તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:સસરા જમાઇએ પોલીસનો સ્વાંગ રચી સોની વેપારીને 2.24 લાખનો ધુંબો માર્યો

રાજકોટએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • જમાઇ પોલીસ ડ્રાઇવર તરીકે અને સસરા PI તરીકે ઓળખ આપતા
  • ઇન્સ્પેક્ટર તરીકે ઓળખ આપનાર સફાઇ કામદાર નીકળ્યો, બંને સકંજામાં

હું પોલીસમાં અધિકારીના ડ્રાઇવર તરીકે ફરજ બજાવું છું, સાહેબને દાગીના ખરીદવાના છે, સાહેબ સાથે વાત કરો, હા પોલીસ ઇન્સ્પેક્ટર બોલું છું, દાગીના આપી દેજો, તેમ કહી ડ્રાઇવરના સ્વાંગમાં આવેલો શખ્સ વેપારી પાસેથી સોનાના દાગીના લઇ જતો હતો અને ટોકન પેટે થોડી રકમ આપી દાગીના લઇ જતો રહેતો. સસરા-જમાઇની બેલડીએ શહેરના બે સોની વેપારી પાસેથી સોનાના દાગીના મેળવી રૂ.2.24 લાખના દાગીના હજમ કરી ગયા હતા. પોલીસે બંનેને સકંજામાં લઇ તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.

જાગનાથ વિસ્તારમાં રહેતા અને સોનીબજારમાં ભાવના જ્વેલર્સ નામે દુકાન ધરાવતાં નવીનભાઇ ચમનલાલ ભીંડીએ એ.ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગત તા.2ના પોતે પોતાની દુકાને હતા ત્યારે એક શખ્સ આવ્યો હતો અને તેણે પોતાની ઓળખ પોલીસના ડ્રાઇવર સાગર મિયાવડા તરીકે આપી હતી. તેના સાહેબને દાગીના ખરીદવાના છે તેમ કહી ફોન જોડી આપ્યો હતો, સામે ફોન પર વાત કરનાર અતુલ રાઠોડે પોતાને પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે ઓળખાવ્યો હતો, અને ડ્રાઇવર કહે તે મુજબ દાગીના આપવાનું કહ્યું હતું. સાગરે સોનાના બે ચેઇન પસંદ કર્યા હતા અને તેની કિંમત 71775 થઇ હતી, સાગર રૂ.71300 આપી દાગીના લઇ જતો રહ્યો હતો. ત્રણ દિવસ બાદ ફરીથી સાગર ગયો હતો અને રૂ.3,26,320ની કિંમતની સોનાની માળા અને 12 વીંટી ખરીદ કરી હતી અને તે પેટે રૂ.1.93 લાખ આપ્યા હતા, બાકીના રૂ.1.28 લાખ સાહેબ હાલમાં ગાંધીનગર છે આવીને આપી જશે તેમ કહી ફરીથી અતુલ રાઠોડ સાથે ફોન કરાવતા વેપારીએ દાગીના આપી દીધા હતા.

લાંબો સમય વિતવા છતાં સાગર કે અતુલ રાઠોડ પૈસા આપવા નહીં આવતા વેપારી નવીનભાઇએ ફોન કરી નાણાંની ઉઘરાણી કરી ત્યારે અતુલ રાઠોડે પોતે તપાસના કામે જામનગર હોવાનું અને બે દિવસમાં આવી પૈસા આપી જશે તેમ કહ્યું હતું, પરંતુ ત્યારબાદ પણ પૈસા નહીં મળતાં વેપારી નવીનભાઇને છેતરાયાની શંકા જતાં તેમણે સોનીબજારમાં આ અંગે વાત કરતાં સોનીબજારમાં જ દુકાન ધરાવતાં વિનોદભાઇ થડેશ્વર પાસેથી પણ આ બે શખ્સોએ રૂ.1.24 લાખના દાગીના મેળવ્યા હતા અને તેના બદલામાં વિનોદભાઇને માત્ર 28 હજાર આપી બાકીના રૂ.96 હજાર નહીં આપ્યાનું ખુલ્યું હતું. પોલીસનો સ્વાંગ રચી ગઠિયાઓ ખેલ પાડી ગયાનું સ્પષ્ટ થતાં બંને વેપારીએ પોલીસમથકે જઇ ફરિયાદ કરી હતી અને દુકાને આવેલા સાગર મિયાવડાનું સીસીટીવી ફૂટેજ પણ આપ્યું હતું. એ.ડિવિઝનના પીઆઇ જોષી સહિતના સ્ટાફે આ અંગે તપાસ કરતાં ઠક્કરબાપા વિસ્તારમાં રહેતા સાગર મિયાવડા અને અતુલ રાઠોડનું નામ સ્પષ્ટ થતાં પોલીસે બંનેને ઉઠાવી લીધા હતા.

પોલીસનો સ્વાંગ રચનાર અતુલ સફાઇ કામદાર છે
સાગર સોની વેપારીને દુકાને જઇ ફોન પર અતુલ રાઠોડ સાથે વાત કરાવતો હતો અને અતુલ પોતાને પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે ઓળખાવતો હતો એટલું જ નહીં વેપારી બાકી પૈસાની ઉઘરાણી કરતા ત્યારે અતુલ પોતે તપાસના કામે બહાર હોવાના બણગા ફૂંકતો હતો, પોલીસે અતુલ રાઠોડની અટકાયત કરી ત્યારે સ્પષ્ટ થયું હતું કે અતુલ રાઠોડ મહાનગરપાલિકામાં સફાઇ કામદાર તરીકે કામ કરે છે.

અન્ય સમાચારો પણ છે...