• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • The Second Day Of The Majestic Wedding Of A Young Businessman From Rajkot, The Pavilion Muhurat Completed, Bollywood Night Organized On The Theme Of Royal Rajwadi At Night

શાહી લગ્નોત્સવ:રાજકોટના યુવા ઉદ્યોગપતિના જાજરમાન લગ્નનો બીજો દિવસ, મંડપ મુહૂર્ત પૂર્ણ, રાત્રે રોયલ રજવાડી થીમ પર બોલિવૂડ નાઇટનું આયોજન

રાજકોટ2 મહિનો પહેલા
  • ગઈકાલે દાંડિયા નાઇટમાં રાસની રમઝટ સાથે ઐશ્વર્યા મજમુદારે સૌને મંત્રમુગ્ધ કર્યા હતા

રાજકોટ-સૌરાષ્ટ્ર સહિત દેશ-વિદેશમાં જાણીતા એવા ઉદ્યોગપતિ મૌલેશ ઉકાણી અને સોનલબેન ઉકાણીના પુત્ર જયના જાજરમાન લગ્ન મોરબીની જાણીતી એવી આજવીટો ટાઈલ્સના માલિક અરવિંદભાઈ પટેલ અને શીતલબેન પટેલની પુત્રી હિમાંશી સાથે રાજસ્થાનના જોધપુર મુકામે ઉમેદભવન પેલેસ ખાતે યોજાઇ રહ્યા છે. ત્યારે ત્રિદિવસીય ફંક્શનનો ગઈકાલથી પ્રારંભ થવા પામ્યો છે. શનિવારે ઉકાણી પરિવાર અને આમંત્રિત મહેમાનો રાજસ્થાનના ઉમેદભવન પેલેસ ખાતે પહોંચ્યા હતા, જ્યાં તેમનું રજવાડી સ્ટાઇલથી વાજતેગાજતે સ્વાગત કરવામાં આવ્યું હતું અને ગઇકાલે મહેંદી રસમ તેમજ રાસ-ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઐશ્વર્યા મજમુદાર સાથે રાસની રમઝટ જામી હતી. જ્યારે આજે 15મી નવેમ્બરે સવારે મંડપ મુહૂર્ત, મહેંદી રસમ બાદ રાત્રિએ બોલિવૂડ નાઈટનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સચિન જિગર સહિતના કલાકારો ધૂમ મચાવશે.

દાંડિયા નાઈટમાં રાસની રમઝટ સાથે ઐશ્વર્યા મજમુદારે સૌને મંત્રમુગ્ધ કર્યા હતા
દાંડિયા નાઈટમાં રાસની રમઝટ સાથે ઐશ્વર્યા મજમુદારે સૌને મંત્રમુગ્ધ કર્યા હતા

રાજસ્થાની ડાન્સ અને ગરબા રમ્યા
શનિવારે સવારે રાજકોટ એરપોર્ટ પરથી ચાર્ટર પ્લેન મારફત જય ઉકાણી અને પરિવાર તેમજ આમંત્રિત મહેમાનો રાજસ્થાન જવા રવાના થયા હતા, જ્યાં પહોંચતાં ઉમેદભવન પેલેસ ખાતે તમામનું સ્વાગત કરવામાં આવ્યું હતું. એમાં મહેમાનોનું સ્વાગત પ્રથમ પતિયાલા બેન્ડ પછી રોયલ નગારાં અને બ્યૂગલથી કરવામાં આવ્યું હતું, સાથે જ પેલેસની અંદર પ્રવેશ કરતાં રોયલ રાજસ્થાની ડાન્સ અને ગરબા રમ્યા હતા.

જય ઉકાણી અને હિમાંશી પટેલનો રોયલ લુક.
જય ઉકાણી અને હિમાંશી પટેલનો રોયલ લુક.
મહેંદી રસમની ઉજવણી કરતું ભાવિ દંપતી
મહેંદી રસમની ઉજવણી કરતું ભાવિ દંપતી

ઐશ્વર્યા મજમુદારે સંગીતના સૂર રેલાવ્યા હતા
જાજરમાન લગ્નોત્સવમાં આજે પ્રથમ દિવસે, એટલે કે ગઈકાલે સાંજે મહેંદી અને સંગીત સેરેમની યોજાવાની છે, જેને રાજસ્થાની રજવાડી લુક આપવામાં આવ્યો હતો. ગઈકાલે બપોરે 3.15થી 6.15 વાગ્યા સુધી ઉમેદભવન પેલેસના લાન્સર લોન્સ ખાતે મહેંદી રસમ યોજાઈ હતી અને બાદમાં સાંજના 6.15 વાગ્યે ફ્રન્ટ લોન્સ ખાતે દ્વારિકાધીશની આરતી તથા બાદમાં રાસ-ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. એમાં ગુજરાતની જાણીતી ગાયિકા ઐશ્વર્યા મજમુદારે પોતાના સૂર રેલાવ્યા હતા.

સચિન-જિગર સહિતના કલાકારો ધૂમ મચાવશે
જાજરમાન લગ્નનો આજે બીજો દિવસ છે ત્યારે બીજા દિવસે સવારે 9.30 વાગ્યે મંડપ મુહૂર્ત વિધિ કરવામાં આવી હતી. આ સાથે આજે સાંજે હલ્દી રસમ અને રાત્રિ બૉલિવૂડ નાઇટનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં પણ રોયલ રજવાડી થીમ રાખવામાં આવશે. આજે રાત્રિના બોલિવૂડ નાઈટનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સચિન જિગર સહિતના કલાકારો ધૂમ મચાવશે.

હોટલ ઉમેદભવન પેલેસની ગણના ભારતની મોંઘી હોટલમાં થાય છે (ફાઈલ તસવીર).
હોટલ ઉમેદભવન પેલેસની ગણના ભારતની મોંઘી હોટલમાં થાય છે (ફાઈલ તસવીર).

મહેમાનો સાથે બે પ્લેને રાજકોટથી ઉડાન ભરી
ઉલ્લેખનીય છે કે રાજકોટના ઉદ્યોગપતિ મૌલેશભાઇ ગઇકાલે પરિવાર સાથે ચાર્ટર પ્લેનમાં જોધપુર જવા રવાના થયા હતા. આ ઉપરાંત અન્ય મહેમાનો માટે પણ ઈન્ડિગો અને સ્પાઈસજેટનાં બે ચાર્ટર પ્લેન અને એક એર બસ બુક કરવામાં આવી છે. શનિવારે સવારે 8:30 વાગ્યે ઈન્ડિગોનું 78 સીટર ચાર્ટર પ્લેન રાજકોટથી જોધપુર માટે ટેકઓફ થયું હતું. જ્યારે ગઈકાલે સવારે 9 વાગ્યે સ્પાઇસજેટની 78 સીટની કેપેસિટી સાથેનું ચાર્ટર અને 186 સીટની ક્ષમતા ધરાવતી એરબસ મહેમાનોને લઈને ઉડાન ભરી હતી.

રાજસ્થાનના જોધપુરમાં ઉમેદભવન પેલેસમાં લગ્ન
આ લગ્ન સમારંભની ખાસ બાબત છે કે એ ડેસ્ટિનેશન વેડિંગ છે અને એનું આયોજન જોધપુરની હોટલ ‘ઉમેદભવન પેલેસ’ ખાતે કરાયું છે. હોટલ ઉમેદભવન પેલેસ હાલ ‘તાજ હોટલ’ દ્વારા સંચાલિત છે અને એની ગણના ભારતની ત્રણ સર્વોત્તમ અને સૌથી મોંઘી હોટલ્સમાં થાય છે, જેમાં એક થાળીની કિંમત રૂ.18 હજાર છે તો પ્રતિ નાઈટ રૂમની કિંમત રૂ.7,50,000 છે. ઉલ્લેખનીય છે કે બોલિવૂડની પ્રખ્યાત અભિનેત્રી પ્રિયંકા ચોપરા અને નિક જોનસના લગ્ન પણ આ જ પેલેસમાં થયા હતા.

ઉમેદભવન પેલેસને તેના બાંધકામના સમયે ચિત્તર મહેલ કહેવાતો,કારણ કે એ ચિત્તર નામની ટેકરી પર આવેલો છે (ફાઈલ તસવીર).
ઉમેદભવન પેલેસને તેના બાંધકામના સમયે ચિત્તર મહેલ કહેવાતો,કારણ કે એ ચિત્તર નામની ટેકરી પર આવેલો છે (ફાઈલ તસવીર).

જાજરમાન લગ્નની રજવાડી કંકોત્રી
આ શાહી લગ્નની કંકોત્રી પણ રજવાડી સ્ટાઈલથી બનાવવામાં આવી છે. આ કંકોત્રીનું વજન 4 કિલો 280 ગ્રામ છે. આ એક કંકોત્રી બનાવવા પાછળ મૌલેશભાઇએ 7 હજાર રૂપિયાનો ખર્ચ કર્યો છે, જેમાં 7 પાનાંમાં ત્રણ દિવસના લગ્નના કાર્યક્રમની ઝાંખી દર્શાવવામાં આવી છે. કંકોત્રીની સાથોસાથ કાજુ, બદામ, કિસમિસ અને ચોકલેટ પણ રાખવામાં આવ્યાં છે. કંકોત્રી ખોલો એ પહેલાં રજવાડી પટારા પર શ્રીનાથજીનાં દર્શન થાય છે. બાદમાં એક બાદ એક લગ્નના કાર્યક્રમો સાથેનાં પાનાં રાખવામાં આવ્યાં છે. કંકોત્રીમાં કાપડ અને ધાતુનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

ઉમેદભવનના પેલેસનો અમુક ભાગ તાજ હોટલને સંચાલન માટે આપવામાં આવ્યો છે (ફાઈલ તસવીર).
ઉમેદભવનના પેલેસનો અમુક ભાગ તાજ હોટલને સંચાલન માટે આપવામાં આવ્યો છે (ફાઈલ તસવીર).

આખી હોટલના તમામ 70 રૂમ બુક કરી દેવાયા છે
તારીખ 16 નવેમ્બરના દિવસે જોધપુર ખાતે યોજાનારા આ લગ્ન માટે તારીખ 13 નવેમ્બરથી જ આખી હોટલના તમામ 70 રૂમ બુક કરી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત અહીંના એવા જ રજવાડી ગણાતા અજિતભવન પેલેસના તમામ 67 રૂમ પણ ચાર દિવસ માટે બુક કરી દેવામાં આવ્યા છે. લક્ઝરીથી લથબથ એવા આ લગ્ન રાજસ્થાનના જોધપુર ખાતે થઈ રહ્યા છે.

કુલ 300 લોકોને આમંત્રણ અપાયું છે
લગ્નમાં કન્યા-વર પક્ષના 150-150 લોકો મળીને કુલ 300 લોકોને આમંત્રણ અપાયું છે, કારણ કે રાજસ્થાનમાં કોવિડને કારણે હાલ લગ્ન વગેરે સમારંભો માટે સંખ્યા પર સરકારી નિયંત્રણો છે. આવા શાહી લગ્ન ઉદ્યોગપતિના પુત્રના થવાના છે. આ લગ્નમાં મુખ્ય ભોજન સમારંભમાં મહેમાનોને જે થાળી પીરસવામાં આવશે, એનો ચાર્જ 18 હજાર રૂપિયા છે.