સુપર એક્સલુઝિવ:1971ના યુદ્ધમાં ભુજ એરબેઝ પરના હુમલા વખતના સુપરહીરો વિજય કર્ણિકે પહેલીવાર 'દિવ્ય ભાસ્કર'ને વર્ણવી દાસ્તાનઃ પાકે. 6 કલાકમાં 65 બોમ્બ ઝીંક્યા હતા

રાજકોટ2 વર્ષ પહેલાલેખક: શુભમ્ અંબાણી
  • 1971ની 9 ડિસેમ્બરની રાતના 10 વાગ્યે ભુજ એરબેઝ પર અંધકારમાં પથરાયેલા સન્નાટાને પાક. બોમ્બર વિમાનોના અવાજે ચીરી નાંખ્યો
  • પાક. એરફોર્સના કેનબેરા તરીકે ઓળખાતા બોમ્બર વિમાનોએ 4 દિવસ સુધી છૂટાછવાયા હુમલા કરી ભુજના એરબેઝને ટાર્ગેટ બનાવ્યા હતા

15 ઓગસ્ટ, 1947એ આપણા દેશને આઝાદી મળી પણ આ 75 વર્ષ સુધી આઝાદીને જાળવી રાખવા આપણા અસંખ્ય વીર જવાનોએ પોતાના લોહી વડે સિંચન કર્યું છે. આમાં 1971ના પાકિસ્તાન સાથેના યુદ્ધમાં આપણા અમર જવાનોના બલિદાનને કેમનું ભૂલી શકાય? તે સમયે ભુજ એરબેઝ પર થયેલા હવાઈ હુમલા સામે બાથ ભીડનારા સુપર નાયક વિજય કર્ણિકની શૌર્યગાથા આજે પણ લોકોને કંઠસ્થ છે. વિજય કર્ણિકે સૌપ્રથમ વખત 'દિવ્ય ભાસ્કર' સાથે આ પ્રસંગ વિશે જણાવ્યું હતું કે, પાકિસ્તાને 6 કલાકમાં 65 બોમ્બ ઝીંકતા કોલાહલ મચી ગયો હતો. ભારત અને પાકિસ્તાન વચ્ચે 1971માં લડાયેલું યુદ્ધ માત્ર 13 દિવસ ચાલ્યું હતું, પણ આંગળીના વેઢે ગણી શકાય એટલા જ દિવસ ચાલેલા એ યુદ્ધમાં વીરત્વ અને જાંબાઝીની કેટલીય કહાનીઓ આલેખાઈ ગઈ હતી.

પાકિસ્તાન ભુજના એરબેઝને ટાર્ગેટ બનાવી રહ્યું હતું
પાકિસ્તાનના હુમલા વિશે વાત કરતા વિજય કર્ણિકે જણાવ્યું હતું કે, 1971ની 9મી ડિસેમ્બરે રાતના 10 વાગ્યે ભારતીય વાયુસેનાનું ભુજ એરબેઝ પર અંધકારમાં પથરાયેલા સન્નાટાને બોમ્બર વિમાનોના એન્જિનના અવાજે ચીરી નાંખ્યો અને જોત જોતમાં એરબેઝની સાયરનો ગાજી ઉઠી. ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ શરુ થઈ ચૂક્યું હતું અને પાકિસ્તાની વાયુસેનાના નિશાના પર હતું. વ્યૂહાત્મક દૃષ્ટિએ ભારે મહત્વ રાખતું ભુજનું એરબેઝ...પાકિસ્તાની વાયુસેનાના કેનબેરા તરીકે ઓળખાતા બોમ્બર વિમાનો ત્રણ ચાર દિવસથી છૂટા છવાયા આવીને ભુજના એરબેઝને ટાર્ગેટ બનાવી રહ્યાં હતા. પરંતુ 9 ડિસેમ્બરની રાતની વાત જુદી હતી. આ વખતે કેનબેરા બોમ્બર્સનુ આખુ ધાડુ જ ભૂજની દિશામાં રવાના કરાયું હતું.

ત્રણ એન્ટી એરક્રાફ્ટ ગન તૈનાત હતી
વધુમાં વિજય કર્ણિકે જણાવ્યું હતું કે, રાતના દસ વાગ્યે બે વિમાનોની ટૂકડીએ પોતાના કાફલામાંથી બોમ્બરને એરબેઝ તરફ રવાના કર્યા. નિશાન હતું એરબેઝનો રનવે. જે ભારતીય વાયુસેનાના લડાકુ અને બોમ્બર વિમાનોને પાકિસ્તાનના કરાંચી અને સિંધ પ્રાંતમાં વિવિધ સ્થળોએ હુમલા કરવા માટે રિયલિંગથી માંડીને સંકટ સમયે ઉતરાણ કરવા સુધીની સગવડ પુરી પાડતો હતાં. રાતના દસ વાગ્યે પહેલો બોમ્બ પડ્યા બાદ બે-બેની ટૂકડીમાં કેનબેરાના આક્રમણના એક પછી એક મોજા આવતા રહ્યા. હજી સુધી પૂર્ણ કક્ષાના એરબેઝ તરીકે નહીં વિકસાવાયેલા ભુજ એરબેઝના રક્ષણ માટે માત્ર ત્રણ એન્ટી એરક્રાફ્ટ ગન તૈનાત હતી. જ્યારે નજીકનુ જામનગર એરબેઝ ભારતીય વાયુસેના દ્વારા પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવાના ઓપરેશનમાં વ્યસ્ત હતું.

સંખ્યાબંધ બોમ્બ વિખરાયેલા પડ્યા હતા
વધુમાં વિજય કર્ણિકે જણાવ્યું હતું કે, આ સંજોગોમાં રાતના ચાર વાગ્યા સુધી એરબેઝ પાકિસ્તાની આક્રમણનો સામનો કરતો રહ્યું. આખરી પાકિસ્તાની હુમલાખોર બોમ્બર ૨વાના થયું. આ છ કલાકમાં કુલ મળીને 65 બોમ્બ ઝીંકાય ચુક્યા હતા. એરબેઝનો ત્રણ કિલોમીટર લાંબો રનવે ખેદાન મેદાન થઈ ગયો હતો. અધૂરામાં પુરુ રનવે પર ફાટ્યા વગરના અને ટાઇમર સાથેના સંખ્યાબંધ બોમ્બ વિખરાયેલા પડ્યા હોવાની બીક હતી.

ભુજ પર ભવ્ય જીત મેળવ્યાની વેળાએ એરફોર્સની ટીમ અને ધર્મપત્ની સાથે વિજય કર્ણિક
ભુજ પર ભવ્ય જીત મેળવ્યાની વેળાએ એરફોર્સની ટીમ અને ધર્મપત્ની સાથે વિજય કર્ણિક

હેલિકોપ્ટર વડે રન-વેનું સર્વેક્ષણ કરવામાં આવ્યું
આ વર્ષે ભૂજ એરબેઝ પર થયેલા આક્રમણને 50 વર્ષ પુરા થઈ રહ્યાં છે, ત્યારે આટલા વર્ષો પછી પણ વિજય કર્ણિકને એરબેઝ પર કેટલા બોમ્બ પડ્યા હતા તેની સંખ્યાથી માંડીને રજે રજની વિગતો યાદ છે. રનવે તબાહ થઈ ગયા બાદ શું થયુ..? વિજય કર્ણિકના જ શબ્દોમાં કહીએ તો, રનવે પર મોટા મોટા ગાબડા પડી ચુક્યાં હતાં. અધૂરામાં કેટલાક બોમ્બમાં ટાઈમર ફીટ કરાયુ હોય અને એ બોમ્બ પાછળથી રનવેના સમારકામ ટાણે જ ફાટે તેવી પૂરેપૂરી શક્યતાઓ હતી. સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી અને એરબેઝ પરના ચાર હેલિકોપ્ટર સહી સલામત હતા. પહેલું કામ અમે આ હેલિકોપ્ટરને અન્ય જગ્યાએ લઈ જવાનુ કર્યું. એ બાદ એક હેલિકોપ્ટર વડે રન વેનું સર્વેક્ષણ કરવામાં આવ્યું.

યુદ્ધ પૂર્ણ થયા બાદની તસવીર
યુદ્ધ પૂર્ણ થયા બાદની તસવીર

50 ટકા ભુજ સવાર સુધીમાં ખાલી થઈ ગયું હતું
આ અંગે વધુમાં વિજય કર્ણિકે જણાવ્યું હતું કે, છ ટાઈમ બોમ્બ ફાટ્યા વગરના રહ્યા હતા. એ વખતે સેનાની બોમ્બ ડિસ્પોઝેબલ સ્કવોડે આ બોમ્બને ડિફ્યુઝ કરવાનું શરુ કર્યું હતું. એ દરમિયાન એરબેઝથી નજીકમાં જ આવેલા ભુજ શહેરમાં પાકિસ્તાનના બોમ્બિંગથી કોલાહલ મચી ગયો હતો. તે વખતના ભુજના કલેક્ટર અને ચૂંટણીપંચના કમિશનર પદે રહી ચૂકેલા ગોપાલ સ્વામી અને પોલીસની લાખ કોશિશો પછી માત્ર 50 ટકા ભુજ સવાર સુધીમાં ખાલી થઈ ગયું હતું.

જવાનોને વિનિંગ સ્પીચ આપતા વિજય કર્ણિક
જવાનોને વિનિંગ સ્પીચ આપતા વિજય કર્ણિક

વિમાનોને રન વે પર ઉતારી શકાય તેવી સ્થિતિ હતી નહીં
વધુમાં વિજય કર્ણિકે જણાવ્યું હતું કે, દુઃખની વાત છે કે ભુજમાં એરબેઝ પર હુમલો થાય તેવા સંજોગોમાં સમારકામ માટે અગાઉથી તૈયાર રખાયેલા કોન્ટ્રાક્ટર્સ અને તેમના શ્રમજીવીઓ પણ બોમ્બથી ડરીને નાસી ગયા હતા. હવે સમારકામ કેમ કરવું તેની ચિંતા અમને સતાવતી હતી. એરફોર્સના ઈસ્ટર્ન કમાન્ડના નેજા હેઠળની સુખોઈ-7 લડાકુ વિમાનોની સ્કવોડ્રનને ભુજ એરબેઝ પર તૈનાત કરવાનુ નક્કી કરાયુ હતુ. જેથી પાકિસ્તાનને વધારે ફટકા મારી શકાય. હવે આ વિમાનોને રન વે પર ઉતારી શકાય તેવી સ્થિતિ હતી નહીં. આ પ્રકારના સમારકામ કરતી અને અન્ય મોરચા પર તૈનાત સેનાની પાયોનીયર કંપનીને આવતા બીજા પાંચેક દિવસ નીકળી જાય તેમ હતા.

ભારેખમ બૉમ્બને લઈ જતા ભારતીય જવાનો
ભારેખમ બૉમ્બને લઈ જતા ભારતીય જવાનો

300 મહિલાઓએ પોતાનું યોગદાન આપ્યુ
રનવેની મરામત કેવી રીતે કરવી તે સમસ્યાનો જવાબ મળ્યો પણ જરા જુદી રીતે.. એ વિશે વાત કરતા વિજય કર્ણિક જણાવે છે કે, નજીકમાં આવેલા માધાપર ગામના સરપંચનો ફોન આવ્યો. તેમણે કહ્યું કે ગામની 300 મહિલાઓ આ કામ માટે તૈયાર છે. વિદેશમાં રહેનારા ગામના વતનીઓના કારણે સમૃદ્ધ ગણાતા માધાપરમાં ગામની મહિલાઓ સમારકામ શીખે તેવી સામાજિક પરંપરા હતી. માટે મહિલાઓને કડિયાકામથી લઈને ઇમારત બનાવવા સુધીની તાલીમ ગળથુંથીમાં મળી હતી.

એરબેઝના રનવે ને નમન કરતી માધાપરની વીરાંગનાઓ
એરબેઝના રનવે ને નમન કરતી માધાપરની વીરાંગનાઓ

વિરાંગનાઓએ ત્રણ દિવસમાં રનવે તૈયાર કરી આપ્યો
વધુમાં વિજય કર્ણિક જણાવે છે કે, આ મહિલાઓ કામ કરે અને તે જ વખતે પાકિસ્તાન દ્વારા ફરી એરબેઝને નિશાન બનાવાય તેવા સંજોગોમાં કેવી રીતે પોતાનો બચાવ કરવો તેનુ માર્ગદર્શન પહેલા તો તેમને આપવામાં આવ્યું. તેની સાથે સુરક્ષાની ગોઠવણ માટે જામનગર એરબેઝને વિનંતી કરીને બે મીગ વિમોનોને આકાશી ચોકી પહેરા માટે મુકવામાં આવ્યા હતા. માધાપરની મહિલાઓએ ગમે ત્યારે ફરી હુમલો થઈ શકે તેવી શક્યતાઓ વચ્ચે ગામના સરપંચના નેતૃત્વ હેઠળ ત્રણ દિવસમાં રન વે હતો એવો તૈયાર કરી આપ્યો હતો.

2021માં માધાપરની વીરાંગનાઓ સાથે વિંગ કમાન્ડર વિજય કર્ણિક
2021માં માધાપરની વીરાંગનાઓ સાથે વિંગ કમાન્ડર વિજય કર્ણિક

મહિલાઓ ડરી જાય એમ નહોતી
એ વખતે તત્કાલિન કચ્છ કલેક્ટરની એરસ્ટ્રીપ પૂર્વવત માટેની એક હાંકલના પગલે માધાપરની શસ્ત્ર વગરની 300 જેટલી સાહસી મહિલાઓએ પુરા જોમ સાથે યુદ્ધમાં શ્રમદાન સાથે સહભાગી બની હતી. એક તરફ યુદ્ધ ચાલી રહ્યું હતું સતત હુમલાઓનો ભય અને બીજી તરફ બને એટલી જલ્દી એરસ્ટ્રીપ નિર્માણ કરવાનું કામ પરંતુ કચ્છની મહિલાઓ ડરી જાય એમ નહોતી, પડકારને સામી છાતીએ સામનો કરી કામ કરવાનું નક્કી કરી લઈ રાત દિવસ સતત 72 કલાક સુધી મહેનત કરીને યુદ્ધની સાયરનો વચ્ચે એરપોર્ટને વિમાન ઉતરાણ કરી શકે તે માટે તૈયાર કરી બતાવ્યું હતું.

સ્વતંત્રતા દિવસે રિયલ પ્રાઇડ ઓફ ઇન્ડિયાને સલામ
સ્વતંત્રતા દિવસે રિયલ પ્રાઇડ ઓફ ઇન્ડિયાને સલામ

ભુજ ખાતે સુખોઈ-7 વિમાનોની ટુકડી આવી પહોંચી હતી
સમગ્ર ઘટનાક્રમમાં કેન્દ્ર સ્થાને રહેલા વીંગ કમાન્ડર કર્ણિક કહે છે કે, રન વે તૈયાર થયો અને એરબેઝ ફરી કાર્યરત થયુ ત્યાં સુધીમાં તો યુધ્ધવિરામ થઈ ચુક્યો હતો. જો યુધ્ધ હજી લંબાયુ હોત તો ભારતીય વાયુસેના પાકિસ્તાનને લાંબા સમય સુધી યાદ રહે તેવો પાઠ ભણાવવાના મૂડમાં હતી. જેમાં નિશ્ચિત પણે ભુજ એરબેઝ અને તેના રન વેની ભૂમિકા મહત્વની બની હોત. કારણકે આ બેઝ પર લડાકુ વિમાનો રાખવાનો નિર્ણય લેવાય ગયો હતો. રનવે તૈયાર થયાના ગણતરીના દિવસોમાં નક્કી થયા પ્રમાણે ભુજ ખાતે સુખોઈ-7 વિમાનોની ટુકડી આવી પહોંચી હતી.

અજય દેવગન વીંગ કમાન્ડર વિજય કર્ણિકનું પાત્ર ભજવી રહ્યા છે
અજય દેવગન વીંગ કમાન્ડર વિજય કર્ણિકનું પાત્ર ભજવી રહ્યા છે

એક અઠવાડિયામાં જ પાકિસ્તાને હાર સ્વીકારી લીધી
એ યુદ્ધ દરમિયાન કચ્છની મહિલાઓએ દાખવેલી બહાદુરીને ધ્યાને રાખીને બનેલી ફિલ્મ ‘ભુજ: ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયા’ રિલીઝ થઇ ચૂકી છે. ત્યારે અજય દેવગન જેમનું પાત્ર ભજવી રહ્યાં છે એ વીંગ કમાન્ડર વિજય કર્ણિકે વખતે એરબેઝના કમાન્ડિંગ ઓફિસર હતા. મતલબ કે એરબેઝના સંચાલનની જવાબદારી તેમના શીરે હતી. આ વર્ષે ભારત-પાકિસ્તાન વચ્ચેના યુદ્ધને 50 વર્ષ પુરા થઈ રહ્યાં છે. રાષ્ટ્રીય સ્તરે દરેક ક્ષેત્રમાં મહત્વની ભૂમિકા ભજવી રહેલા ગુજરાતે આ યુદ્ધમાં પણ મહત્વનો રોલ અદા કર્યો હતો. ઇતિહાસમાં ભાગ્યે જ નોંધાય હોય એવી બહાદુરીની આ ઘટનાના એક અઠવાડિયામાં જ પાકિસ્તાને હાર સ્વીકારી લીધી હતી.

ભુજ ફિલ્મના દિગ્દર્શક અભિષેક દુધિયા સાથે વિજય કર્ણિક
ભુજ ફિલ્મના દિગ્દર્શક અભિષેક દુધિયા સાથે વિજય કર્ણિક

મારુ ચરિત્ર અજય દેવગને ખૂબ જ સુંદર રીતે નિભાવ્યું
અજય દેવગન વિશે વાત કરતા વિજય કર્ણિકે જણાવ્યું હતું કે, મારા મનમાં પહેલેથી એવું હતું કે મારુ પાત્ર કોઈ ભજવી શકે તો એ બોલીવૂડમાં એક માત્ર અજય દેવગન જ છે. જ્યારે આ ફિલ્મના લેખક અને દિગ્દર્શક અભિષેક દુધિયા મારી પાસે આવ્યા ત્યારે તેમણે વાત કરી કે તેમની નાનીમાં પણ એ 300 મહિલાઓમાંની એક હતી. જેમણે રન-વે બનાવવામાં પોતાનું યોગદાન આપ્યું છે. ફિલ્મની કથાની ચર્ચા કર્યા બાદ જ્યારે મને તેમણે પૂછ્યું કે તમારું પાત્ર કોણ ભજવી શકે ત્યારે મેં અજય દેવગનનું નામ સજેસ્ટ કર્યું અને દિગ્દર્શક ખુશીથી ઝુમી ઉઠ્યા. કારણ કે તે પોતે પણ અજયને કાસ્ટ કરવા માંગતા હતા. ફિલ્મમાં મારુ ચરિત્ર અજયે ખૂબ જ સુંદર રીતે નિભાવ્યું છે.

1971માં યુદ્ધ પૂર્ણ થયા બાદ એરફોર્સની ટીમ સાથે વિજય કર્ણિક
1971માં યુદ્ધ પૂર્ણ થયા બાદ એરફોર્સની ટીમ સાથે વિજય કર્ણિક

સોનેરી ઇતિહાસ
અજય દેવગણ, સંજય દત્ત અને સોનાક્ષી સિન્હા અભિનીત ફિલ્મ 'ભુજ'ની વાર્તા કચ્છના ગૌરવસમાં ઇતિહાસની વિરતા દર્શાવે છે. જેનો ઇતિહાસ દરેક ભારતીય જાણીને હૃદયમાં ગદગદ થઈ જશે. 1971ના યુદ્ધમાં 1968ના તૈયાર થયેલા એરપોર્ટ રન વે પર 90 જેટલા બોંબ યુદ્ધ જહાજ દ્વારા ઝીંકી દેતા 65 જેટલા બોંબ ટાર્ગેટ થયા હતા. જેના કારણે સરહદી કચ્છ જિલ્લાની એક માત્ર એરસ્ટ્રીપ નષ્ટ થઈ ગઈ હતી જ્યારે યુદ્ધ ચરમસીમાએ પહોંચી ચૂક્યું હતું. આ માટે રનવે પૂર્વવત કરવો અતિ આવશ્યક હતો અને વીરાંગનાઓના જુસ્સાથી યુદ્ધને નવું બળ પ્રાપ્ત થયું હતું.

અન્ય સમાચારો પણ છે...