રાજકોટ જિલ્લા પુરવઠા તંત્રની મીઠી નજર હેઠળ ઘણી ગેરરીતિઓ ચાલે છે જેની ફરિયાદો વધતા ગાંધીનગરથી સ્ટેટ વિજિલન્સની ટીમ રાજકોટ ત્રાટકી હતી અને સડેલા અનાજના સેમ્પલ લીધા હતા. આ મામલે એફપીએસ પ્રમુખ માવજી રાખશિયાએ જણાવ્યું હતું કે સડેલા અનાજનો જથ્થો નિગમના ગોડાઉનમાંથી જ અપાય છે. તુવેરદાળના પ્રશ્ને અગાઉ પણ રજૂઆત કરી હતી પણ કશું થયું ન હતું. પરવાનેદારોને જે જથ્થો અપાય છે તેનું જ વિતરણ કરાય છે પણ પગલાં દુકાનદાર પર લેવાય છે હકીકતે આ મામલે એજન્સી અને ગોડાઉન પર કાર્યવાહી કરવી જોઇએ.
દિવ્ય ભાસ્કરે બે વર્ષ પહેલા ગાંધીગ્રામ વિસ્તારની સસ્તા અનાજની દુકાનમાંથી સડેલા ચણાનો જથ્થો શોધી કાઢ્યો હતો અને પુરવઠા તંત્રની સાથે રેડ કરી હતી. આ જથ્થો વેપારીને ગોડાઉનમાંથી જ પૂરો પાડવામાં આવ્યો હતો પણ પુરવઠા તંત્રએ માત્ર પરવાનેદાર પર કાર્યવાહી કરીને આખા મામલે ફક્ત પરવાનેદાર જ વાંકમાં હોય તેવો રિપોર્ટ બનાવ્યો હતો ગોડાઉનના અધિકારીઓ કે એજન્સી સામે કોઇ પગલાં લેવાયા ન હતા. આવા રહેમરાહને કારણે જ ગોડાઉનમાં થતી ગેરરીતિઓ દિન પ્રતિદિન વધી છે અને આખરે ફરિયાદો વધતા સ્ટેટ વિજિલન્સ ત્રાટકી હતી.
તુવેરદાળ રેશનધારકો નથી લેતા પણ પરવાનેદારોને ધરાર અપાય
ફેર પ્રાઈઝ શોપ એસોસિએશનના હોદ્દેદારોએ જણાવ્યું હતું કે, તુવેરદાળનો જથ્થો રેશનકાર્ડ મુજબ અપાય છે. તુવેરદાળ બધા જ રેશનકાર્ડધારકો લેતા નથી તેથી અમુક જથ્થો વધે છે તેથી તે પરત આપવાનું કહેવાય ત્યારે ગોડાઉનમાં પરત લેવાતો નથી અને ફરીથી પૂરો જથ્થો અપાય છે આ કારણે તુવેરદાળનો સ્ટોક વધતો જ જાય છે અને આખરે નબળી ગુણવત્તા હોવાથી ખરાબ થઈ જાય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.