ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાનાર ધોરણ 10 અને 12 ની પરીક્ષાની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. રાજકોટ એ સૌરાષ્ટ્રનું પાટનગર હોવાથી હાલ પરીક્ષા પૂર્વે સૌરાષ્ટ્ર કચ્છના કુલ 11 જિલ્લાના વિદ્યાર્થીઓની પરીક્ષા માટેની સ્ટેશનરી આઈટમ રાજકોટ ખાતે આવી ચુકી છે જયારે ધોરણ 10 ના પ્રશ્નપત્રો પણ આજે રાત સુધીમાં રાજકોટ આવી પહોંચશે જે માટે ખાસ ચૌધરી હાઈસ્કૂલ ખાતે પોલીસ બંદોબસ્ત વચ્ચે સ્ટ્રોંગરૂમમાં રાખી બાદમાં દરેક જિલ્લામાં પહોંચાડવામાં આવશે. આ માટે 24 કલાક પોલીસ બંદોબસ્ત અને સીસીટીવી કેમેરા મારફત તેનું મોનીટરીંગ પણ કરવામાં આવશે.
સીસીટીવી મારફત મોનીટરીંગ
રાજકોટ જિલ્લા શિક્ષણ અધિકારી બી.એસ. કૈલાએ જણાવ્યું હતું કે, આગામી ધોરણ 10 અને 12 ની પરીક્ષાઓને લઇ તડામાર તૈયારીઓ અંતિમ તબક્કામાં ચાલી રહી છે. સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છના 11 જિલ્લાના ધોરણ 10 ના પ્રશ્નપત્રો તેમજ સ્ટેશનરી આઈટમ રાજકોટ ખાતે રાખવામાં આવશે અને અહિયાથી જે-તે જિલ્લા ખાતે પહોંચાડવામાં આવશે. રાજકોટની ચૌધરી હાઈસ્કૂલ ખાતે આ માટે સ્ટ્રોંગરૂમ તૈયાર કરવામાં આવ્યો છે અને ત્યાં 24 કલાક પોલીસ બંદોબસ્તની પણ ફાળવણી કરવામાં આવી છે અને શિક્ષણ વિભાગ દ્વારા નિયુક્ત કરેલ અધિકારી આ સ્ટ્રોંગરૂમનું સતત સીસીટીવી મારફત મોનીટરીંગ પણ કરશે.
સ્ટેશનરી આઈટમ રાજકોટ આવી ચુકી છે
હાલ રાજકોટ ખાતે સૌરાષ્ટ્રના તમામ 11 જિલ્લા જેમાં રાજકોટ, અમરેલી, ભાવનગર, જામનગર, જૂનાગઢ, ગીરસોમનાથ, દ્વારકા, મોરબી, સુરેન્દ્રનગર, પોરબંદર અને કચ્છનો સમાવેશ થાય છે જેના પરીક્ષા કેન્દ્રોના ધોરણ 10 ના પરીક્ષા માટેની બારકોર્ડ સ્ટીકર, ખાખી સ્ટીકર, સપ્લીમેન્ટ્રી બાંધવાના દોરા જેવી સ્ટેશનરી આઈટમ રાજકોટ આવી ચુકી છે જે ચૌધરી હાઈસ્કૂલ ખાતે સ્ટ્રોંગરૂમમાં રાખવામાં આવી છે અને પ્રશ્નપત્રો આજે રાત અથવા આવતીકાલ સવાર સુધીમાં આવશે જે બાદ અલગ અલગ જિલ્લામાં ફાળવણી સૂચના મુજબ કરવામાં આવશે.
3 પ્રકારની સ્ક્વોડ કાર્યરત રહેશે
આ ઉપરાંત પરીક્ષા કેન્દ્ર ખાતે જે તે શાળાના શિક્ષકો ફરજ બજાવશે આ સિવાય 250 શિક્ષકો પેપર લઇ આવવા મુકવા ફરજ બજાવશે જયારે 150 શિક્ષકો અલગ અલગ ઝોનમાં. ફરજ બજાવશે. પરીક્ષામાં કુલ 3 પ્રકારની સ્ક્વોડ કાર્યરત રહેશે જેમાં એક કલેકટરની સંકલન સમિતિના અધિકારીઓ ફરજ બજાવશે જયારે બીજી એક સ્ક્વોડ બોર્ડની ફ્લાઈંગ સ્કવોડની 4 ટીમ રાજકોટમાં આવશે અને ત્રીજી સ્થાનિક 4 સ્ક્વોડ ટિમ બનાવવામાં આવશે.
8 સંવેદનશીલ સેન્ટર
ઉલ્લેખનીય છે કે રાજકોટ જિલ્લામાં કુલ 8 સંવેદન સેન્ટર છે જેમાં ગોંડલ, પડધરી, ભાયાવદર, અમરનગર, વિછિયા, ધ્રાંગધ્રા આંબરડી અને મોઢુકા નો સમાવેશ થાય છે જેના પર સ્ક્વોડ સતત નજર રાખશે. જો કે બીજી મહત્વની વાત એ છે કે 8 સંવેદનશીલ સેન્ટર પૈકી મોટા ભાગના સેન્ટર જસદણ અને વિછિયામાં આવેલા છે. મોઢુકામાં આ વખતે પ્રથમ વખત પરીક્ષા કેન્દ્ર હોવાથી તેને પણ સંવેદન હેઠળ આવરી લઇ નજર રાખવામાં આવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.