લખણ ઝળકાવ્યા:બે વિદ્યાર્થિનીને અડપલાં કરનાર સ્કૂલ સંચાલક ભૂગર્ભમાં ઉતર્યો

રાજકોટ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભાજપની મહિલા આગેવાનના પતિએ અગાઉ પણ લખણ ઝળકાવ્યા છે
  • ઘટનાથી લોકોમાં રોષ, આજે નવી મેંગણીની સ્કૂલે લોકો દેખાવ કરશે

લોધિકાના નવી મેંગણી ગામમાં આવેલી જ્ઞાન જ્યોત સ્કૂલમાં સંચાલક ધોરણ 9ની બે વિદ્યાર્થિનીને ઓફિસમાં બોલાવી અડપલાં કરતો હોવાની ઘટના પ્રકાશમાં આવતા દેકારો મચી ગયો હતો. ગુનો નોંધાતા જ સ્કૂલ સંચાલક ભૂગર્ભમાં ઉતરી જતાં પોલીસે તેની શોધખોળ શરૂ કરી હતી.

નવી મેંગણી ગામમાં આવેલી જ્ઞાન જ્યોત સ્કૂલમાં ધોરણ 9માં અભ્યાસ કરતી બે વિદ્યાર્થિની અને તેના વાલીઓ શનિવારે લોધિકા પોલીસ સ્ટેશને દોડી ગયા હતા. વિદ્યાર્થિનીઓએ પોતે જ્યાં અભ્યાસ કરે છે તે નવી મેંગણીની જ્ઞાન જ્યોત સ્કૂલના સંચાલક દિનેશ જોષી સામે ફરિયાદ નોંધાવી હતી. સગીરાઓએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, સ્કૂલ સંચાલક દિનેશ જોષી કેટલાક સમયથી તેમની સામે ખરાબ દૃષ્ટિથી જોતો હતો અને છેલ્લા એક મહિનામાં અલગ અલગ બહાના હેઠળ ઓફિસમાં બોલાવતો હતો અને પાછળથી જકડી રાખી અડપલાં કરતો હતો એક મહિનામાં છ વખત આવા કૃત્ય કર્યાનો પણ આક્ષેપ કર્યો હતો.

સ્કૂલ સંચાલક દિનેશ જોષીના પત્ની સીમા જોષી લોધિકા તાલુકા ભાજપના મહિલા મોરચાના આગેવાન છે અને મહિલા આગેવાનના પતિએ જ બબ્બે વિદ્યાર્થિની સાથે અડપલાં કર્યાની વાત વાયુવેગે ફેલાઇ જતાં ચકચાર મચી ગઇ હતી. દિનેશ જોષીના સમર્થનમાં પોલીસમથકે પહોંચેલા કેટલાક આગેવાનોનો ભોગ બનનારના પરિવારજનોએ ઊધડો લીધો હતો. પોલીસે ગુનો નોંધ્યા બાદ રવિવારે બંને વિદ્યાર્થિનીના વિસ્તૃત નિવેદનો નોંધ્યા હતા, તેમજ ગુનો નોંધાતા જ નાસી છૂટેલા દિનેશ જોષીની શોધખોળ તેજ કરવામાં આવી હતી.

સ્કૂલ સંચાલક મહિલા ભાજપ આગેવાનના પતિ હોવાથી તેને બચાવવા માટે જિલ્લા ભાજપના કેટલાક આગેવાનોએ પોલીસ પર પ્રેશર પણ કર્યું હોવાનું બહાર આવયું છે. જ્ઞાનજ્યોતિ સ્કૂલમાં અગાઉ પણ વિદ્યાર્થિનીઓ સાથે શાળા સંચાલકે અડપલાં કર્યા હોવાની વિગતો પણ બહાર આવી છે. લોકોના રોષને જોઇને પોલીસે ફરિયાદ નોંધી સ્કૂલ સંચાલક સામે કાર્યવાહી શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...