તપાસ:કંકાલ વર્ષો જૂની મહામારીમાં મૃત્યુ પામેલાના અવશેષો હોવાની શંકા

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નગરપીપળિયામાં પોલીસે કરેલી તપાસમાં બહાર આવી વિગતો

લોધિકા તાલુકાના નગરપીપળિયા ગામની સરકારી સ્કૂલના ગેટ પાસેથી શનિવારે માનવ કંકાલ મળી આવ્યા હતા, આ મામલે પોલીસે તપાસ કરતાં જ માનવ કંકાલ પાછળ કોઇ ગુનાહિત કૃત્ય નહીં પરંતુ વર્ષો પહેલા મહામારીમાં મૃત્યુ પામેલા લોકોના અવશેષો હોવાનું તારણ નીકળ્યું હતું.

લોધિકા પોલીસ સ્ટેશનના પીએસઆઇ બારબચિયાએ જણાવ્યું હતું કે, દૂધના એક વેપારી શનિવારે નગરપીપળિયામાં સરકારી સ્કૂલના ગેટ પાસેથી પસાર થતા હતા ત્યારે તેમને ગેટ નજીક માનવ કંકાલની પ્રતિકૃતિ જેવું દેખાતા તેઓ આશ્ચર્ય સાથે નજીક જતાં હાડકાં જેવું નજરે ચડતાં તેમણે ગામના આગેવાનોને જાણ કરી હતી, ગામના પૂર્વ સરપંચ કમલેશભાઇ સાકરિયા સહિતના લોકો સ્થળ પર દોડી ગયા હતા, શાળા નજીક રહેતા પુંજાભાઇ ભરવાડના પરિવારજનોએ પણ આ સ્થળેથી વર્ષોથી કંકાલ જોવા મળતા હોવાની વાત કરી હતી.

પોલીસે નગરપીપળિયા અને આસપાસના ગામમાં રહેતા વયોવૃદ્ધોના નિવેદનો નોંધ્યા હતા તેમણે આશંકા વ્યક્ત કરી હતી કે, હાલમાં જે સ્થળે સ્કૂલ છે તે અગાઉ ગામની બારોબાર આવેલી જગ્યા હતી, વર્ષો પહેલા મહામારીમાં મોટી સંખ્યામાં લોકોના મૃત્યુ થયા હોય અને તમામને અગ્નિસંસ્કાર આપવા તે સમયે શક્ય નહોય કદાચ મોટી સંખ્યામાં મૃતકોને દફનાવ્યા હશે, 25 વર્ષ અગાઉ સ્કૂલના નિર્માણ વખતે પાયા ખોદાયા ત્યારે પણ માનવ કંકાલ મળ્યા હતા, પરંતુ ત્યારે પોલીસને જાણ કરી નહોતી, શનિવારે મળેલા પદાર્થમાં કોઇ નક્કર હાડકાં નહોતા પરંતુ હાડકાંના પાઉડર જેવો પદાર્થ મળ્યો હતો. કોઇ ગુનાહિત કૃત્ય નહીં હોવાનું સ્પષ્ટ થતાં પોલીસે પ્રાથમિક નોંધ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...