય ઇન્ટરવ્યૂમાં હાજર નહીં રહે, બાદમાં હાજર રહી માર્ક પણ મૂકવા દીધા!
  • સિન્ડિકેટમાં મીડિયાને પ્રવેશનો નિર્ણય, ગુરુવારની સિન્ડિકેટ બેઠકમાં નો-એન્ટ્રી!
  • કરારી પ્રોફેસરની ભરતીમાં UGCના નિયમો લાગુ કરવા, બાદમાં કર્યા નહીં.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં બે દિવસથી ચાલી રહેલા કરાર આધારિત પ્રોફેસરોના ઈન્ટરવ્યૂ ગુરુવારે પૂરા થયા હતા અને સાંજે કુલપતિએ તાબડતોબ સિન્ડિકેટની બેઠક પણ બોલાવી લીધી હતી. કરાર આધારિત ભરતી પ્રક્રિયામાં ક્યાં ભવનમાં ક્યાં ઉમેદવારો પસંદ થયા છે તે શુક્રવારે સવારે યુનિવર્સિટીની વેબસાઈટ પર લિસ્ટ મુકાશે.

હજી યુનિવર્સિટીને રાજ્ય સરકાર પાસે માર્ગદર્શન લેવાનું બાકી
આ તમામ કરારી પ્રોફેસરોને માત્ર 45 દિવસના જ ઓર્ડર આપવામાં આવશે અને ત્યારબાદ નવેસરથી અનામત નીતિના અમલ સાથે ફરીથી ભરતી પ્રક્રિયા કરવામાં આવશે પરંતુ તેમાં અનામત નીતિનું કઈ રીતે પાલન કરવું, કેટલા ટકા અનામત રાખવું તે અંગે યુનિવર્સિટી રાજ્ય સરકાર પાસે માર્ગદર્શન માગશે.

ભરતી પ્રક્રિયાને લઈને જુદા જુદા વિવાદ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં છેલ્લા એક મહિનાથી ભરતી પ્રક્રિયાને લઈને જુદા જુદા વિવાદ ચાલી રહ્યા છે જેમાં યુનિવર્સિટીના કુલપતિએ 5થી 6 નિર્ણય એવા લીધા કે જે નિર્ણય લીધાને ગણતરીના દિવસોમાં જ નિર્ણય બદલવો પડ્યો. 11 માસના કરાર પર પ્રોફેસરની ભરતી કરવાની હતી, હવે 45 દિવસની જ કરાશે. જેમ કે પહેલા કહ્યું, ભવનના વડા ઈન્ટરવ્યૂમાં માર્ક નહિ આપી શકે, પછી મંજૂરી આપી.

પ્રોફેસરની ભરતીમાં UGCના કેટલાક નિયમો લાગુ તો કેટલાક ન નહી
​​​​​​​
સિન્ડિકેટ સભ્ય ઇન્ટરવ્યૂમાં હાજર નહીં રહે, બાદમાં હાજર રહી માર્ક પણ મૂકવા દીધા! સિન્ડિકેટની મિટિંગમાં મીડિયાને પ્રવેશનો કુલપતિએ નિર્ણય કર્યો, પરંતુ ગુરુવારે ઈન્ટરવ્યૂ બાદ મળેલી સિન્ડિકેટમાં મીડિયાને પ્રવેશ ન અપાયો પરંતુ સેનેટ હોલમાં સ્ક્રીનમાં બેઠક જોવાની વ્યવસ્થા કરી, બાદમાં મિટિંગનો ઓડિયો બંધ કરી દેવાયો. કરારી પ્રોફેસરની ભરતીમાં UGCના કેટલાક નિયમો લાગુ કર્યા, કેટલાક ન કર્યા.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઇકોનોમિક્સ અને ફિલોસોફીમાં ઇન્ટરવ્યૂમાં બધા ઉમેદવારો ફેલ, કોઈને ઓર્ડર નહીં
યુનિવર્સિટીમાં યોજાયેલા ઈન્ટરવ્યૂ પૈકી ઇકોનોમિક્સ ડિપાર્ટમેન્ટ અને ફિલોસોફી ડિપાર્ટમેન્ટમાં ઈન્ટરવ્યૂ માટે જે ઉમેદવારો આવ્યા હતા તેમાંથી એકપણ ઉમેદવાર સારું પર્ફોર્મન્સ નહીં કરી શકતા તમામ ઉમેદવારને રિજેક્ટ કરવામાં આવ્યા હતા અને કોઈ પણ લાયક ઉમેદવાર નહીં મળતા ‘નોટ ફાઉન્ડ સૂટેબલ’ ઠરાવ વરણી સમિતિએ કર્યો છે. ફિલોસોફીમાં 1 જગ્યા માટે 3 ઉમેદવાર અને ઇકોનોમિક્સમાં 5 જગ્યા માટે 15 ઉમેદવાર ઈન્ટરવ્યૂ માટે લાયક ગણાયા હતા પરંતુ વરણી સમિતિને એકપણ ઉમેદવાર લાયક નહીં લાગતા પસંદ કર્યા નથી જેના પરથી ભરતી પ્રક્રિયા પારદર્શિત રીતે થઇ હોવાનું લાગી રહ્યું છે.

45 દિવસની ભરતી માટે 7 લાખથી વધુનો ખર્ચ, 100 નિષ્ણાત રાજ્યભરમાંથી આવ્યા!
યુનિવર્સિટીમાં માત્ર 45 દિવસના કરાર આધારિત ભરતી પ્રક્રિયા માટે વિષય નિષ્ણાત, રાજ્ય સરકારના પ્રતિનિધિ સહિત 100થી વધુ લોકો રાજ્યના જુદા જુદા જિલ્લામાંથી આવ્યા હતા. રાજ્યની ચાર યુનિવર્સિટીમાંથી પણ એક્સપર્ટ આવ્યા હતા અને યુનિવર્સિટીને અંદાજિત 7 લાખથી વધુનો ખર્ચ થયો છે. હવે 44 દિવસ બાદ ફરીથી ભરતી પ્રક્રિયા કરવામાં આવશે.

30%થી વધુ ઉમેદવારો ગેરહાજર રહ્યા!
યુનિવર્સિટીમાં પ્રથમ દિવસે ઈન્ટરવ્યૂમાં ઉમેદવારોની સારી એવી સંખ્યા રહી હતી પરંતુ અનામત નીતિના વિવાદ થયા બાદ યુનિવર્સિટીએ માત્ર 45 દિવસની જ ભરતી પ્રક્રિયા કરતા બીજે દિવસે 9 ભવનના ઇન્ટરવ્યૂમાં 30%થી વધુ ઉમેદવારો ગેરહાજર રહ્યા હતા. ઉમેદવારોએ કહ્યું કે, 45 દિવસ પછી શું થશે તેનું કશું નક્કી નથી, અને ત્યારબાદ ફરીથી ભરતી કરવાની હોય તો માત્ર 45 દિવસ માટે હાલમાં ચાલુ જોબ શા માટે છોડી દેવી તેવું માનીને આવ્યા ન હતા.

પારદર્શિત ભરતી પ્રક્રિયા થઇ છે, આગળ પણ એવી જ રીતે કરીશું
યુનિવર્સિટીમાં હાલ જે ભરતી પ્રક્રિયા થઇ છે તે વિષય નિષ્ણાત, સરકારના પ્રતિનિધિ સહિતના એક્સપર્ટની હાજરીમાં જ થઇ છે અને સંપૂર્ણ પારદર્શિત રીતે થઇ છે. આગળ પણ સરકારના માર્ગદર્શન આવ્યા બાદ ભરતી પ્રક્રિયા આવી જ પારદર્શિતા સાથે કરાશે. - ડૉ. ગિરિશ ભીમાણી, કુલપતિ

અન્ય સમાચારો પણ છે...