લોકો પરેશાન:હાઈવેથી ડાયવર્ઝન અપાયું તે રોડ પર હવે પેવરકામ, થશે જામ

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પુનિતનગરથી વગડ ચોક સુધીના માર્ગને રિપેર કરવા 5 કરોડ વપરાશે
  • કામ પૂરું થયા બાદ આપવાનું હતું ડાયવર્ઝન, કોન્ટ્રાક્ટરની સુવિધા જોવાઈ

રાજકોટ શહેરમાં ગોંડલ ચોકડીએ ઓવરબ્રિજ બનતો હોવાથી ગોંડલ તરફથી આવતા વાહનો માટે ડાયવર્ઝન અપાયું છે જોકે તેમાં નીતિનિયમો અને લોકોની સલામતીને બદલે માત્રને માત્ર નકશા જોઈને નેશનલ હાઈવે ઓથોરિટીએ રસ્તા કાઢ્યા અને એસપીએ અભિપ્રાય કરતા જિલ્લા કલેક્ટરે જાહેરનામું બહાર પાડી દીધું હતું. ડાયવર્ઝનના બે રસ્તા પૈકી એક રસ્તા પર સમારકામ ચાલુ થયું છે તેથી લોકો હજુ પરેશાન થશે.

કલેક્ટરે જાહેર કરેલા જાહેરનામા મુજબ ભારે વાહનો સિવાયના વાહનો કે જેઓને ગોંડલ તરફથી 150 ફૂટ રિંગ રોડ તરફ જવું છે તેઓએ હાઇવે પરથી પુનિતનગર રોડ પર વળવાનું રહેશે અને ત્યાંથી 80 ફૂટના રોડથી પુનિતનગર ચોક જઈ 150 ફૂટ રિંગ રોડ પર પહોંચી શકશે. આ કારણે ત્યાં હાલ ટ્રાફિક સામાન્ય દિવસો કરતા વધ્યો છે તેવામાં આ જ માર્ગ પર મનપાના પદાધિકારીઓએ પુનિતનગરથી મવડી વગડ ચોક સુધી જતા 80 ફૂટના રોડ પર 5 કરોડના ખર્ચે પેવરકામનું ખાતમુહૂર્ત કર્યું છે.

જે જગ્યાએ પહેલાથી ડાયવર્ઝન છે ત્યાં પેવરકામ થતા ફરી રસ્તો બંધ કરશે તેથી વાહનચાલકોને ટ્રાફિક જામનો સામનો કરવો પડશે. હકીકતે નેશનલ હાઈવે ઓથોરિટી અને મનપાએ ડાયવર્ઝન કાઢતા પહેલા જ આ જર્જરિત રોડ રિપેર કરવાની જરૂર હતી જેથી લોકો પરેશાન ન થાય પણ બ્રિજના કોન્ટ્રાક્ટરને ઝડપથી રોડ બંધ કરી કામ કરવા માટે લોકોની કોઇ પણ પ્રકારની ચિંતા કરાઈ નથી.

અન્ય સમાચારો પણ છે...