પોલીસની કવાયત:આંગડિયા કર્મીઓ પર હુમલો કરી લૂંટારુ બેલડી સોખડા તરફ ભાગી

રાજકોટ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સીસીટીવી કેમેરામાં કેદ બંને લૂંટારુની ઓળખ મેળવવા પોલીસની કવાયત

શહેરના કેસરી પુલ નીચે આજી નદીના પટ્ટના બેઠા પુલ પર શનિવારે રાત્રે આંગડિયા પેઢીના બે કર્મચારીને રોકીને બે લૂંટારુએ મરચાંની ભૂકી છાંટી છરી અને પથ્થરના ઘા ઝીંકી બે મોબાઇલની લૂંટ ચલાવી હતી. લૂંટારુઓ બેઠાપુલથી બાઇક પર ભાગ્યા હતા અને છેલ્લે સોખડા સુધી તે કેમેરામાં કેદ થયા હતા, પોલીસે ફૂટેજના આધારે લૂંટારુઓની ભાળ મેળવવાના ચક્રો ગતિમાન કર્યા હતા.

મોરબી રોડ પરની ગુરુદેવ સોસાયટીમાં રહેતા અને સોનીબજારના દરબારગઢ વિસ્તારમાં આવેલી પી. ઉમેશચંદ્ર આંગડિયા પેઢીમાં નોકરી કરતાં જિગ્નેશ અરવિંદભાઇ પટેલ (ઉ.વ.28) અને પાવન દશરથભાઇ પટેલ ઉ.વ.29) શનિવારે રાત્રે 8 વાગ્યે આંગડિયા પેઢીથી રૂ.10 લાખની રોકડ લઇ સ્કૂટર પર પોતાના ઘર તરફ જવા નીકળ્યા હતા અને કેસરી પુલ નીચે નદીના બેઠાપુલ પર પહોંચ્યા હતા ત્યારે બે શખ્સે તેને રોકી બંને કર્મચારીની આંખમાં મરચાંની ભૂકી છાંટી દીધી હતી

અને કર્મચારીના હાથમાં રહેલો રોકડા રૂ.10 લાખની રોકડ ભરેલો થેલો લૂંટવાની કોશિશ કરી હતી, આંગડિયા કર્મચારીઓએ પ્રતિકાર કરતાં પાવનને પથ્થરના ઘા ઝીંક્યા હતા અને જિગ્નેશને છરીનો ઘા ઝીંકી બંને પાસે રહેલા મોબાઇલ લૂંટી બંને લૂંટારુ બાઇકમાં નાસી ગયા હતા. લૂંટની ઘટનાને પગલે બી.ડિવિઝન પોલીસ હરકતમાં આવી હતી. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, બંને લૂંટારુ ઘટનાસ્થળથી બાઇક પર પારેવડી ચોક, ત્યાંથી મોરબી રોડ થઇ સોખડા સુધી ભાગ્યા હતા અને ત્યાં સુધીના રસ્તામાં આવેલા સીસીટીવી કેમેરામાં બંને કેદ થયા હતા.

અન્ય સમાચારો પણ છે...