અંધશ્રદ્ધા દૂર કરી વેક્સિન મૂકાવો:રાજકોટના કૃષ્ણનગર ગામની અંધશ્રદ્ધાને લીધે વેક્સિન ન મૂકાવનારા લોકોને લપડાક, ચિતા પર બેસી બાળકો-વૃદ્ધો મિજબાની માણે છે!

રાજકોટ2 વર્ષ પહેલાલેખક: જીગ્નેશ કોટેચા
  • કૉપી લિંક
  • બાળકોને સાથે રાખી ચિતા પર નાસ્તો કરતા હોવાથી સ્મશાનનાં નામનો કોઇ ભય બાળકોમાં રહ્યો નથી

કોરોનાની બીજી લહેરમાં કેસ અને મૃત્યુઆંક જેમ જેમ વધ્યો તેમ તેમ ગુજરાતના ગામડાઓમાં અંધશ્રદ્ધાએ પણ જેટ ગતિએ વેગ પકડ્યો છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સર્વેમાં ગામડામાં 36 ટકા લોકો અંધશ્રદ્ધાને કારણે વેક્સિન મૂકાવતા નથી. આ બાબત અત્યંત નિંદનીય કહેવાય. ત્યારે અંધશ્રદ્ધાને લપડાક મારવાનો પ્રયાસ રાજકોટના કૃષ્ણનગર ગામના લોકો દ્વારા કરવામાં આવી રહ્યો છે. કોરોનાની બીજી લહેરમાં કેસ અને મૃત્યુઆંક ઘટતા લોકોની ચિંતા પર ઠરી ગઇ છે. ત્યારે આ ગામના લોકો સ્મશાનમાં મડદા સળગે તે ખાટલા પર બેસી બાળકો અને વૃદ્ધો સાથે મિજબાની માણી રહ્યાં છે અને લોકોને જાગૃત કરી રહ્યાં છે.

લોકોમાં સ્મશાન પ્રત્યેની ગેરમાન્યતા દૂર કરતા ગ્રામજનો
સામાન્ય રીતે સ્મશાનને લઈ લોકોના મનમાં અનેક માન્યતાઓ અને ડર જોવા મળતો હોય છે. અને માત્ર કોઈનું મૃત્યુ થયું હોય ત્યારે જ લોકો અંતિમવિધિ માટે સ્મશાનમાં જાય છે. એટલું જ નહીં ત્યાંથી પરત આવ્યા બાદ તરત જ નહાવું જરૂરી હોવાની માન્યતા પણ ઘણા વર્ષોથી લોકોમાં જોવા મળી રહી છે. પરંતુ રાજકોટની ભાગોળે આવેલા કૃષ્ણનગર ગામનાં લોકો આવી અંધશ્રદ્ધાથી સંપૂર્ણપણે દૂર છે. અહીં ગ્રામજનો જ્યાં ચિતા સળગે છે તે ખાટલા ઉપર બેસીને બાળકો સાથે મિજબાની માણે છે. જેને કારણે હવે બાળકોમાં પણ સ્મશાનનાં નામનો કોઇ ભય રહ્યો નથી.

વૃદ્ધો પણ ચિતા પર બેસી નાસ્તો કરી અંધશ્રદ્ધા દૂર કરે છે.
વૃદ્ધો પણ ચિતા પર બેસી નાસ્તો કરી અંધશ્રદ્ધા દૂર કરે છે.

મહિલાઓ પણ સ્મશાનમાં ધૂન-ભજનના કાર્યક્રમો રાખે છે
આ અંગે ગામમાં રહેતા લાલજીભાઈ જણાવ્યું હતું કે, સ્મશાન એ તો મુક્તિધામ છે. લોકડાઉન પહેલા અમારા ગામની મહિલાઓ પણ સ્મશાનમાં આવતી હતી. અને ત્યાં જ ધૂન-ભજન સહિત નાના-મોટા પ્રસંગો પણ યોજાતા હતા. સ્મશાનમાં જ ગાંઠિયા-ભજીયા જેવી વાનગીઓ બનાવીને મિજબાની માણતા હતા. અહીં ચિતા સળગે તે ખાટલા પર બેસી અમે ભજીયા પણ ખાઈએ છીએ. કોઈ જાતની બીક હોતી નથી. અંધશ્રદ્ધા નામના રાક્ષસે આપણા મનમાં એવો પગપેસારો કરી દીધો છે કે લોકો દુઃખના સમયે જ દોરા-ધાગામાં માનવા લાગે છે. પરંતુ આ બધુ જ ફોગટ હોવાથી લોકોએ તેનાથી દૂર રહેવું જોઇએ.

ગામના બાળકોમાં હવે સ્મશાન પ્રત્યે ડર રહ્યો નથી.
ગામના બાળકોમાં હવે સ્મશાન પ્રત્યે ડર રહ્યો નથી.

ચિતા સળગતી હોય તે ખાટલે બેસી જમુ છું- લાલજીભાઇ
લાલજીભાઇએ વધુમાં જણાવ્યું હતું કે, હું પોતે સ્મશાનમાં બેસું છું. દિવસે તો ઠીક રાત્રે પણ અમે ત્યાં બેસવા જઈએ છીએ. અત્યાર સુધી મેં ત્યાં કંઇ પણ અજુગતું જોયું નથી. અને હકીકતમાં એવું કંઈ હોતું નથી. માણસને સ્મશાનનાં નામથી લાગતો ડર સાવ પાયાવિહોણો છે. મારી સાથે આવો એટલે તમારો આ ડર-ગેરમાન્યતા દૂર થઈ જશે. ચિતા સળગે છે એ ખાટલે બેસીને હું જમુ છું અને ત્યાં જ કલાકો સૂઇ જાવ છું.

બાળકોમાં પણ સ્મશાન પ્રત્યેનો ડર દૂર થયો
એટલું જ નહીં અમે તો બાળકોને પણ અહીં લાવીએ છીએ. અને બાળકો સાથે ખાટલે બેસીને નાસ્તો પણ કરીએ છીએ. જે કોઈને સ્મશાનનો ભય હોય તે મારી સાથે આવે એટલે તેનો ડર હું દૂર કરીશ. ત્યાં બેસીને સૌપ્રથમ હું જમીશ અને પછી જેને ભય લાગતો હોય તેને જમાડીશ. આથી તેનો ડર સંપૂર્ણપણે દૂર થઈ જશે. અમારા ગામનાં બાળકો પણ અહીં રમતા અને જમતા હોવાથી તેમનામાં સ્મશાનનો કોઈ ડર જોવા મળતો જ નથી.

મડદા સળગે તે ચિતા પર બેસી લોકો મિજબાની માણે છે.
મડદા સળગે તે ચિતા પર બેસી લોકો મિજબાની માણે છે.

અંધશ્રદ્ધાને લઇને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું ઉમદા કાર્ય
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવન દ્વારા અંધશ્રદ્ધાને લઇને ઉમદા કાર્ય કરવામાં આવી રહ્યું છે. કોરોના વેક્સિનને લઇને ગામડાના લોકોમાં જાગૃતિનો અભાવ જોવા મળી રહ્યો છે. આથી મનોવિજ્ઞાન ભવનની 50 લોકોની ટીમ ગામડે ગામડે ફરી રહી છે અને લોકોનું કાઉન્સેલિંગ કરી વેક્સિન અંગેની ગેરમાન્યતાઓ દૂર કરે છે. ગામડામાં કોરોના અને વેક્સિનને લઇને લોકોને અંધશ્રદ્ધાના કૂવામાં ધકેલી દીધા છે. આથી આ ટીમ લોકોને સમજાવી રહી છે અને જાગૃત કરી રહી છે.

ગ્રામજનોએ બાળકોમાં રહેલી અંધશ્રદ્ધાને નેસ્તનાબૂદ કરી દીધી.
ગ્રામજનોએ બાળકોમાં રહેલી અંધશ્રદ્ધાને નેસ્તનાબૂદ કરી દીધી.

ગામડામાં વેક્સિન મૂકાવાને લઇ ફેલાતી અંધશ્રદ્ધાના કિસ્સા

  • ભૂવા કહે છે રસી મુકાવાની માતાજીએ ના પાડી છે
  • ગામડાંમાં ભય છે કે વેક્સિન લેવાથી મરી જઇશું.
  • રસીમાં ભેદભાવ છે. શહેરમાં અલગ-ગામડાંમાં જુદી અપાતી હોવાનો ભ્રમ છે.
  • અમારા વીમા ઊતરાવી આપો 10 લાખના તો વેક્સિન લઈએ.
  • વેક્સિન નહિ પણ માનતા માનવાથી કોરોનાથી બચી શકાય.
  • વેક્સિન લઇશું તો ભગવાન કોપાયમાન થશે.
  • વેક્સિન લેવાથી સ્ત્રીઓને ગર્ભ નહિ રહે.
  • ગામમાં કોરોના ન પ્રવેશે માટે માતાજીનો તાવો કર્યો છે, માતાજીને ખોટું લાગે જો રસી લઈએ તો.
  • માતાજી છે, એટલે કોરોના લોકોનું કંઈ નહીં બગાડે.
  • ભૂવાઓ કહે, માતાજીએ રસી મુકાવાની ના પાડી છે.
  • રોજા હોવાથી રસી ન લઈ શકાય.
  • વેક્સિન લીધી તોય સગા મરી ગયા તો વેક્સિનનો અર્થ શું?
  • લેખિતમાં આપો કે વેક્સિનથી કંઈ નહિ થાય તો જ લઈએ.
અન્ય સમાચારો પણ છે...