રાજકોટની મહિલાનું ‘સ્કિન ડોનેશન’:દાઝેલી વ્યક્તિની જિંદગી બચાવવા માટે પુત્રએ 98 વર્ષીય માતાની ચામડીનું દાન કર્યું

રાજકોટ5 મહિનો પહેલાલેખક: ધારા નગેવાડિયા
  • કૉપી લિંક
મૃતક મુક્તાબેન નેણશીભાઈ કક્કડ - ફાઇલ તસવીર - Divya Bhaskar
મૃતક મુક્તાબેન નેણશીભાઈ કક્કડ - ફાઇલ તસવીર
  • રાજકોટમાં ચામડીનું દાન કરનાર પ્રથમ મહિલા, અત્યાર સુધીમાં ત્રણ વ્યક્તિએ દાન કર્યું​​​​​​​
  • સ્કિન બેન્કમાંથી અત્યાર સુધી 6 લોકોને સ્કિન આપીને પુન:જીવન આપ્યું
  • મૃતકની દાન કરેલી ચામડી પાંચ વર્ષ સુધી સાચવી શકાય છે

આપણે દેહદાનની વાત તો ઘણી વાર સાંભળી છે. જોકે, અત્યારની મેડિકલ ટેક્નોલોજીથી મૃત્યુ પામેલી વ્યક્તિની ચામડી પણ સાચવી શકાય છે. આ ચામડીનો ઉપયોગ દાઝેલી વ્યક્તિની સારવારમાં કરી શકાય છે. આગમાં દાઝી જતા લોકોને વારંવાર ડ્રેસિંગ કરાવવું પડતું હોય છે. આ ઉપરાંત જેમના હાથ-પગમાં ચાંદા પડતા હોય તેમને ચામડી માટે વિશેષ સારસંભાળની પણ જરૂર પડે છે.

રાજકોટમાં મૃતકની ચામડીનું દાનક કરવાનો એક અનોખો કિસ્સો સામે આવ્યો છે. અહીંના જાણીતા ઉદ્યોગપતિ મનહરભાઈ કક્કડે દાઝી ગયેલા લોકો માટે ચામડી લાઇફ સેવિંગ બની રહે તે માટે પોતાના માતાની ચામડીનું દાન કર્યું છે. ગત સપ્તાહે જ 98 વર્ષની ઉંમરે તેમના માતા મુક્તાબહેન નેણશીભાઈ કક્કડનું નિધન થયું હતું. એક બાજુ મનહરભાઈને માતાને ગુમાવ્યાનું દુ:ખ હતું, પરંતુ આવી કપરી ક્ષણમાં તેમણે માતાની ચામડીનું દાન કરવાનો નિર્ણય લીધો, જેથી દાઝી ગયેલી કોઈ વ્યક્તિની જિંદગી બચાવી શકાય. 4 મહિના પહેલા શરૂ થયેલી સ્કિન બેન્કમાં આ પહેલા મહિલા અને ત્રીજા દાતા છે. આ પહેલા બંને પુરુષો હતા.

‘સ્કિન ડોનેશન માટે ઓછી જાગૃતતા’
મૂળ રાજકોટના અને હાલ મુંબઈમાં પોતાનો વ્યવસાય ધરાવતા મનહરભાઈ કક્કડે જણાવ્યું હતું કે, તેમને એક અભ્યાસ પરથી માલૂમ પડ્યું છે કે, એક વ્યક્તિની સ્કિન અનેક લોકોની લાઈફ બચાવી શકે છે. આથી માતાના નિધન બાદ અન્ય લોકોની જિંદગી બચાવવાનો નિર્ણય લીધો હતો. આ અંગે જન કલ્યાણ ટ્રસ્ટના ટ્રસ્ટી ઉમેશભાઈ મહેતા જણાવે છે કે, લોકોમાં હજુ ચક્ષુદાન, દેહદાન માટે જાગૃતિ છે. પરંતુ સ્કિન ડોનેશન માટે હજુ બહુ ઓછી જાગૃતતા છે.

એક વ્યક્તિની ચામડી પાંચથી છ લોકોને ઉપયોગી બને છે
અત્યાર સુધી ત્રીજું સ્કિનદાન છે. જે સ્કિન લેવાઈ છે તે -80 ડિગ્રીએ રાખવામાં આવે છે. આ માટે પ્રોસેસ કરવાની હોય છે. જે સ્કિન લીધી હોય તે દાઝેલા દર્દી હોય તેના માટે અને અલ્સર એટલે કે ચાંદા પડ્યા હોય અને તેમાં રૂઝ ન આવતી હોય તેને પણ ડોનેટ થયેલી સ્કિન લગાવી શકાય છે. સ્કિન પાંચ વર્ષ માટે સાચવી શકાય છે. એક વ્યક્તિની સ્કિન પાંચથી છ લોકોને ઉપયોગી બની શકે છે. કોઈ પણ વ્યક્તિના નિધન બાદ 6 કલાક સુધીમાં લઈ શકાય છે- ડો. નિધિ પારેખ, મેડિકલ ઓફિસર સ્કિન બેન્ક

અન્ય સમાચારો પણ છે...