તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

RTPCR કૌભાંડ:નિવેદનમાં નામ બદલનારા સામે થશે ફરિયાદ, ખોટું કર્યું તે તમામને શોધાશે

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ગેરરીતિ બાદ તેને છુપાવવા થયેલા કૌભાંડનો ભાસ્કરે પર્દાફાશ કરતા કલેક્ટર અને ડીડીઓનો નિર્ણય
  • સેમ્પલની યાદીમાંથી આરોગ્યકર્મીના મોબાઈલ નંબર ચકાસી મોટાં માથાઓ સુધી પહોંચવાનો તંત્રનો દાવો

રાજ્યમાં અનેક સ્થળે ખોટા સેમ્પલ લઇ આરોગ્યકર્મીના નંબર નાખીને પોઝિટિવિટી રેટ ઓછો બતાવવા તેમજ ટાર્ગેટ પૂરા કરવા થતા કૌભાંડનો ભાસ્કરે પર્દાફાશ કર્યો છે. આ તપાસ કરવાને બદલે તંત્ર ઢાંકપિછોડા કરવા લાગ્યું હતું અને તે માટે વધુ કૌભાંડ આચર્યું હતું. જેમના નામ લખ્યા છે તેમને શોધીને શામ, દામ, દંડ, ભેદ બધું જ વાપરીને સેમ્પલ લીધા છે તેવી સહી કરાવી લીધી તેમજ વ્યક્તિએ પોતાના પરિવારજનોના નામ લખાવ્યા પણ સેમ્પલની યાદીમાં ખોટા હોવાથી નિવેદન પણ બદલી કાઢ્યું હતું. ભાસ્કરે તેનો પણ પર્દાફાશ કરી નાખ્યો હતો. સમગ્ર મામલો ગંભીર બનતા જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીએ બેઠક કરીને કડક વલણ અપનાવવા નિર્ણય લીધો છે.

જિલ્લા વિકાસ અધિકારી અનિલ રાણાવસિયાના જણાવ્યા અનુસાર જે આરોગ્યકર્મીઓએ નિવેદનમાં નામ બદલ્યા છે તેમના વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરવામાં આવશે. આ ઉપરાંત નિવેદનમાં સહી કરનાર મેડિકલ ઓફિસર અને તાલુકા આરોગ્ય અધિકારીને પણ નોટિસ ફટકારી કાર્યવાહી કરાશે. માત્ર જસદણ પૂરતી જ તપાસ સીમિત ન રાખી દરેક તાલુકાના ફરજ બજાવતા આરોગ્ય કર્મચારીઓના નંબર સેમ્પલની યાદીમાં વેરિફાય કરાશે અને જેમણે પણ નંબર નાખ્યા હશે તે વેરિફાય કરી કાર્યવાહી કરાશે.

નિવેદન માટે દબાણ ઊભું કરનારાઓને શોધી કાર્યવાહી થશે
જેમના સેમ્પલ નથી લીધા છતાં નામ લખીને કૌભાંડ આચર્યા બાદ ખોટાને સાચું ઠેરવવા આરોગ્ય વિભાગના કર્મચારીઓ જેમના નામ છે તેમના ઘરે પહોંચી રાજકીય વગ ધરાવતા લોકોને સાથે રાખી દબાણ ઊભું કરી નિવેદન માટે સહી કરાવી હતી. જ્યારે નિવેદન ખોટા હોવાનો પર્દાફાશ થતા પ્રાંત અધિકારીને તપાસ સોંપાઈ ત્યારે પણ આવા વગ ધરાવતી વ્યક્તિઓ પ્રાંત કચેરી સુધી પહોંચી હતી. જેથી તેમના વિરુદ્ધ પણ કાર્યવાહી કરવા માટે આદેશ કરાયો છે.

પોલિસીમાં આવશે બદલાવ, નંબર વારંવાર નહિ વાપરી શકાય
સેમ્પલ લીધા બાદ જે તે નોંધાયેલા નંબર પર મેસેજ આવે છે. આ કારણે ખોટા સેમ્પલ વખતે આરોગ્ય કર્મચારીઓએ પોતાના નંબર નાખ્યા હતા અને પોતાને જ મેસેજ આવતા મામલો ઢંકાઇ ગયો હતો. ભાસ્કરે આખી સિસ્ટમ જ બહાર પાડી દેતા જિલ્લા વિકાસ અધિકારીએ જણાવ્યું હતું કે, જે રીતે વેક્સિનમા એક મોબાઈલ નંબર વાપરવા પર મર્યાદા છે તેવી જ રીતે સેમ્પલ લેવામાં પણ અલગ અલગ નામ નાખવા પર મર્યાદા રહે તેવી પોલિસી બનાવવા પર વિચાર કરાઈ રહ્યો છે અને તે માટે જિલ્લા આરોગ્ય અધિકારીને કામ સોંપાયું છે.

અન્ય સમાચારો પણ છે...