રાજકોટ મનપામાં કોઇપણ ગેરરીતિ પકડાય એટલે તેની જવાબદારી લેવામાં શાસકો અને અધિકારીઓ બધા જ નાસી જાય છે. જેનો વિભાગ હોય તેની પણ બોલવામાં ફેં ફાટે છે પણ ક્ષુલ્લક બાબતોમાં જશ ખાટવા સદા તત્પર રહી ક્યારેક વધુ પડતો ઉત્સાહ બતાવી દે છે પણ જવાબદારી લેતા ખચકાય છે.
શાસકોએ જે લખાણ અને ફોટા મોકલ્યા છે તેમાં ઈમુના 3 ફોટા છે
ઝૂમાં 2015માં ઈમુ પક્ષીની એક જોડી રેસ્ક્યુ માટે મોકલાઈ હતી. આ જોડીને વાતાવરણ માફક આવતા 3 બચ્ચાંને જન્મ આપ્યો છે. આ વાત માટે શાસકોએ જે લખાણ અને ફોટા મોકલ્યા છે તેમાં ઈમુના 3 ફોટા છે જેમાંથી બે ફોટા એક સરખા છે એટલે કે મૂળ તો બે ફોટા મોકલ્યા છે જ્યારે શાસકોના 4-4 ફોટા છે. આ શાસકોમાં મેયર ડો. પ્રદીપ ડવ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કર પટેલ, મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા અને ઝૂ સમિતિના ચેરમેન અનિતાબેન ગોસ્વામીનો સમાવેશ થાય છે. જે ઘટના છે તેના માત્ર 2 ફોટો અને બીજાના 4 ફોટા તે સ્વપ્રશસ્તિની હદ ગણી શકાય પણ આ પહેલીવાર નથી જ્યારે પણ ઝૂમાં આવી કોઇ બાબત બને તેમાં શાસકોના ફોટા ચોંટાડી દેવાય છે.
જવાબદાર અધિકારી કે પદાધિકારી પર સવાલો
આવા સમયે એક પ્રશ્ન મહત્વનો થાય કે જ્યારે લોકોને કોઇ અગવડતા પડે કોઇ સમસ્યા સર્જાય પ્રાથમિક સુવિધા ન મળે ત્યારે જેની જવાબદારી હોય છે તે અધિકારી-પદાધિકારી કે તે વિસ્તારના કોર્પોરેટર પોતાના ફોટા અને નામ સાથે કેમ નથી કહેતા કે આ સમસ્યા તેમના વિભાગ કે કાર્યક્ષેત્રની લગતી છે અને તેના માટે તેમની જવાબદારી છે આથી જ્યાં સુધી સમસ્યા રહે ત્યાં સુધી તે વ્યક્તિ જ જવાબદાર ગણી શકાશે. પણ આવુ થતુ નથી અન્ય બેદરકારી, ગેરરીતી કે અસગવડતાઓ અલગ પણ જો પાણીકાપ આવે તો પણ તેમાં જવાબદાર અધિકારી કે પદાધિકારીનું નામ લખાતુ નથી.
જેમાં પ્રસિદ્ધિ હોય તેમાં ગેરરીતિ થાય તો જવાબદારી સ્વીકારશે શાસકો?
ઝૂમાં બચ્ચાનો જન્મ થાય તેમાં ચાર-ચાર શાસકોના ફોટા મૂકીને નામ લખાય છે તો શહેરની રોજબરોજ જે સમસ્યા બને છે જેમ કે પાણી દૂષિત આવવું, રોડમાં ખાડા, રખડતા ઢોરનો ત્રાસ, દબાણ, ટ્રાફિક સમસ્યા, ગટર ઉભરાય, વરસાદી પાણી ભરાય, સ્ટ્રીટલાઈટ કામ ન કરે તેમજ વિકાસના કામોમાં મોડું કે ધીમા કામ થાય તો તેમાં પણ મેયર, સ્ટે. કમિટી ચેરમેન, મ્યુનિસિપલ કમિશનર અને જે તે સમિતિના ચેરમેનની જ જવાબદારી બને પણ તેઓ સ્વીકારશે ખરા?
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.