હુકમ:ગામડામાં ઢોર પકડ માટે નિયમ ફરજિયાત નહીંતર જવાબદાર ઠરશે ગ્રામપંચાયત

રાજકોટ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શહેરી વિસ્તારના 5 કિ.મી. અને હાઈવેના ગામને લાગુ પડશે
  • દંડ નક્કી કરી 5 તારીખથી રસ્તે રઝળતા ઢોર પકડવાનું ચાલુ

રાજકોટના શહેરી વિસ્તારો ઉપરાંત હવે ગ્રામ્ય વિસ્તારમાં પણ રખડતા ઢોર પકડવા માટે ઝુંબેશ શરૂ કરવાનું બ્યૂગલ ફૂંકાયું છે જે માટે પંચાયત અધિનિયમનો હવાલો ટાંકી જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરીએ હુકમ કર્યા છે જેમાં રાજકોટ મહાનગરપાલિકા અને જિલ્લાની અન્ય નગરપાલિકાથી પાંચ કિ.મી.ના હદમાં આવતા તમામ ગામો, તાલુકા મથકો, હાઈવેની નજીકના ગામો તેમજ 5000થી વધુની વસ્તી ધરાવતા ગામોમાં આ નિયમ લાગુ કરાશે અને જો કોઇ ઘટના બને કે ચૂક થાય તો જે તે ગ્રામપંચાયત તેમાં જવાબદાર ઠરશે.

ડીડીઓએ તમામ તાલુકા વિકાસ અધિકારીઓને પંચાયત અધિનિયમ 1993ના પ્રકરણ 8 અનુસાર કાર્યવાહી કરવા સૂચના અપાઈ છે. જેમાં 2 તારીખે શુક્રવારે તલાટીઓએ ગ્રામપંચાયતની સામાન્ય સભા અથવા બેઠક બોલાવવાની રહેશે. આ ઉપરાંત તાલુકા કક્ષાએ તાલુકા વિકાસ અધિકારીએ તાલુકાના પશુપાલન સાથે સંકળાયેલા લોકો અને સંસ્થાઓ સાથે બેઠક કરવાની રહેશે. ગ્રામપંચાયતે જોગવાઇઓના આધારે દંડ પણ નક્કી કરવાનો રહેશે. આ બધી કાર્યવાહી બાદ 5 તારીખથી ઢોર પકડવાની અને દંડ કરવાની કામગીરી શરૂ કરવાની રહેશે અને રોજની કામગીરીનું પત્રક મોકલવાનું રહેશે.

આ કાર્યવાહી રાજકોટ મહાનગરપાલિકાની 5 કિલોમીટરની હદના ગામડાંઓ, નગરપાલિકાની 5 કિલોમીટરની હદના ગામડાંઓ, તાલુકા મથકો, 5000થી વધુ વસ્તી ધરાવતા ગામડાંઓ, નેશનલ હાઈવે અને સ્ટેટ હાઈવે પરના ગામડાંઓમાં આ જોગવાઈની તાત્કાલિક કાર્યવાહી કરવાની રહેશે જો કરવામાં ચૂક થશે તો તેની સંપૂર્ણ જવાબદારી ગ્રામપંચાયતની રહેશે.

અન્ય સમાચારો પણ છે...