રાજકોટમાં સરગમ ક્લબ સંચાલિત રામનાથપરા સ્મશાનમાં જે લોકોએ પોતાના પરિવારજનો ગુમાવ્યા હોય અને તેની અંતિમક્રિયા પૂર્ણ કર્યા બાદ અસ્થિ લેવા કોઈ આવતું નથી. આવા અસ્થિઓનું સરગમ ક્લબ દ્વારા દર છ મહિને પૂજન કરવામાં આવે છે અને બાદમાં હરિદ્વારમાં તેનું વિસર્જન કરે છે. આજે રામનાથપરા સ્મશાનમાં એકસાથે 2500થી વધુ અસ્થિઓનું પૂજન કરવામાં આવ્યું હતું. સરગમ ક્લબ આ કાર્ય છેલ્લા 27 વર્ષથી દર છ મહિને કરે છે.
શાસ્ત્રોક્ત વિધિથી વિસર્જન કરવામાં આવે છે
જે લોકોએ પોતાના પરિવારજનોને ગુમાવ્યા હોય અને તેની અંતિમક્રિયા પૂર્ણ કર્યા બાદ તેઓની અસ્થિઓ લેવા માટે તેમના પરિવારમાંથી કોઈ આવતું નથી અથવા જે કોઈની એવી ઈચ્છા હોય કે તેના પરિવારજનોની અસ્થિઓ હરિદ્વાર ખાતે પધરાવવામાં આવે તે માટે થઈને સરગમ ક્લબ દ્વારા આ કાર્ય છેલ્લા 27 વર્ષથી દર છ મહિને કરવામાં આવે છે. વિધિવત રીતે અસ્થિઓનું પૂજન કરી તેને હરિદ્વાર ખાતે શાસ્ત્રોક્ત વિધિ મુજબ વિસર્જન કરવામાં આવે છે. આજે 2500થી વધુ અસ્થિઓનું પૂજન કરવામાં આવ્યું હતું. પૂજન કરેલા અસ્થિઓને હરિદ્વાર ખાતે વિસર્જન કરવામાં આવશે.
ક્લબના કમિટી મેમ્બરો પોતાના ખર્ચે હરિદ્વાર જાય છે
સરગમ ક્લબના ગુણવંતભાઈ ડેલાવાળાએ જણાવ્યું હતું કે, સરગમ ક્લબ સંચાલિત રામનાથપરા સ્મશાનમાં દર વર્ષે એક જાન્યુઆરી અને બીજું જુલાઈ મહિનામાં અસ્થિ પૂજન કરવામાં આવે છે. આ સ્મશાનમાં જે લોકોના અગ્નિસંસ્કાર થયા હોય તે તમામના અસ્થિઓ અમારા ક્લબના કમિટી મેમ્બરો પોતાના ખર્ચે હરિદ્વાર ખાતે વિસર્જન માટે જાય છે. છેલ્લા છ મહિનાની અંદર 2500 જેટલા લોકોના અગ્નિસંસ્કાર કરવામાં આવ્યા છે.
પૂજન પહેલા પરિવારને પત્રથી જાણ કરીએ છીએ
ગુણવંતભાઈએ વધુમાં જણાવ્યું હતું કે, જ્યારે અમે હરિદ્વાર જતા હોઇએ ત્યારે દરેક પરિવારને પત્ર દ્વારા જાણ કરીએ છીએ અને જણાવીએ છીએ કે, તમારા પરિવારજનના અસ્થિ અહીં રાખ્યા છે તો તેનું પૂજન કરવા અહીં આવો. શાસ્ત્રોક્ત વિધિ દ્વારા અસ્થિઓનું પૂજન કરાવીએ છીએ. ઘણા લોકો હરિદ્વાર જઈ શકતા નથી એવી દૃષ્ટિથી પરિવાજનના અસ્થિનું હરિદ્વારમાં વિસર્જન થાય તે માટે પૂજનમાં જોડાઇ છે.
13 જાન્યુઆરીએ હરિદ્વારમાં અસ્થિ વિસર્જન કરીશું
ગુણવંતભાઈએ વધુમાં જણાવ્યું હતું કે, 13 જાન્યુઆરીએ અમે હરિદ્વારમાં અસ્થિઘાટ પર આ અસ્થિઓનું વિસર્જન કરીશું. છેલ્લા 27 વર્ષથી અમે અસ્થિ પૂજન અને વિસર્જનનું કાર્ય કરીએ છીએ. આમાં સરગમ ક્લબના કમિટી મેમ્બરો સાથ સહકાર આપે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.