તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર બ્રેકિંગ:રાજકોટ સિવિલમાં વિદેશ જવાનું હોવાથી કોરોનાના નેગેટિવ રિપોર્ટ મેળવવાનું કૌભાંડ ઝડપાયું, મેડિકલ ઓફિસરને જાણ થતા મહિલા મેનેજર ઝડપાઈ

રાજકોટ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
રાજકોટ સિવિલ હોસ્પિટલ - ફાઇલ તસવીર - Divya Bhaskar
રાજકોટ સિવિલ હોસ્પિટલ - ફાઇલ તસવીર
  • આઉટ સોર્સિંગ એજન્સીની એચઆરની મહિલા મેનેજરે તેના માસી સહિત દસના નેગેટિવ રિપોર્ટ મેળવવા કારસો ઘડ્યો’તો

સિવિલ હોસ્પિટલમાં કામ કરતી આઉટ સોર્સિંગ એજન્સીની એચઆર મેનેજરે અમદાવાદ રહેતા તેના માસી સહિત દશ લોકોને વિદેશ જવા માટે જરૂરી કોરોના નેગેટિવ રિપોર્ટ મેળવવા માટે અનોખો ખેલ ખેલ્યો હતો. મહિલા મેનેજરે સિવિલમાં કામ કરતાં દશ કર્મચારીને સેમ્પલ આપવા માટે તૈયાર કર્યા હતા અને તમામ જરૂરી કાર્યવાહી પૂરી કરી દીધી હતી, જોકે મેડિકલ ઓફિસરે ખોટું કામ કરવાનો સ્પષ્ટ ઇનકાર કરી દેતા મહિલા મેનેજરના કાવતરાનો ભાંડો ફૂટી ગયો હતો.

વિદેશ જવાનું હોવાથી રિપોર્ટ કઢાવવાનો હતો
સિવિલમાં મોટી સંખ્યામાં કોન્ટ્રાક્ટના કર્મચારીઓ કામ કરે છે, સિવિલ કેમ્પસમાં કોવિડ હોસ્પિટલ શરૂ થતાં કોરોનાની મહામારી વખતે પણ કોન્ટ્રાક્ટના કર્મચારીઓ ફરજ પર તૈનાત રહ્યા હતા. આઉટ સોર્સિંગ એજન્સીની એચઆર મેનેજર તરીકે રેખા નામની યુવતી વર્ષોથી સિવિલમાં કામ કરે છે. રેખાના અમદાવાદ રહેતા માસી મીનાક્ષી સહિત દશ લોકોને વિદેશ જવાનું હોય તેમણે આરટીપીસીઆર રિપોર્ટ કરાવવાનો હતો, અમદાવાદ રહેતી મીનાક્ષી સહિત દશમાંથી એક વ્યક્તિનો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવે તો વિદેશ જવાનું મુશ્કેલ બને, આવી સ્થિતિ આવે નહીં તેનું બીડું એચઆર મેનેજર રેખાએ ઝડપ્યું હતું.

નોકરી સાચવવા કર્મચારીએ ખોટું કામ કર્યું
અમદાવાદ રહેતી મીનાક્ષી સહિત દશેય લોકોના આધારકાર્ડ સહિતના પુરાવા વોટ્સએપથી મગાવવામાં આવ્યા હતા અને તે તમામ લોકોના નામના કેસબારીમાંથી કેસ કઢાવવામાં આવ્યા હતા. કેસ કઢાવ્યા બાદ સિવિલમાં કોન્ટ્રાક્ટ પર કામ કરતાં દશ કર્મચારીને રેખાએ કોવિડ ટેસ્ટ માટે સેમ્પલ આપવા દબાવ્યા હતા, એચઆર મેનેજરની સૂચના અને નોકરી સાચવવા માટે દશ કર્મચારી સેમ્પલ આપવા માટે તૈયાર થયા હતા, એ તમામ દશ કર્મચારીને ખોટા નામ આપી ડોક્ટર પાસે રજૂ કરવાની તૈયારીઓ પૂરી કરી દેવામાં આવી હતી.

મેડિકલ ઓફિસરે ખોટા રિપોર્ટ કાઢવાનો ઇનકાર કર્યો
રેખાએ એક કર્મચારીને ખોટા કેસ પેપર સાથે કોવિડના મેડિકલ ઓફિસર પાસે મોકલ્યો હતો અને પોતાના સહિત દશ લોકોના આરટીપીસીઆર રિપોર્ટ કાઢી આપવા કહ્યું હતું, જોકે એચઆર મેનેજરના કાવતરાની ગંધ આવી જતાં મેડિકલ ઓફિસરે ખોટા રિપોર્ટ કાઢી આપવાનો સ્પષ્ટ ઇનકાર કરી દેતા મહિલા મેનેજરનું કાવતરું પાર પડ્યું નહોતું, આ અંગે મેડિકલ કોલેજના તમામ ડિપાર્ટમેન્ટના હેડ અને સવિલ સર્જન સુધી વાત પહોંચતા એચઆર મેનેજરને ઠપકો આપી પડદો પાડી દેવાયો હતો.

મેડિકલ ઓફિસરની જાગૃતતાથી ખોટા રિપોર્ટ નીકળ્યા નહોતાઃ સિવિલ સર્જન
સિવિલ સર્જન ડો.ત્રિવેદીએ જણાવ્યું હતું કે, કોવિડમાં ફરજ બજાવતાં એક મેડિકલ ઓફિસર પાસે ખોટા નામે આરટીપીસીઆર રિપોર્ટ કરાવવા માટે એક વ્યક્તિ ગયો હતો પરંતુ મેડિકલ ઓફિસરે સ્પષ્ટપણે ખોટું કામ કરવાનો ઇનકાર કરી દેતા દશ લોકોના ખોટા રિપોર્ટ થતાં અટક્યા હતા. આ મામલે જરૂરી તપાસ કરી જવાબદારને ઠપકો દેવામાં આવ્યો હતો અને આગામી દિવસોમાં જરૂરી કાર્યાવાહી પણ કરાશે.

અન્ય સમાચારો પણ છે...