તંત્રની લાલ આંખ:એન્ટિ લેન્ડ ગ્રેબિંગથી બચવા કૌભાંડીઓએ આવાસના ભાડૂઆતના સામાન પેક કરાવ્યા

રાજકોટ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મનપાના ફ્લેટને ગેરકાયદે ભાડે આપવા મામલાના કૌભાંડમાં તંત્રની લાલ આંખ
  • મુખ્ય સૂત્રધાર ‘મામા’ અને તેના વહીવટદાર ‘રાણા’એ ડ્રોમાં ફ્લેટ જોતો હોય તો પણ પૈસાની માંગ કર્યાની રાવ પદાધિકારીઓને થઈ

રાજકોટના ઉપલાકાંઠા વિસ્તારમાં આવેલી ગોકુલનગર આવાસ યોજનામાં મનપાએ હજુ કોઇને ફાળવ્યા નથી તેવા ફ્લેટના તાળાં તોડીને રાજકીય વગ ધરાવતા ‘મામા’ નામના શખ્સ અને તેના વહીવટદાર ‘રાણા’એ બારોબાર ફ્લેટ ભાડે આપી દેવાનું કૌભાંડ દિવ્ય ભાસ્કરે બહાર લાવતા મનપાએ લાલ આંખ કરતા કૌભાંડીઓમાં નાસ ભાગ પામી છે. મનપાએ એન્ટિ લેન્ડ ગ્રેબિંગ એક્ટની ચીમકી આપતાં જ હવે ભાડૂઆતોના સામાન ભરાવવા માટે મામા નામની વ્યક્તિ દબાણ કરી રહી છે જ્યારે રાણાને અત્યારથી જ ભૂગર્ભમાં ઉતારી દેવાયો છે.

એન્ટિ લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ જેણે પણ ફ્લેટ પર ગેરકાયદે કબજો કર્યો છે તેના વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવા માટે મનપાએ તૈયારી શરૂ કરી છે. ભાડૂઆત સામે ગાળિયો કસાય તો તે સીધા રાણા અને મામાનું જ નામ આપે અથવા તો તે જેમને ભાડું આપી રહ્યા છે તેવા કોઇના નામ આપે તો સીધા તેમની વિરુદ્ધ પોલીસ ફરિયાદ થશે. આ કાર્યવાહીથી ડરી જઈને મામાએ દબાણ કરેલા ફ્લેટ ખાલી કરાવવાની અને કોઇપણ પુરાવો ન રહે તે માટે પ્રયાસ હાથ ધર્યા છે. જેના ભાગરૂપે મોડી રાત્રે મનપાના એક ફ્લેટમાંથી ભાડૂઆતને રાતોરાત સામાન ભરાવી મોકલી દેવાયો છે.

કૌભાંડીઓ એક તરફ પુરાવાનો નાશ કરવાની પેરવીમાં છે જ્યારે અધિકારી અને પદાધિકારીઓ પણ સકંજો બનાવી રહ્યા છે. ભૂતકાળમાં થયેલા ડ્રોની વિગતો કાઢીને કેટલાક લાભાર્થીઓને મળતા તેઓએ પદાધિકારીઓને ફરિયાદ કરી હતી કે, ફ્લેટ જોતા હોય તો પૈસા દેવા પડશે તેવી માંગ મામાએ તે સમયે કરી હતી. ત્યારે રાજકીય વગ અને અધિકારીઓની સાઠગાંઠ કરીને જે લાભાર્થી નથી તેમને પણ ફ્લેટ આપી દેવાયા હતા.

પુરાવાઓ આવી ગયા છે કોઇને છોડાશે નહિ : સિંઘ
નાયબ કમિશનર એ.આર. સિંઘે સમગ્ર તપાસ સ્થળ પર જઈને જ કરી હતી. ફ્લેટ ખાલી થવા લાગવાની જાણ નાયબ કમિશનરને થતા તેઓએ કહ્યું હતું કે, તમામ પુરાવાઓ આવી ગયા છે. નામ પણ આવી ગયા છે. 24 કલાકમાં બધા નામ અને પુરાવાઓ ભેગા કરીને તપાસ પૂરી કરાશે. કોઇને પણ છોડાશે નહિ બધા સામે કાર્યવાહી કરાશે.

અન્ય સમાચારો પણ છે...