રાજકોટના હોસ્પિટલ ચોકમાં નિર્માણ પામતા થ્રી આર્મ ફ્લાય ઓવરબ્રિજમાં સિમેન્ટ, લોખંડના ભાવવધારાના 10 કરોડ અને વધારાની થયેલી કામગીરીના 14.89 કરોડ સહિત કુલ 25 કરોડ વધારાનો ખર્ચ, રામવનમાં 4 હાઇમાસ્ટ લાઇટ તથા 11 LED ફીટ કરવા, પોર્ટેબલ ફોગિંગ મશીન ખરીદવા વોર્ડ નં. 2માં મોચીનગરમાં વરસાદી પાણીના નિકાલ માટે સ્ટ્રોમ વોટર પાઇપલાઇન નાખવા સહિતની 54 દરખાસ્તો અંગે આવતીકાલે મળનાર સ્ટેન્ડિંગ મિટિંગમાં નિર્ણય થશે.
કાલે 12 વાગ્યે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળશે
મ્યુનિ. કોર્પોરેશનની સેન્ટ્રલ ઝોન કચેરીના પ્રથમ માળે આવેલ સ્ટેન્ડિંગ કમિટીના કોન્ફરન્સ રૂમમાં આવતીકાલે બપોરના 12 કલાકે મનપાની સ્ટેન્ડિંગ કમિટીની મિટીંગ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કર પટેલના અધ્યક્ષસ્થાને યોજાશે. જેમાં વિવિધ દરખાસ્તો અંગે નિર્ણય થશે.
હોસ્પિટલ બ્રિજમાં વધારાનો 25 કરોડનો ખર્ચ
શહેરમાં હાલના સૌથી ગીચ ટ્રાફિક સર્કલ તરીકે ગણાતા હોસ્પિટલ ચોકમાં થ્રી આર્મ ફ્લાય ઓવરબ્રિજ રૂ.84.71 કરોડના ખર્ચે 8 નવેમ્બર 2019થી વર્ક ઓર્ડર આપી કામ ચાલુ કરાવવામાં આવ્યું છે. આ કામની મુદ્દત 24 માર્ચ હતી, પરંતુ રેલવે, સરકારી હોસ્પિટલ વગેરેની જમીન સંપાદન તથા કોવિડ-19ના લોકડાઉનનો સમયગાળો અને 2020 ચોમાસાનો સમયગાળો મળી 8 મહિના 12 દિવસ વધારાના મંજૂર કરવામાં આવ્યો હતો.
24.95 કરોડ વધારા સાથે રૂ. 109.67 કરોડ ખર્ચ થશે
આ બ્રિજના કામમાં જવાહર રોડ ઉપર વોકળા ઉપર હયાત સ્લેબ કલ્વર્ટ જર્જરિત હાલતમાં જણાતા જૂનું સ્ટ્રક્ચર દૂર કરી નવું બનાવવું જરૂરી હોય તેમજ કોંક્રિટ કામ અને સ્ટીલના જથ્થામાં વધારા, ડ્રેનેજ પાઇપલાઇન, પ્રી સ્ટ્રેસ ગર્ડરની કામગીરીના કારણે ખર્ચમાં 17.89 કરોડના ખર્ચનો વધારો થયો છે. તેમજ ટેન્ડર શરત મુજબ આ કામે સિમેન્ટ, સ્ટીલ તથા આસ્ફાલ્ટની આઇટમ માટે પ્રાઇઝ એસ્કેલેશન મુજબ રૂ.10.6 કરોડ સહિત કુલ 24.95 કરોડ વધારા સાથે રિવાઇઝ ખર્ચ રૂ. 109.67 કરોડ ખર્ચ થશે.
આ દરખાસ્ત પર પણ નિર્ણય કરાશે
આ ઉપરાંત આજીડેમ ખાતે નિર્માણ પામનાર અર્બન ફોરેસ્ટ (રામવન) ખાતે ચાર હાઇમાસ્ટ લાઇટિંગ તથા 11 સ્ટેચ્યુ લાઇટિંગ રૂ.1.39 કરોડના ખર્ચે નાખવા, મનપાના જૂના 10 સ્ક્રેપ વાહનોનું 10.35 લાખનું વેચાણ, મેલેરિયા વિભાગના ઉપયોગ માટે કોલ્ડ હોટ બોથ ઓપરેટેડ પોર્ટેબલ 27 ફોગિંગ મશીન 71.19 લાખના ખર્ચે ખરીદવા તથા વોર્ડ નં. 2માં મોચીનગર 2 પાસે શીતલ પાર્ક મેઇન રોડ HCG હોસ્પિટલ રોડને જોડતા 12 મીટર ટી.પી. રોડ વરસાદ પાણીના નિકાલ માટે સ્ટ્રોર્મ વોટર પાઇપલાઇન 81.35 લાખના ખર્ચે નાખવા તથા વોર્ડ નં. 12માં 4 કરોડના ખર્ચે રસ્તા કામ કરવા, વોર્ડ નં.11માં 24 કરોડના ખર્ચે વિવિધ વિકાસકામો તથા વોર્ડ નં.18માં 7 આંગણવાડી બનાવવા સહિતની 54 દરખાસ્તો અંગે આવતીકાલે મળનાર સ્ટેન્ડિંગ કમિટી મિટીંગમાં નિર્ણય થશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.