ક્રાઇમ:તસ્કરો એક કિલોની સોનાની પ્લેટ ચોરી ગયા

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મવડી પ્લોટમાં આવેલા કારખાનામાં ખાબકી તસ્કરો રૂ.37 લાખની મતા ઉઠાવી ગયા

શહેરના મવડી પ્લોટ વિસ્તારમાં ઘડિયાળમાં સોનાનો ઢાળ ચડાવવાના કારખાનામાંથી 1 કિલો સોનાની પ્લેટ સહિત રૂ.37 લાખની મતાની ચોરી થતાં પોલીસમાં દોડધામ મચી ગઇ હતી. કારખાનાના જ બે પૂર્વ કર્મચારીની સંડોવણીની શંકાએ પોલીસે તપાસ હાથ ધરી છે.

ગુરુકુળની સામે ગીતાનગરમાં રહેતા અને મવડી પ્લોટમાં અશોક ગાર્ડનની પાછળ યુનાઇટેડ સિટ્ટ નામે કારખાનું ધરાવતાં હિમાંશુભાઇ મનહરલાલ જોગિયા (ઉ.વ.46)એ ચોરીની ઘટના અંગે માલવિયાનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. હિમાંશુભાઇએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગત તા.12ની સાંજે પોતે કારખાનેથી ઘરે જવા નીકળ્યા હતા અને રાત્રે કારખાનાના કર્મચારી દીપકભાઇએ કારખાનાને તાળું માર્યું હતું અને ચાવી તેમની પાસે જ રાખી હતી,

તા.13ની સવારે 6.30 વાગ્યે હિમાંશુભાઇ કારખાને વોશિંગ લાઇન ચાલુ કરવા માટે ગયા હતા ત્યારે કારખાનામાં પીવીડી મશીન કપાયેલી હાલતમાં જોવા મળ્યું હતું અને તેનો કાચ પણ ફોડી નાખવામાં આવ્યો હતો. મશીનમાં રાખેલી 1 કિલો સોનાની પ્લેટ પણ ગાયબ હતી.

કારખાનામાં અગાઉ ગૌરવ પ્રવીણ ખીમસૂરિયા અને તેજશ ઉર્ફે ભૂરો ભરત સારેસા નોકરી કરતા અને તે બંને મશીનની પૂરી પ્રક્રિયા જાણતા હતા એટલું જ નહીં એક વર્ષ પહેલા બંનેએ નોકરી છોડી દીધી હતી પરંતુ વચ્ચે કારખાને આવ્યા હતા ત્યારે રેકી કરી ગયાની શંકા છે, પોલીસે બંને શખ્સના નામ શકદાર આરોપી તરીકે ફરિયાદમાં નોંધ્યા હતા તેમજ ચોરીમાં બંનેના એક સાગરીતની પણ સંડોવણી હોવાની શંકા સેવાઇ રહી છે.

અન્ય સમાચારો પણ છે...