વિંછીયા તાલુકાના હિંગોળગઢ ગામની વીડીમાંથી એક યુવક-યુવતીની ઝાડ સાથે દોરડું બાંધી ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવતા ચકચાર મચી ગઈ હતી. આ બનાવની જાણ થતા વિંછીયા પોલીસ મથકના PSI અને નાયબ મામલતદાર સહિતની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને બન્નેના મૃતદેહને ઝાડથી નીચે ઉતારી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે આ બન્ને મામા-ભાણીનો સંબંધ ધરાવે છે. આ બનાવના પગલે લોકોના ટોળેટોળા એકઠા થઈ ગયા હતા અને પોલીસે બન્ને મૃતકોના પરિવારને જાણ કરી વધુ તપાસ આદરી હતી.
હિંગોળગઢ ગામની વીડીમાં મૃતદેહ મળ્યા
આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર વિંછીયા તાલુકાના અજમેર ગામે રહેતા રાયધન હરજીભાઈ જોગરાજીયા(ઉ.વ.22) અને ચોટીલા તાલુકાના આણંદપુર ગામે રહેતી અલ્પાબેન દિનેશભાઈ બાવળીયા(ઉ.વ.22) ની વિંછીયા તાલુકાના હિંગોળગઢ ગામની વીડીમાં ગળેફાંસો ખાધેલી હાલતમાં લાશ લટકી રહી છે તેવી જાણ વિંછીયા પોલીસને થતા PSI આઈ.ડી.જાડેજા અને નાયબ મામલતદાર મનસુખભાઈ સોરાણી સહિતનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. બાદમાં બન્ને મૃતકોની લાશને ઝાડથી નીચે ઉતારી PM અર્થે વિંછીયાની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ બનાવમાં વિંછીયા પોલીસે આ આપઘાતના બનાવનું કારણ જાણવા માટે વધુ તપાસ આદરી હતી.
પરિવારના ડરથી આપઘાત કર્યાનું અનુમાન
આ મામલે પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર, મૃતક બન્ને યુવક અને યુવતી અપરણિત હતા અને તેઓ બન્ને સગા મામા-ભાણકી હોવાનું તેમજ બન્ને એકબીજાના પ્રેમમાં પાગલ થઈ ગયા હોવાનું જાણવા મળ્યું હતું. જો કે બન્ને વચ્ચે અતૂટ પ્રેમ હોવાથી સમાજ અને બન્નેના પરિવારજનો તેમના અતૂટ પ્રેમને સ્વીકારશે નહી તેવા ડરથી બન્નેએ આ પગલું ભર્યાનું અનુમાન લગાવાઈ રહ્યું છે. જો કે આ બનાવમાં વિંછીયા પોલીસ દ્વારા બન્ને મૃતકના પરિવારજનોના નિવેદનો લીધા બાદ તેની પૂર્ણ તપાસ થયા બાદ જ બનાવનું સાચું કારણ બહાર આવશે તેવું જણાવ્યું હતું.
(દિપક રવિયા – જસદણ)
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.