માહોલ ગરમાયો:દરેકના મુખે એક જ ચર્ચા, ‘રાજકોટમાં શું ભાજપ ચારેય નવા ચહેરા ઉતારશે?’

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રૂપાણીએ ચૂંટણી નહીં લડવાનું જાહેર કરતાં માહોલ ગરમાયો
  • મંત્રી રૈયાણી, ગોવિંદ પટેલ અને સાગઠિયા ત્રણેય કપાશે?

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખ જાહેર થઇ ગઇ છે, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ કેટલીક બેઠકો પર ઉમેદવાર જાહેર કરી દીધા છે, પરંતુ ભાજપ હજુ ઉમેદવારોની પસંદગીમાં રચ્યું પચ્ચું છે, બુધવારે સાંજે દિલ્હીમાં હાઇકમાન્ડની બેઠક મળી હતી અને નામો નિશ્ચિત થઇ ગયા છે, ગમે તે ઘડીએ ઉમેદવારોના નામ જાહેર થવાના છે ત્યારે સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટની ચારેય બેઠક પર નવા ચહેરા જોવા મળશે? કોને ટિકિટ મળશે? કોણ કપાશે સહિતની ચર્ચાઓએ જોર પકડ્યું હતું.

બુધવારે સાંજે દિલ્હીમાં હાઇકમાન્ડની બેઠક મળી તેની ગણતરીની મિનિટ પહેલાં જ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પોતે આગામી ચૂંટણી નહીં લડે તેવી જાહેરાત કરી હતી, ભાજપની સેન્સ પ્રક્રિયા વખતે રૂપાણીએ દાવો કર્યો નહોતો પરંતુ તેના ટેકેદારોએ મજબૂતીથી રૂપાણીનું નામ નિરીક્ષકો પાસે મુક્યું હતું, રૂપાણીએ પણ અગાઉ એવી ઇચ્છા વ્યક્ત કરી હતી કે, પાર્ટી ટિકિટ આપશે તો પોતે ચૂંટણી લડવા ઇચ્છુક છે, ત્યારે બુધવારે સાંજે નાટ્યાત્મક રીતે રૂપાણીએ ચૂંટણી નહીં લડવાનો નિર્ણય જાહેર કરતાં ટિકિટનો મામલો વધુ રસપ્રદ બન્યો હતો.

ચર્ચાતી વિગતો મુજબ વિધાનસભા 68માં મંત્રી અરવિંદ રૈયાણીનું પત્તું કપાઇ રહ્યું છે અને તેમની બેઠક પર કોઇ અન્ય પાટીદાર કે ઓબીસી આગેવાનને ટિકિટ ફાળવવામાં આવશે. વિધાનસભા 70માં સિનિયર ધારાસભ્ય ગોવિંદ પટેલને બદલે ખોડલધામના ટ્રસ્ટી રમેશ ટીલાળા ટિકિટ મેળવવામાં મેદાન મારી જશે તેવા સંકેતો મળી રહ્યાં છે, વિધાનસભા 71 રાજકોટ ગ્રામ્યમાં પણ વર્તમાન ધારાસભ્ય લાખા સાગઠિયાને બદલે કોઇ મહિલા અથવા યુવા ચહેરાને ભાજપ મોકો આપશે તેવા નિર્દેશો મળી રહ્યાં છે.

રૂપાણીએ ચૂંટણી નહીં લડવાનો નિર્ણય જાહેર કરતાં તેને તો પાર્ટી ટિકિટ આપવા ઇચ્છુક નહોતી તેથી નામોની જાહેરાત થાય તે પહેલાં જ રૂપાણીના મોઢેથી ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરાવ્યાનું રાજકીય પંડિતો માની રહ્યાં છે આ સંજોગોમાં તેમની બેઠક પરથી રૂપાણીના અંગત વિશ્વાસુને પણ ટિકિટ નહીં મળે અને બ્રહ્મસમાજ કે વણિક સમાજની વ્યક્તિને ટિકિટ આપવામાં આવશે તેવી ચર્ચાઓ ચગડોળે ચડી હતી.

અન્ય સમાચારો પણ છે...