તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આત્મનિર્ભર:કોરોના પહેલા ઘરની બહાર નહીં નીકળનાર બહેનો હવે દર મહિને રૂ.2થી 15 હજાર સુધીની આવક રળે છે

રાજકોટ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • કોરોના બાદ રાજકોટ જિલ્લાની 2 હજારથી વધુ બહેનો પગભર બની

કોરોનાની મહામારીમાં અનેક પરિવારમાં મોભીનું નિધન થયું, પરિવારમાં જે આવક થતી હતી તે ઘટી ગઇ તો કોઈની આવક સદંતર બંધ થઇ ગઈ. જ્યારે પરિવાર આર્થિક મુશ્કેલીમાં મુકાઈ ગયો ત્યારે દીકરી અને પુત્રવધૂ દીકરો બની અને પરિવારને ટેકો કર્યો. કોરોના પહેલા જે બહેનો ક્યારેય ઘરની બહાર નહોતી નીકળતી તે હવે દર મહિને રૂ. 2 હજારથી લઇને રૂ.10 હજાર સુધીની આવક કમાઈ લે છે. અનેક પડકારો અને વિષમ પરિસ્થિતિ વચ્ચે રાજકોટ જિલ્લાની 2 હજારથી વધુ બહેનો પગભર બની છે. જિલ્લા લાઈવલી હૂડ મેનેજર વી.બી.બસિયા જણાવે છે કે, બહેનો હવે પ્રોફેશનલ રિસોર્સ પર્સનની કામગીરી સંભાળે છે.

થાણા ગાલોલ ગામની બહેનોએ અગરબત્તી બનાવાનું શરૂ કર્યું
જેતપુર તાલુકાની થાણા ગાલોલ ગામની 15 બહેનોએ પગભર બનવા માટે કોરોના બાદ અગરબત્તી બનાવવાનું શરૂ કર્યું. તેમને પહેલા તાલીમ લીધી અને ધીમે- ધીમે તેમાં પારંગત બની રહી છે. અત્યારે આ બહેનો દર મહિને 70 કિલો અગરબત્તી બનાવે છે, પરંતુ આવતા મહિનેથી હવે 400 કિલો અગરબત્તી બનાવવાનો લક્ષ્યાંક છે. આ ગ્રૂપની બહેનો ક્યારેય પહેલા ઘરની બહાર નીકળી નહોતી હવે અગરબત્તી બનાવવાથી લઇને તમામ કામગીરી જાતે જ કરે છે. આ ગ્રૂપમાં ધો.7થી કોલેજ સુધીનો અભ્યાસ કરેલી 22 વર્ષથી 45 વર્ષ સુધીની બહેનો છે.

બહેનો પાપડ, ખાખરા, વેફર જાતે બનાવે છે અને બીજાને પણ રોજગારી પૂરી પાડે છે
સરોજબેન ભાલાણી, દર્શનાબેન મહેતા અને રસીલાબેન ડોડિયા આ ત્રણ બહેનો એવી છે કે, જે કોરોના બાદ ખુદ તો પગભર બની છે પરંતુ તેની સાથે- સાથે બીજી બહેનોને પણ રોજગારી આપે છે. આ બહેનો પાપડ, ખાખરા, અથાણા અલગ અલગ મસાલા તેમજ નાના બાળકોને આપવાની જિયાણાની વસ્તુ ઘરે જ બનાવીને વેચે છે.

પડધરીની 22 બહેનોએ પોતાની બચતમાંથી પ્રોજેક્ટ સપોર્ટ નામે ઉદ્યોગ શરૂ કર્યો
પડધરીની 22 બહેનોએ પ્રોજેક્ટ સપોર્ટ હેઠળ પોતાનું સંયુક્ત સાહસ શરૂ કર્યું છે. પ્રોજેક્ટના ઇન્ચાર્જ મીરાબેન મહેતા જણાવે છે કે, કોરોના બાદ બહેનોએ પોતાની કોઠાસૂઝથી આગળ વધી રહી છે. બધી બહેનોએ ભેગા મળીને એક્ઝિબિશનનું આયોજન કર્યું હતું. જેમાં રોજના રૂ.500થી રૂ. 2 હજાર સુધીની આવક મળી હતી.

અન્ય સમાચારો પણ છે...