અનોખું ‘સ્કિન ડોનેશન’:રાજકોટમાં દાઝેલી વ્યક્તિની જિંદગી બચાવવા પુત્રએ 98 વર્ષીય માતાની ચામડીનું દાન કર્યું

રાજકોટ5 મહિનો પહેલાલેખક: ધારા નગેવાડિયા
  • કૉપી લિંક
મુક્તાબહેન કક્કડ - ફાઇલ તસવીર - Divya Bhaskar
મુક્તાબહેન કક્કડ - ફાઇલ તસવીર
  • સ્કિન બેન્કમાંથી અત્યાર સુધી 6 લોકોને સ્કિન આપીને પુન:જીવન આપ્યું
  • મૃતકની દાન કરેલી ચામડી પાંચ વર્ષ સુધી સાચવી શકાય છે

આપણે દેહદાનની વાત તો ઘણી વાર સાંભળી છે. જોકે, અત્યારની મેડિકલ ટેક્નોલોજીથી મૃત્યુ પામેલી વ્યક્તિની ચામડી પણ સાચવી શકાય છે. આ ચામડીનો ઉપયોગ દાઝેલી વ્યક્તિની સારવારમાં કરી શકાય છે. આગમાં દાઝી જતા લોકોને વારંવાર ડ્રેસિંગ કરાવવું પડતું હોય છે. આ ઉપરાંત જેમના હાથ-પગમાં ચાંદા પડતા હોય તેમને ચામડી માટે વિશેષ સારસંભાળની પણ જરૂર પડે છે.

ચામડીથી દાઝેલી વ્યક્તિનું જીવન બચાવી શકાય છે
રાજકોટમાં મૃતકની ચામડીનું દાનક કરવાનો એક અનોખો કિસ્સો સામે આવ્યો છે. અહીંના જાણીતા ઉદ્યોગપતિ મનહરભાઈ કક્કડે દાઝી ગયેલા લોકો માટે ચામડી લાઇફ સેવિંગ બની રહે તે માટે પોતાના માતાની ચામડીનું દાન કર્યું છે. ગત સપ્તાહે જ 98 વર્ષની ઉંમરે તેમના માતા મુક્તાબહેન નેણશીભાઈ કક્કડનું નિધન થયું હતું. એક બાજુ મનહરભાઈને માતાને ગુમાવ્યાનું દુ:ખ હતું, પરંતુ આવી કપરી ક્ષણમાં તેમણે માતાની ચામડીનું દાન કરવાનો નિર્ણય લીધો, જેથી દાઝી ગયેલી કોઈ વ્યક્તિની જિંદગી બચાવી શકાય. 4 મહિના પહેલા શરૂ થયેલી સ્કિન બેન્કમાં આ પહેલા મહિલા અને ત્રીજા દાતા છે. આ પહેલા બંને પુરુષો હતા.

સ્કિન ડોનેશન માટે બહુ ઓછી જાગૃતિઃ ડોક્ટર
મૂળ રાજકોટના અને હાલ મુંબઈમાં વ્યવસાય ધરાવતા મનહરભાઈ કક્કડે જણાવ્યું કે, અમને એક અભ્યાસ પરથી માલુમ પડ્યું છે કે, એક વ્યક્તિની ચામડી અનેક લોકોનું જીવન બચાવી શકે છે. આથી માતાના નિધન બાદ મેં બીજા લોકોની જિંદગી બચાવવાનો નિર્ણય લીધો. આ અંગે જન કલ્યાણ ટ્રસ્ટના ટ્રસ્ટી ઉમેશભાઈ મહેતા જણાવે છે કે, લોકોમાં હજુ ચક્ષુદાન, દેહદાન માટે જાગૃતિ છે, પરંતુ સ્કિન ડોનેશન માટે હજુ બહુ ઓછી જાગૃતિ છે. તેથી આ કિસ્સો પ્રેરણાદાયી છે.

એક વ્યક્તિની ચામડી પાંચથી છ લોકોને ઉપયોગી બને છે
અત્યાર સુધી અમને ત્રણ વાર ચામડીનું દાન મળ્યું છે. જે સ્કિન લેવાઈ છે, તે માઈનસ 80 ડિગ્રીએ રાખવામાં આવે છે. આ માટે ચોક્કસ પ્રક્રિયા કરવાની હોય છે. જે સ્કિન લીધી હોય છે, તે દાઝેલા દર્દીને અલ્સર એટલે કે ચાંદા પડ્યા હોય અને તેમાં રૂઝ ન આવતી હોય તેને લગાવવામાં આવે છે. મૃતકોની ચામડી પાંચ વર્ષ સાચવી શકાય છે. એક વ્યક્તિની ચામડી પાંચથી છ લોકોને ઉપયોગમાં આવે છે. કોઈ પણ વ્યક્તિના નિધન બાદ 6 કલાક સુધી ચામડી લઈ શકાય છે. - ડૉ. નિધિ પારેખ, મેડિકલ ઓફિસર, સ્કિન બેન્ક

અન્ય સમાચારો પણ છે...