લંપટ સ્કૂલ સંચાલક:રાજકોટના લોધિકાના નવી મેંગણીની જ્ઞાનજ્યોત સ્કૂલના સંચાલકે બે વિદ્યાર્થિનીને ઓફિસમાં બોલાવી એકસાથે જકડી રાખી અડપલાં કર્યા

રાજકોટ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
આરોપી - દિનેશ જોષી, સ્કૂલ સંચાલક - Divya Bhaskar
આરોપી - દિનેશ જોષી, સ્કૂલ સંચાલક
  • નવી મેંગણીની જ્ઞાનજ્યોત સ્કૂલમાં વિદ્યાર્થિનીઓ સાથે થતાં અત્યાચારનો અંતે ભાંડો ફૂટ્યો
  • ભાજપના મહિલા આગેવાનના પતિએ અગાઉ પણ લખણ ઝળકાવ્યાની શંકા, છ વખત ગંદી હરકતો કરી

લોધિકાના નવી મેંગણીમાં આવેલી સ્કૂલમાં અભ્યાસ કરતી ધોરણ 9ની બે વિદ્યાર્થિનીને સ્કૂલ સંચાલક ઓફિસમાં બોલાવી બંનેને એક સાથે અશ્લીલ રીતે જકડી રાખી અડપલાં કરતો હોવાની ઘટના પ્રકાશમાં આવતા હોબાળો મચી ગયો હતો. બંને વિદ્યાર્થિનીને એક મહિનામાં છ વખત અ રીતે પજવવામાં આવી હતી. પોલીસે ગુનો નોંધી સ્કૂલ સંચાલકની શોધખોળ શરૂ કરી હતી.

નવી મેંગણી ગામમાં આવેલી જ્ઞાનજ્યોત સ્કૂલમાં અભ્યાસ કરતી ધોરણ 9ની બે વિદ્યાર્થિનીના વાલીઓ શનિવારે સાંજે લોધિકા પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા, બંને વિદ્યાર્થિનીઓએ લોધિકા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીએસઆઇ કે.કે.જાડેજાને આપવીતી વર્ણવી હતી, 14 વર્ષની વયની બે વિદ્યાર્થિનીની કથની સાંભળી પીએસઆઇ જાડેજા પણ ચોંકી ઉઠ્યા હતા.

બંને વિદ્યાર્થિનીઓએ પોલીસ સમક્ષ કહ્યું હતું કે, બંને નવી મેંગણીમાં આવેલી જ્ઞાનજ્યોત સ્કૂલમાં ધોરણ 9માં અભ્યાસ કરે છે, સ્કૂલ સંચાલક દિનેશ જોષી કેટલાક સમયથી બંને સામે ખરાબ નજરે જોતો હતો અને અશ્લીલ હરકતો કરતો હતો, ગત તા.9 સપ્ટેમ્બરથી તા.1 ઓક્ટબર સુધીમાં છ વખત અલગ અલગ બહાને બંને વિદ્યાર્થિનીઓને સંચાલક દિનેશ ઓફિસમાં બોલાવી હતી અને બંનેને પાછળથી છ વખત અશ્લીલ રીતે જકડી રાખી પજવણી કરતો હતો.

સ્કૂલ સંચાલક દિનેશ જોષીની હરકતોને બંને વિદ્યાર્થિનીઓ ચુપચાપ સહન કરતી હતી પરંતુ દિનેશનો ત્રાસ વધતો જતો હતો, શુક્રવારે ફરીથી દિનેશે એવી જ હરકતો કરતા બંને વિદ્યાર્થિનીઓ કંટાળી ગઇ હતી અને બંનેએ સ્કૂલના અન્ય શિક્ષકોને જાણ કર્યા બાદ શનિવારે પોતાના પરિવારજનોને વાત કરી હતી, સ્કૂલ સંચાલક જોષીએ અગાઉ પણ અનેક વિદ્યાર્થિનીઓ સાથે આવા કૃત્ય કર્યાની વાતો પણ શરૂ થઇ હતી. પોલીસે દિનેશ જોષી સામે ગુનો નોંધી આરોપી દિનેશની શોધખોળ શરૂ કરી હતી. દિનેશ જોષીની પત્ની સીમા જોષી ભાજપ મહિલા મોરચામાં હોદ્દેદાર છે, અને મહિલા આગેવાનનો પતિ વિદ્યાર્થીઓ સાથે અડપલાં કરતો હોવાની ફરિયાદ નોંધાતા પંથકમાં ચકચાર મચી છે.

ડી. કે. સખિયા પોલીસ સ્ટેશન આવતા ટોળાંએ ઊધડો લીધો
લોધિકા પોલીસ સ્ટેશનમાં બનાવ મામલે લોકોના ટોળાં વળ્યા હતા. આ દરમિયાન પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ તેમજ યાર્ડના ચેરમેન ડી. કે. સખિયા પહોંચ્યા હતા. જેના પર આરોપ છે તેમના પત્ની પણ ભાજપના આગેવાન છે અને તેવામાં સખિયા ત્યાં પહોંચતા ટોળું ગુસ્સે થયું હતું અને સખિયાને ઘેરીને ઊધડો લીધો હતો. ‘દબાવવા આવ્યા છો, ઢાંકવા આવ્યા છો’ તેમ કહીને સખત વિરોધ નોંધાવી જતા રહેવા કહ્યું હતું. જોકે આમ છતાં સખિયા પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યા હતા થોડી વાર બાદ બહાર આવી આરોપીના પત્ની સાથે ચર્ચા કરીને ફરી સ્ટેશનની અંદર ગયા હતા.

આરોપીના પત્નીએ પોલીસ સ્ટેશન જઈ બાળાઓને પ્રશ્નો કર્યા
આરોપી દિનેશના પત્ની સીમાબેન પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને પીડિતાના પરિવારજનો ફરિયાદ લખવા માટે જાય ત્યાં જ લોબીમાં અટકાવી દીધા હતા અને શું બનાવ બન્યો તેમ કહીને બાળાઓને પ્રશ્ન કર્યા હતા. જેને લઈને ગ્રામજનો પૈકી એક મહિલાએ સીમાબેનને અહીં પ્રશ્ન ન કરો તેમ કહેતા સીમાબેને તે મહિલાને પણ ‘તમે શું છો, કોણ છો’ તેમ પૂછવા લાગ્યા હતા અને પીડિતા પરિવારજનો સાથે ફરી વાત કરવાનું ચાલુ કરતા પોલીસે બંને પક્ષોને અલગ કર્યા હતા અને ટોળાંને બહાર કાઢ્યું હતું.