તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માટી કૌભાંડ:જતિન સોની પાસેથી રજિસ્ટ્રારનો ચાર્જ છીનવી લેવાનો તખ્તો તૈયાર

રાજકોટ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • યુનિવર્સિટીમાંથી 963 ટ્રેક્ટર માટી કાઢી હોય તો ચેકડેમ જેવડો ખાડો થાય
  • દલા તરવાડીના ભાઈ જેવા અધિકારી સામે આકરા પગલાંનો નિર્દેશ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં માટી કૌભાંડનો મોટો વિવાદ ચાલી રહ્યો છે. ઇન્ચાર્જ રજિસ્ટ્રાર જતિન સોનીની આ કૌભાંડમાં મુખ્ય ભૂમિકા પુરાવાઓના આધારે સામે આવી છે ત્યારે હવે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઇન્ચાર્જ રજિસ્ટ્રાર તરીકે જતિન સોની પાસેથી ચાર્જ લઇ લેવામાં આવે તેવી પ્રબળ સંભાવનાઓ વ્યક્ત થઇ રહી છે. આ માટે યુનિવર્સિટીના સત્તાધીશોએ તખ્તો પણ તૈયાર કરી લીધો છે. સંભવત સોમવારે યુનિવર્સિટી ખૂલતાની સાથે જતિન સોની પાસેથી રજિસ્ટ્રારનો ચાર્જ લઇ લેવાશે અને અન્ય અધિકારીને આપવામાં આવશે.

સરકારી નિયમ મુજબ અધિકારી સામે તપાસ ચાલી રહી હોય તે દરમિયાન તે હોદ્દા પર રહી શકે નહીં. યુનિવર્સિટીના શારીરિક શિક્ષણ નિયામક તરીકે જતિન સોનીએ માટી નાખવાનું કામ આપ્યું અને રજિસ્ટ્રાર તરીકે પોતે જ તમામ બિલ મંજૂર કરી દીધા. જોકે ઓડિટ વિભાગે ટ્રેક્ટરના નંબર તપાસતા બે-બે ટ્રેક્ટરના નંબર કારના નીકળતા કૌભાંડનો પર્દાફાશ થયો હતો.

યુનિવર્સિટીના જ એજ્યુકેશન ફેકલ્ટીના ડીન ડૉ. નિદત્ત બારોટે જણાવ્યું હતું કે, એક ટ્રેક્ટરમાં આશરે 90 ઘનફૂટ માટી આવે છે. બિલમાં દર્શાવેલા 963 ફેરા માટી જો યુનિવર્સિટી કેમ્પસમાંથી જ કાઢવામાં આવી હોય તો કેમ્પસમાં 92 હજાર ઘનફૂટનો મોટો ખાડો થઇ જવો જોઈએ એટલે કે એક મોટા ચેકડેમ જેવડો ખાડો થઇ જવો જોઈએ પરંતુ તેવો ખાડો કેમ્પસમાં ક્યાંય છે નહીં. બીજું કે જો માટી બહારથી લાવવામાં આવી હોય તો રોયલ્ટીના બિલ મુકાવા જોઈએ પરંતુ તેવું પણ નથી થયું. એટલે સંપૂર્ણ રીતે ખોટા આંકડાઓ લખીને બોગસ બિલ બનાવીને યુનિવર્સિટીમાંથી કોન્ટ્રાક્ટરને બિલની ચૂકવણી થઇ છે.

માટી કૌભાંડમાં તપાસ સમિતિની બુધવારે મિટિંગ
યુનિવર્સિટીના માટી કૌભાંડમાં એક જ અધિકારીએ બે હોદ્દાનો ઉપયોગ કરીને ગોટાળો કર્યાનું ખૂલતા યુનિવર્સિટીએ આ અંગે તપાસ સમિતિ રચી છે જેમાં સિન્ડિકેટ સભ્ય ડૉ. ભાવિક કોઠારી, ડો. ભરત રામાનુજ, હરદેવસિંહ જાડેજા, ઓડિટર લીનાબેન ગાંધી અને આર્કિટેક્ટ ફેકલ્ટીના ડીન ડો. દેવાંગ પારેખની વરણી કરી છે. આ તપાસ સમિતિની તારીખ 14ને બુધવારે પ્રથમ મિટિંગ મળશે.

અન્ય સમાચારો પણ છે...