તસ્કરી:ઘરના ખુલ્લા દરવાજાનો લાભ લઇ તસ્કર ઘરેણાં ચોરી ગયો

રાજકોટ10 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર
  • અલ્કા સોસાયટીમાં કારખાનેદારના મકાનમાં ચોર ત્રાટક્યા
  • રાજદીપ સોસાયટીમાંથી કુખ્યાત શખ્સ રિક્ષા ઊઠાવી ગયો

શહેરના માલવિયાનગર પોલીસમથક વિસ્તારમાં આવેલી અલ્કા સોસાયટીમાં શનિવારે વહેલી સવારે તકનો લાભ લઇ તસ્કર લાખો રૂપિયાની કિંમતના ઘરેણાંનો હાથફેરો કરી જતા મામલો પોલીસમાં પહોંચ્યો છે. માલવિયાનગર પોલીસમથકના પીઆઇ કે.એન.ભૂકણે જણાવેલી વિગતો મુજબ, પોલીસમથક પાછળ અલ્કા સોસાયટી-7/1માં કારખાનેદાર નિલેશભાઇ દેવકરણભાઇ ઢોલરિયા રહે છે. આજે વહેલી સવારે પુત્ર સાઇક્લિંગ કરવા માટે ઘરેથી દરવાજો અટકાવીને નીકળી ગયો હતો.

આ સમયે કારખાનેદાર સૂતા હતા. જ્યારે અન્ય રૂમમાંથી બહાર આવેલા કારખાનેદારની પત્નીએ મુખ્ય દરવાજો ખુલ્લો જોતા કોઇ ઘરમાં આવ્યું હોવાની શંકાએ ઉપરના રૂમમાં જોવા ગયા હતા. ત્યારે રૂમમાં તમામ ચીજવસ્તુઓ વેરણછેરણ જોવા મળી હતી. કારખાનેદારને જગાડ્યા બાદ તપાસ કરતા કબાટમાં રાખેલા લાખો રૂપિયાની કિંમતના ઘરેણાં ગાયબ હતા. ઘરમાં ચોરી થયા બાદ કારખાનેદારે પોલીસમાં જાણ કરી હતી. ચોરીના બનાવની જાણ થતા પીએસઆઇ વી.કે.ઝાલા સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયા હતા.

બનાવ સ્થળ આસપાસ સીસીટીવી કેમેરા હોય તે દિશામાં તપાસ શરૂ કરી હતી. સીસીટીવી ફૂટેજમાં સવારના સમયે બાઇક પર આવેલો એક શખ્સ જોવા મળતા આગળના વિસ્તારોના સીસીટીવી કેમેરા પણ ચકાસવા કવાયત હાથ ધરી છે. પોલીસે આવી રીતે ચોરી કરતા રીઢા ગુનેગારો તરફ તપાસ લંબાવી તસ્કરનું પગેરું દબાવવા તજવીજ હાથ ધરી છે. પોલીસે હાલ ચોરીના બનાવની કારખાનેદારની અરજી લીધી છે. જયારે અન્ય બનાવમાં મવડી ચોકડી પાસે રાજદીપ સોસાયટીમાં રહેતા ભાવિન હસમુખભાઇ અગ્રાવત નામના યુવાનને ધમકી આપી રૈયાધારનો કુખ્યાત મીત ઉર્ફે ભાજી રિક્ષા લઇ ગયાની પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

ભાડાની રિક્ષા ચલાવી ગુજરાન ચલાવતો ભાવિન ગત તા.20ની રાતે ઘરે હતો ત્યારે મીત ઉર્ફે ભાજી ઘરે આવી રિક્ષાની ચાવી માગી હતી. ના પાડતા તેને પોતાને તેમજ પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી બળજબરીથી રિક્ષાની ચાવી મેળવી રિક્ષા લઇ જતો રહ્યો હતો. લાંબા સમય પછી પણ તે રિક્ષા પાછી નહીં આપી જતા પોલીસ ફરિયાદ કરી છે. ફરિયાદના પગલે પોલીસે કુખ્યાત મીત ઉર્ફે ભાજીને રિક્ષા સાથે ઝડપી લઈ ધરપકડ કરી છે.

અન્ય સમાચારો પણ છે...