બેઠક:2021માં સિન્ડિકેટની 5 જ બેઠક મળી, પદ જવાનું છે ત્યારે નિયમ યાદ આવ્યો

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • છ સિન્ડિકેટ સભ્યને યાદ આવ્યું કે બેઠક દર મહિને બોલાવવાની હોય!
  • સભ્ય હતા ત્યારે લાલિયાવાડી ચલાવી, હવે કહ્યું દર મહિને સિન્ડિકેટ નહીં બોલાવી કુલપતિએ સ્ટેચ્યુટ 81નો ભંગ કર્યો છે

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના છ સિન્ડિકેટ સભ્યોએ તાજેતરમાં જ રજિસ્ટ્રારને લેખિત રજૂઆત કરી મહિનામાં સિન્ડિકેટની બેઠક નહીં બોલાવી હોવાનું અને યુનિવર્સિટીના સ્ટેચ્યુટ 81 મુજબ દર મહિને સિન્ડિકેટની બેઠક બોલાવવાની જોગવાઈ હોવાનું જણાવ્યું છે.

તેમણે એવું પણ જણાવ્યું છે કે યુનિવર્સિટી દ્વારા સ્ટેચ્યુટ 81નું પાલન થઇ રહ્યું નથી પરંતુ ‘દિવ્ય ભાસ્કરે’ વર્ષ 2021ના સિન્ડિકેટની મિટિંગના આંકડા કઢાવતા માત્ર 5 જ બેઠક મળી હોવાનું ખુલ્યું હતું. જે છ સભ્યે સ્ટેચ્યુટ 81નો ભંગ થઇ રહ્યાની રજૂઆત કરી છે તે તમામ 2021માં સિન્ડિકેટ સભ્ય પદ પર હતા ત્યારે પણ સ્ટેચ્યુટ 81નો ભંગ થઇ રહ્યો હતો પરંતુ ત્યારે તમામ સભ્યોને નિયમ ભંગ યાદ ન આવ્યું પરંતુ હવે જ્યારે આગામી 23 મેના રોજ કુલપતિ સહિત સાત સભ્યનું સિન્ડિકેટ પદ જતું રહેવાનું છે ત્યારે હવે આ સભ્યોને સ્ટેચ્યુટનો ભંગ થઇ રહ્યાનું ધ્યાને આવતા રજિસ્ટ્રારને રજૂઆત કરી છે.

તાજેતરમાં જ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના છ સિન્ડિકેટ સભ્ય ડૉ. ભાવિન કોઠારી, ડૉ. નેહલ શુક્લ, ડૉ. ભરત રામાનુજ, ડૉ. મહેશ ચૌહાણ, ડૉ. પ્રવીણસિંહ ચૌહાણ અને ડૉ. રાજેશ કાલરિયાએ કુલસચિવને લેખિત રજૂઆત કરી જણાવ્યું છે કે, ફેબ્રુઆરી માસની સિન્ડિકેટની મિટિંગ 3 ફેબ્રુઆરીએ મળી, ત્યારબાદ 6 ફેબ્રુઆરીએ કુલપતિએ ચાર્જ લીધો ત્યારબાદ હજુ સુધી માર્ચ મહિનાની સિન્ડિકેટની બેઠક નહીં બોલાવીને સ્ટેચ્યુટ 81નો ભંગ થયો છે.

ઉલ્લેખનીય છે કે વર્ષ 2021માં કુલ 5 જ સિન્ડિકેટ બેઠક મળી જેમાં પ્રથમ 20 જાન્યુઆરી, બીજી 22 માર્ચ, ત્રીજી 24 જૂન, ચોથી બેઠક 25 ઓગસ્ટ અને પાંચમી 27 ઓક્ટોબરના રોજ મળી હતી. હવે જ્યારે છ સિન્ડિકેટ સભ્યોનું પદ જવાનું છે ત્યારે તેમને સ્ટેચ્યુટ યાદ આવતા રજિસ્ટ્રારને પત્ર લખી તાકીદે સિન્ડિકેટ બોલાવવા માગણી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...