ખોડલધામ ‘નરેશ’ને સમાજનો જવાબ:સમાજ કહેશે...નો રાગ આલાપતા નરેશ પટેલને મોભીઓએ કહ્યું- રાજકારણ કરતા ખોડલધામનું સ્તર ઊંચુ છે, માટે રાજકારણમાં ન જવું જોઈએ

રાજકોટ5 મહિનો પહેલાલેખક: જીગ્નેશ કોટેચા
  • નરેશ પટેલે રાજકારણમાં આવવું કે નહીં તે અંગે દિવ્ય ભાસ્કરે સમાજના મોભીઓ સાથે વાત કરી

છેલ્લા 125 દિવસથી ખોડલધામ નરેશ એક જ રાગ આલાપી રહ્યા છે કે, રાજકારણમાં પ્રવેશ લેવો એ મારો સમાજ નક્કી કરશે, સમાજ કહેશે એમ કરીશ. સમાજ એટલે લેઉવા પટેલ સમાજના મોભીઓ....આથી દિવ્ય ભાસ્કરે લેઉવા પટેલ સમાજના 12 પ્રતિષ્ઠિત મોભીઓને પૂછ્યું કે, નરેશ પટેલે શું કરવું કરવું જોઈએ? આ અંગે બાલાજી વેફરના ચંદુભાઈ વિરાણીએ તો ચોખ્ખુ કહી દીધું કે, નરેશભાઈએ રાજકારણમાં જોડાવવું જોઈએ નહીં, આસ્થાના ધામને લઇ એને લોકો પૂજે છે. રાજકારણમાં જવાથી સ્તર નીચું આવી જશે. રાજકોટના જાણીતા ઉદ્યોગપતિ અને ખોડલધામના ટ્રસ્ટી રમેશ ટીલાળાએ જણાવ્યું હતું કે, મારા મતે અત્યારે નરેશભાઈનું સ્થાન એ ખૂબ જ ઊંચુ સ્થાન છે. તેઓએ રાજકારણમાં જોડાવવું જોઇએ નહીં.

વાંચોઃ લેઉવા પટેલ સમાજના મોભીઓએ શું જવાબ આપ્યા
1.ચંદુભાઈ વિરાણી- ઉદ્યોગપતિ (બાલાજી વેફર)
નરેશભાઈએ રાજકારણમાં જોડાવવું જોઈએ નહીં, આસ્થાના ધામને લઇ એને લોકો પૂજે છે. રાજકારણમાં જવાથી સ્તર નીચું આવી જશે

2.રમેશ ટીલાળા- ઉદ્યોગપતિ
મારા મતે અત્યારે નરેશભાઈનું સ્થાન છે એ ખૂબ ઊંચુ સ્થાન છે, દરેક રાજકીય પાર્ટી તેમને સારો પ્રતિસાદ આપે છે અને તેમની વાત માન્ય રાખે છે. માટે તેઓએ રાજકારણમાં જોડાવવું ન જોઇએ, આવો મારો અંગત અભિપ્રાય છે. આમ છતાં જો જોડાઈ તો રૂલિંગ પાર્ટીમાં જોડાવવું જોઇએ.

3.હંસરાજ ગજેરા- ખોડલધામનાં ટ્રસ્ટી
વ્યક્તિગત રીતે તેઓ જાણી જોઇને જ નિર્ણય લેતા હોય છે, તેઓએ જોડાવવું જોઇએ કે નહીં તે અંગે હું કંઇ કહી ન શકું.

4.દિનેશ કુંભાણી- નર્મદા બાયોકેમ કંપનીના MD
મારો એકનો અભિપ્રાય એ લેઉવા પટેલ સમાજનો અભિપ્રાય ન હોઈ શકે. હું નરેશભાઈને મળીશ, તેનું મન જાણીશ પછી કાંઈ કહી શકીશ. અત્યારે કાંઈ કહેવું વહેલું પડશે.

5.મનસુખલાલ સાવલિયા- સાહિત્યકાર અને ભોજલરામબાપાની છઠ્ઠી પેઢીના વંશજ
લેઉવા પટેલ સમાજના મોભી 88 વર્ષીય મનસુખલાલ સાવલિયાએ કહ્યું કે, હું અંગત રીતે એમ માનું છું કે સારા માણસો પોલિટિક્સમાં આવે તો રાજકારણ ગંદુ થયું છે, એમાં ફાયદો થવાની સંભાવના છે. નરેશભાઈની છબિ સ્વચ્છ છે. એવા સંજોગોમાં રાજકારણમાં પ્રવેશે એની ઈચ્છાથી એમાં કાંઈ ખોટું નથી.

6.દિનેશ બાંભણીયા- પાસના આગેવાન
નરેશભાઇએ રાજકારણમાં જોડાવવું જોઇએ, ક્યાં પક્ષમાં જવું એ તેનો સ્વતંત્ર નિર્ણય. એટલે કે, નવી જ રાજકીય પાર્ટીનો ઉદય કરવો જોઇએ.

7.અલ્પેશ કથીરિયા- પાસ આગેવાન
નરેશભાઇ મજબૂતાઈથી સક્રિય રાજકારણમાં જોડાવવું જોઇએ, નરેશભાઇ અને તેની સાથેની ટીમ જે પક્ષ નક્કી કરે તેમાં જોડાવવું જોઇએ, તેઓ જેમાં માનતા હોય અને આગળ વધતા હોય તે પક્ષમાં જોડાવવું જોઇએ.

8.મહેશ સવાણી- પાટીદાર ઉદ્યોગપતિ
મને તો એવું લાગ્યું કે રાજકારણમાં ન જોડાવવું જોઇએ, સારા વ્યક્તિઓ રાજકારણમાં આવે તો સારૂ, કંઇ પાર્ટીમાં જોડાવવું જોઇએ તે હું નહીં કહી શકું પણ રાજકારણમાં આવવું જોઈએ.

9.ડી.કે. સખિયા- રાજકોટ માર્કેટ યાર્ડના પૂર્વ ચેરમેન
નરેશભાઇ તો તેની ઇચ્છા પ્રમાણે કરે, એ તો એનો સ્વતંત્ર અધિકાર છે, તેઓ અમારા આગેવાન છે અમે એના વિશે કંઇ ન કહી શકીએ.

10.પરેશ ગજેરા- રાજકોટ બિલ્ડર એસો.ના પ્રમુખ
આ બાબતે હું કંઇ પણ કહેવા તૈયાર નથી.

11.જયેશ રાદડિયા- પૂર્વ મંત્રી, જેતપુરના ધારાસભ્ય
નરેશભાઇનો વિષય છે, મારો નથી. મારે પોતે રાજકારણમાં જોડાવવું હોય તો મારો વ્યક્તિગત વિષય બને છે તેમ એ એનો વ્યક્તિગત નિર્ણય છે.

12.દિલીપ સંઘાણી- પૂર્વ કૃષિમંત્રી
નરેશ પટેલ વારંવાર કહે છે કે સમાજ કહેશે તો હું રાજકારણમાં પ્રવેશ કરીશ. પરંતુ હું નરેશ પટેલને પૂછવા માગું છું કે સમાજ એટલે કોણ? લેઉવા પટેલ સમાજની સૌથી જૂની સંસ્થાનો પ્રમુખ હું છું. મારી સાથે હજુ સુધી ક્યારેય પણ નરેશભાઈએ રાજકારણમાં પ્રવેશ અંગે વાતચીત કરી નથી. મારી સાથે રાજકારણમાં પ્રવેશ કરવો કે કેમ તે અંગે ચર્ચા કરશે તો હું તેમને જરૂર જણાવીશ. નરેશભાઈને ખોડલધામના પ્રમુખ તરીકે ખૂબ જ આદર આપું છું, રાજકીય પક્ષના નામે હાર્દિક પટેલે મોટું રાજકારણ કર્યું હતું. આજે હાર્દિક પટેલની શું સ્થિતિ છે તે સૌ જાણે છે. સમાજને બીજા હાર્દિક પટેલ જેવી સ્થિતિ થાય, મારો મત નરેશભાઈના અંતરઆત્મા કહેશે ત્યાં જોડાશે.

નરેશ પટેલ 20થી 30 માર્ચ સુધીમાં નિર્ણય જાહેર કરશે
નરેશ પટેલ ગત શનિવારે દિલ્હી પણ જઈ આવ્યા છે. એટલું જ નહીં નરેશ પટેલે આજે જ કહ્યું હતું કે, રાજકીય પ્રવેશ અંગે 20થી 30 માર્ચ સુધીમાં નિર્ણય કરીશ. તેની પાછળનું એવું ગણિત હોઈ શકે કે, પંજાબમાં રાજ્યસભાની ચૂંટણી માટેના ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 21 માર્ચ છે. એટલે જ નરેશ પટેલ પણ આપમાં રાજ્યસભાની ચૂંટણી લડી સીધા દિલ્હીના રાજકારણમાં જઈ શકે. તેની સાથે સાથે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પણ નરેશ પટેલ આપનો પ્રચાર કરી શકે છે. એવું પણ કહેવાય છે કે, જો ગુજરાતમાં આપની સરકાર બને કે ના બને પણ તેમનું દિલ્હી સુધીનું રાજકારણ તો સલામત રહી શકે છે.

નરેશ પટેલની દિલ્હી મુલાકાતને લઈ ચર્ચાએ જોર પકડ્યું
નરેશ પટેલ શનિવારે દિલ્હીમાં કેટલાક ઊંચા ગજાના નેતાઓ સાથે બેઠક કરી આવ્યા હોવાની વાતે ગુજરાતના રાજકારણમાં ગરમાવો લાવી દીધો હતો. જોકે આ વાત અંગે ખુદ નરેશ પટેલે સ્પષ્ટતા કરી કે દિલ્હીમાં ઔદ્યોગિક મેળો હતો. અમારી એક પાર્ટનર કંપની જર્મનીમાં છે. જેમાંથી ઉચ્ચ કક્ષાના અધિકારીઓ આવવાના હતા. જેમને મળવા માટે હું ગયો હતો. દસ્તાવેજમાં મારા હસ્તાક્ષરની જરુર હોવાથી મારે દિલ્હી જવાનું થયુ હતુ. જેમાં કોઇ રાજકીય બેઠક થઇ નથી અને કોઇની સાથે વાતચીત થઇ નથી.

AAPએ ગુજરાતમાં એન્ટ્રી કર્યા બાદ ઘણાં સારાં કામ કર્યાં: નરેશ પટેલ
ગત વર્ષે ખોડલધામમાં મળેલી લેઉવા-કડવા પાટીદારોની બેઠક બાદ નરેશ પટેલે જણાવ્યું હતું હતું કે કોરોનાકાળમાં ક્યાંક ને ક્યાંક તંત્ર ફેલ થયું છે અને એ આપ સૌએ જોયું છે. ગુજરાતમાં ક્યારેય ત્રીજો પક્ષ ફાવ્યો નથી, પરંતુ હાલ 'આપ' જે રીતે આગળ વધે છે એનાથી ભવિષ્યમાં તેનું વર્ચસ્વ હશે એવું મને લાગે છે. ‘આપ’એ ગુજરાતમાં એન્ટ્રી કર્યા બાદ ઘણાં સારાં કામ કર્યાં છે અને તેની કામ કરવાની શૈલી પણ ઉમદા હોવાને કારણે એનું ભવિષ્ય ઘણું ઊજળું દેખાઈ રહ્યું છે, પરંતુ કેશુભાઈ પટેલ જેવા આગેવાન હજુ સુધી મળ્યા નથી. ચૂંટણી સમયે જ સમાજ યાદ આવતો હોય તેવો ઘાટ દર વખતની ચૂંટણીમાં જોવા મળે છે. નરેશ પટેલે તાજેતરમાં જ ખોડલધામમાં યોજાયેલી લેઉવા-કડવા પાટીદારની બેઠકમાં આમઆદમી પાર્ટીનાં વખાણ કર્યા હતા.

ગોત્ર કોંગ્રેસી, પણ ભાજપનેય સાચવી લેવાની કળા
નરેશ પટેલની રાજકીય વિચારધારા કોંગ્રેસ તરફ ઝૂકેલી છે એ જગજાહેર છે, પરંતુ સમય મુજબ ભાજપના ટોચના નેતાઓનેય સાચવી લેવાની તેમની કળા એવી કારગત છે કે છેવટે નરેશ પટેલ કઈ બાજુ છે એ કોઈને ખબર પડતી નથી.અગાઉ વિધાનસભાની ચૂંટણી વખતે પણ હાર્દિક પટેલ સાથે બંધબારણે મુલાકાત થઈ હતી અને એ વખતે પણ હાર્દિકે નરેશ પટેલનો ટેકો હોવાનું જાહેર કર્યું હતું. નરેશ પટેલે બંધબારણે જે કંઈ કહ્યું હોય, પણ જાહેરમાં કશું જ ન કહીને હાર્દિકના દાવાની હવા કાઢી નાખી હતી. એ પછી તરત નરેશ પટેલ ભાજપના પ્રદેશ પ્રમુખ જિતુ વાઘાણીની સાથે બેઠક કરતા જોવા મળ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...