લૂંટ:ચાલુ વાહને છરાથી વેપારી વૃદ્ધના થેલાનો પટ્ટો કાપી લૂંટારઓ 70 હજાર લઇ પલાયન

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અમીનમાર્ગ પર બનેલી ઘટના, CCTVના આધારે લૂંટારુઓની શોધખોળ

રાજકોટના અમીનમાર્ગ પર ચાલુ વાહને વેપારી વૃદ્ધના થેલાનો પટ્ટો કાપી લૂંટારુ રૂ.70 હજાર ભરેલી બેગ લૂંટી નાસી ગયા હતા. યુનિવર્સિટી રોડ પરના કૈલાસપાર્કમાં રહેતા વેપારી સુરેશભાઇ ભગવાનજીભાઇ બુદ્ધદેવ (ઉ.વ.70) શનિવારે રાત્રે 9.30 વાગ્યે સ્કૂટર ચલાવીને અમીનમાર્ગ પર પટેલ આઇસક્રીમ નામની દુકાન પાસેથી પસાર થતા હતા ત્યારે પાછળથી ટ્રિપલસવારી બાઇક ધસી આવ્યું હતું. વૃદ્ધે ખભા પર ટીંગાડેલા થેલાના પટ્ટા પર ત્રણ પૈકીના એક શખ્સે ચાલુ બાઇકે છરાથી બેગનો પટ્ટો કાપી નાખ્યો હતો અને પટ્ટો કપાતા જ થેલો લઇ ત્રણેય શખ્સ નાસી ગયા હતા.

લૂંટાયેલા થેલામાં રોકડા રૂ.70 હજાર હોય સુરેશભાઇએ દેકારો કરતા લોકો એકઠા થઇ ગયા હતા અને થોડે સુધી પીછો કર્યો હતો પરંતુ લૂંટારુ ત્રિપુટી નાસી ગઇ હતી. બનાવની જાણ થતાં પોલીસ દોડી ગઇ હતી. સુરેશભાઇએ પોલીસ સમક્ષ જણાવ્યું હતું કે, નવાગામમાં પોતાના ધંધા સ્થળેથી ઘર તરફ જતા હતા અને ધંધાના પૈસા થેલામાં રાખ્યા હતા ત્યારે લૂંટારુઓ વકરાની રકમ લૂંટીને નાસી ગયા હતા. પોલીસે રાબેતા મુજબ લૂંટારુઓની શોધખોળ શરૂ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...