આનંદની લાગણી:બાળદિને 3 બાળકનું સમાજ સુરક્ષા વિભાગે પરિવાર સાથે મિલન કરાવ્યું

રાજકોટ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • છેલ્લા ત્રણ દિવસથી બાળકો કોઈને જાણ કર્યા વિના ચાલ્યા ગયા હતા

સમાજ સુરક્ષા વિભાગે 14 નવેમ્બર બાળ દિવસના દિવસે ત્રણ બાળકનું પરિવાર સાથે મિલન કરાવવામાં આવ્યું. બાળકો છેલ્લા ત્રણ દિવસથી ઘરેથી કોઈને કાઈ કહ્યા વગર ચાલ્યા ગયા હતા. રાજકોટ શહેરમાં અલગ અલગ વિસ્તારમાં રહેતા ત્રણ બાળક ગુમ થયા હતા. જેમાં એક બાળક થોરાળા વિસ્તારનો જ્યારે ઘંટેશ્વર વિસ્તારમાં રહેતા બે બાળક ત્રણ દિવસ પહેલા ઘરે તેમના પરિવારને કહ્યા વગર ચાલ્યા ગયા હતા. ત્યારબાદ તેમના પરિવાર દ્વારા અનેક સ્થળ પર તેમની શોધખોળ કરવામાં આવી હતી.

સગાં-સંબંધીઓને કોલ કરી માહિતી મેળવી હતી. તેમ છતાં બાળકોનો કોઈ પત્તો લાગ્યો ન હતો. જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી મેહુલ ગૌસ્વામીના જણાવ્યા પ્રમાણે શનિવારે રાતે જિલ્લા ગાર્ડન ખાતે ત્રણ બાળકને ફૂટપાથ પર સ્થાનિક લોકોએ જોતા ચાઈલ્ડ લાઈન નંબર પર કોલ કરી માહિતી આપવામાં આવી હતી. ત્યારબાદ એ ડિવિઝન પોલીસ સ્ટાફ અને હેલ્પલાઈન નંબર ચાઈલ્ડ લાઈન-1098ના કર્મચારી સ્થળ પર પહોંચી બાળકોનો કબજો લઈ સમાજ સુરક્ષા કચેરી સંચાલિત બાળગૃહ ખાતે રાખવામાં આવ્યા હતા.

ત્યાર બાદ સમાજ સુરક્ષા વિભાગ દ્વારા મળી આવેલા નાની ઉંમરના બાળકોના પરિવારને શોધવાની કામગીરી કરી હતી. ગણતરીની કલાકોમાં બાળકોના પરિવારને શોધી લેવામાં આવ્યા હતા. બાળકોના પરિવારને બાળકો સહીસલામત હોવાની જાણ થતાં હર્ષ અને આનંદની લાગણી અનુભવી હતી. સીડબ્લ્યુસી ચેરમેને તાકીદે બાળ કલ્યાણ સમિતિની બેઠક બોલાવી બાળકોનો કબજો પરિવારને સોંપ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...