તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગ્રાઉન્ડ રિપોર્ટ:રાજકોટના સ્લમ વિસ્તારના લોકો કોરોના સંક્રમિતથી દૂર, રોગ પ્રતિકારક શક્તિ સારી હોવાથી કોરોના સ્પર્શ પણ કરતો નથી

રાજકોટ5 મહિનો પહેલા
રાજકોટમાં સ્લમ વિસ્તારમાં કોરોના સંક્રમણ નહીંવત પ્રમાણમાં.
  • રાજકોટમાં રસ્તા પર રઝળતા ભિક્ષુકોને હજુ સુધી કોરોના પોઝિટિવ થયાનું સામે આવ્યું નથી
  • કોરોનાની બીજી લહેરમાં સ્લમ વિસ્તારમાં માત્ર 2થી 5 ટકા જ પોઝિટિવ દર્દી જોવા મળ્યાં

રાજકોટ શહેર અને જિલ્લામાં કોરોનાની બીજી લહેર ખૂબ જ ઝડપથી આગળ વધી રહી છે. જેના કારણે કોરોનાના પોઝિટિવ કેસ અને મૃત્યુઆંકમાં સતત વધારો થઇ રહ્યો છે. રાજકોટમાં આજે સારવારથી લઇ અંતિમવિધી સુધી દરેક જગ્યા પર વેઇટિંગ જોવા મળી રહ્યું છે. આ લાંબી લાઇનમાં માત્ર મધ્યમ વર્ગીય લોકો જ નજરે પડી રહ્યાં છે. પરંતુ આનાથી ઉલ્ટુ શહેરના સ્લમ વિસ્તારમાં કોરોનાનું પ્રમાણ કેટલું છે તે જાણવા માટે દિવ્યભાસ્કરની ટીમે ગ્રાઉન્ડ રિપોર્ટ બનાવ્યો છે. જેમાં જાણવા મળ્યું છે કે, સ્લમ વિસ્તારના લોકો કોરોના સંક્રમિતથી દૂર છે. સ્લમ વિસ્તારના લોકોમાં રોગપ્રતિકારક શક્તિ વધારે હોવાથી કોરોના સ્પર્શ કરતો નથી.

બીજી લહેરમાં સ્લમ વિસ્તારમાં મહદઅંશે લોકો સંક્રમિત
રાજકોટના સ્લમ વિસ્તારની મુલાકાત દરમિયાન જાણવા મળ્યું છે કે, હજુ સુધી એક વર્ષના સમયમાં કોરોના વિસ્ફોટ સ્લમ વિસ્તારમાં થયો ન હોવાનું સામે આવ્યું છે. રાજકોટના સ્લમ વિસ્તારમાં કે ઝૂંપડપટ્ટીમાં રહેતા અને રસ્તા પર રઝળતા ભિક્ષુકોને હજુ સુધી કોરોના પોઝિટિવ થયાનું સામે આવ્યું નથી. આ અંગે રાજકોટ મનપાના કમિશનર ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું કે, કોરોનાની પ્રથમ લહેરમાં સ્લમ વિસ્તાર સલામત છે. પરંતુ બીજી લહેરમાં સ્લમ વિસ્તારમાં મહદઅંશે લોકો સંક્રમિત થઈ રહ્યાં હોવાનું સામે આવી રહ્યું છે.

સ્લમ વિસ્તારમાં રહેતા લોકોની રોગ પ્રતિકારક શક્તિ સારી.
સ્લમ વિસ્તારમાં રહેતા લોકોની રોગ પ્રતિકારક શક્તિ સારી.

સ્લમ વિસ્તારમાં માત્ર 2થી 5 ટકા જ પોઝિટિવ દર્દી- નાયબ આરોગ્ય અધિકારી
રાજકોટ મનપાના નાયબ આરોગ્ય અધિકારી ડોક્ટર પંકજ રાઠોડે જણાવ્યું હતું કે, રાજકોટ આરોગ્ય વિભાગ દ્વારા સ્લમ વિસ્તાર અને ફેરિયાઓનું પણ ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. સ્લમ વિસ્તારમાં માત્ર 2થી 5 ટકા જ પોઝિટિવ દર્દી કોરોનાની આ બીજી લહેરમાં જોવા મળ્યાં છે. આ વિસ્તારના લોકો માસ્ક, સેનિટાઇઝર કે સોશિયલ ડિસ્ટન્સનું પાલન પણ કરતા નથી. પરંતુ તેમની રોગ પ્રતિકારક શક્તિ ખૂબ જ સારી હોવાથી તેમાં સંક્રમણનું પ્રમાણ ઓછું હોવાનું માનવામાં આવી રહ્યું છે.

સૌથી વધુ મધ્યમ વર્ગના લોકો પરેશાન છે
રાજકોટમાં હોસ્પિટલની બહાર દર્દીઓની લાઇન છે, હોસ્પિટલની અંદર તમામ પથારી પર દર્દીઓની સારવાર ચાલી રહી છે. સ્મશાનમાં મૃતદેહની લાઇન છે પરંતુ આ તમામ લાઇનમાં મધ્યમ વર્ગીય લોકો જોવા મળી રહ્યાં છે. મધ્યમ વર્ગીય લોકો પરેશાન છે ધનિક વર્ગીય લોકો રૂપિયા અને લાગવગથી સારવાર મેળવી રહ્યાં છે. જ્યારે સ્લમ વિસ્તારના લોકો કોઇ પણ જાતની ચિંતા કર્યા વગર જીવન જીવી રહ્યાં હોવાથી કોરોના પણ તેમનાથી દૂર રહે છે.

કોરોનાની બીજી લહેરમાં સ્લમ વિસ્તારમાં 2થી 5 ટકા લોકો જ સંક્રમિત થયા.
કોરોનાની બીજી લહેરમાં સ્લમ વિસ્તારમાં 2થી 5 ટકા લોકો જ સંક્રમિત થયા.

રાજકોટમાં આવેલા મુખ્ય સ્લમ વિસ્તાર
-રૈયાધાર વિસ્તાર
-છોટુનગર વિસ્તાર
-લક્ષ્મીનગર ઝૂંપડપટ્ટી
-ભીલવાસ સ્લમ ક્વાર્ટર
-મફતિયાપરા
-આંબેડકરનગર સ્લમ વિસ્તાર