કાલાવડ રોડ પર આવેલા મેટોડા જીઆઇડીસીમાં શનિવારે સવારે લાગેલી આગમાં પાંચ પરપ્રાંતીય શ્રમિકો દાઝી ગયાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. ગેસ લીક થયા બાદ બીડી સળગાવતા ઘટના બની હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે. લોધિકા તાબેના મેટોડા જીઆઇડીસી ગેટ 2 પાસે આવેલા ત્રણ માળના 40 ઓરડી તરીકે ઓળખાતા બિલ્ડિંગના એક રૂમમાં આજે સવારે આગ ભભૂકી ઊઠી હતી. વહેલી સવારે આગ લાગતાં જ આસપાસ રહેતા શ્રમિકો તેમના ઘરની બહાર નીકળી રોડ પર આવી ગયા હતા.
આ સમયે રૂમમાં રહેલા કમલેશ રાજુશ્યામ શેખવાર, રોહિત હરિશંકર શેખવાર, મંગલીપ્રસાદ શ્રીશ્યામલાલ શેખવાર, મયંક રામલખન શેખવાર, ઉમાશંકર રામલાલ શેખવાર નામના શ્રમિકો દાઝી જતા ચીસો પાડતા પાડતા રૂમમાંથી ભાગીને બહાર રોડ પર આવી ગયા હતા. બનાવને પગલે 108ને જાણ કરતા રોડ પર બેઠેલા પાંચેય દાઝી ગયેલા શ્રમિકને સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. આગના બનાવની જાણ થતા ફાયર બ્રિગેડનો સ્ટાફ મેટોડા દોડી ગયા હતા અને આગ બુઝાવી હતી.
લોધિકા પોલીસને આગ લાગ્યાની અને તેમાં પાંચ શ્રમિક દાઝી ગયાની જાણ થતા રાજકોટ હોસ્પિટલે દોડી ગઇ હતી. સિવિલ હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા શ્રમિકોની પૂછપરછ કરતા પાંચેય મૂળ ઉત્તરપ્રદેશના વતની છે અને હજુ 15 દિવસ પહેલા વતનથી પેટિયું રળવા મેટોડા આવ્યા છે. અને મેટોડામાં આવેલી મેકપાવ કંપનીમાં નોકરીએ જોડાયા હતા.
દરમિયાન શુક્રવારે રાતે નોકરી કરી પાંચેય રૂમ પર આવ્યા હતા. નોકરીએથી આવ્યા બાદ રૂમમાં રસોઇ બનાવી હતી. બાદમાં બધા જમીને સૂઇ ગયા હતા. આ સમયે રસોઇ કર્યા બાદ ગેસનું સિલિન્ડર બંધ કરવાનું રહી ગયું હતું. જેને કારણે આખી રાત સિલિન્ડરમાંથી ગેસ લીકેજ થઇ આખા રૂમમાં ફેલાઇ ગયો હતો. ત્યારે સવારે મયંક જાગી ગયો હોય તેને રૂમમાં જ બીડી સળગાવી હતી. જેને કારણે રૂમમાં ફેલાઇ ગયેલા ગેસથી આગ ભભૂકી ઊઠી હોવાનું પોલીસને જણાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.