કુંવરજીના બાવળ જેવા પ્રશ્ન:વીંછિયામાં રોડ ખરાબ છે, કામ અધવચ્ચે છોડી દીધું કારણ?

રાજકોટ21 દિવસ પહેલા
 • કૉપી લિંક
કુંવરજી બાવળિયાની ફાઈલ તસ્વીર - Divya Bhaskar
કુંવરજી બાવળિયાની ફાઈલ તસ્વીર
 • ખરાબ રોડ માટે શરૂ કરેલી હેલ્પલાઈનથી કશો જ ફરક નથી પડ્યો
 • કોંગ્રેસમાં હતા તેવા મુદ્દા મંત્રી પદ ગયા પછી ફરી ઉઠાવ્યા

રાજકોટ જિલ્લાની ફરિયાદ સંકલનની બેઠક 20મીએ મળનારી છે. આ બેઠક પણ તાજેતરમાં મળનારી બેઠકો જેવી શુષ્ક રહે તેવી તંત્રને આશા હતી પણ અચાનક કુંવરજી બાવળિયાના એક બે નહિ પણ 50થી વધુ પ્રશ્નનો મારો આવતા તંત્રમાં દોડધામ મચી ગઈ છે.

આ તમામ પ્રશ્નો પૈકી અમુક એવા આકરા છે કે સરકારની જ કામગીરી નબળી બતાવે છે. બાવળિયા કોંગ્રેસમાંથી ચૂંટાયેલા ધારાસભ્ય હતા ત્યારે ફરિયાદ સંકલનની બેઠકમાં પ્રશ્નો લાવીને રીતસર અધિકારીઓને ખખડાવી નાખતા હતા પણ ભાજપમાં ભળ્યા બાદ તંત્ર સામે પ્રશ્ન કરવાનો કોઇ મુદ્દો જ ન હતો. તેથી અન્ય ધારાસભ્યોની જેમ બાવળિયા પણ હવે પ્રશ્નો નહિ કરે તેમ બધાને લાગતું હતું જોકે મંત્રીપદ ગુમાવ્યા બાદ બાવળિયા ફરી જૂના મૂડમાં આવ્યા છે.

બાવળિયાએ તંત્રને પ્રશ્નો કરી સીધું સરકાર પર નિશાન તાક્યું છે. કારણ કે, સરકારે ચોમાસા બાદ ખરાબ રોડ રિપેર કરવાની જાહેરાત કરી હતી પણ આ અભિયાન બીજી જગ્યા તો દૂર ધારાસભ્યના જ વિસ્તારમાં કામ આવ્યું નથી અને અડધેથી છોડી મૂકવા જેવી ગંભીર બાબત હોવાથી તેમણે ફરિયાદ સંકલનમાં મુદ્દો લેવો પડ્યો છે. તેઓએ પૂછ્યું છે કે વીંછિયા રોડની સપાટી અતિ ખરાબ છે, કામ અધવચ્ચેથી છોડી દીધું છે, ડામર સપાટી કરવામાં આવતી નથી કારણ? આ રીતના થોકબંધ પ્રશ્ન કરીને તેમણે વહીવટી તંત્ર સામે નિશાન તાકી સીધો સરકારની કામગીરી પર જ પ્રહાર કર્યો છે. આ પ્રશ્નો તંત્રને એટલા ખૂંચ્યા છે કે તેના જવાબ માટે દોડાદોડી શરૂ કરી દીધી છે.

બાવળિયાએ પૂછેલા પૈકી અમુક પ્રશ્નો

 • શિવરાજપુરમાં માધ્યમિક શાળાના બાંધકામ માટે જમીન મેળવવા લાંબા સમયથી પ્રયત્નો ચાલે છે, સાર્વજનિક પ્લોટનો ઠરાવ ડીડીઓને મોકલ્યો, ઉકેલ નથી આવતો કારણ?
 • વીંછિયા તાલુકાના ગામોમાં ધારાસભ્ય ગ્રાન્ટમાંથી પિંજરા મૂકવા ગ્રાન્ટ ફાળવી પણ લાંબા સમયથી આ કામગીરી હાથ નથી ધરાઈ કારણ?
 • વીંછિયા અને જનડા ગામે રમતગમતનું મેદાન ફાળવવા દરખાસ્ત થઈ, ગ્રામપંચાયતનો ઠરાવ પણ થયો છે ઉકેલ નથી આવતો કારણ?
 • જસદણ સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલને જમીન ફાળવણી કરવા વારંવાર ધ્યાન પર મૂકવા છતાં કાર્યવાહી થતી નથી કારણ?
 • પ્રધાનમંત્રી આવાસ યોજના, દીનદયાળ આવાસ યોજનાના લાભાર્થીઓ પાત્રતા ધરાવતા છતાં કેટલાકને રાવળા હક્કમાં જૂના મકાન નહિ ચડાવવાથી લાભ આપી શકાતા નથી કારણ?
 • આટકોટ આરોગ્ય કેન્દ્રમાં કમ્પાઉન્ડ વોલ ન હોવાથી દબાણ થતું જાય છે, પીએચસીની જગ્યા નક્કી કરી દીવાલ બનાવાતી નથી કારણ?
 • વીંછિયા ગામે ગામતળ નીમ કરી જરૂરિયાતમંદોને પ્લોટ અપાતા નથી કારણ?
 • ભાડલા, દહીંસર અને બોઘરાવદરમાં ગામતળ નીમ કરવાની કાર્યવાહી થતી નથી કારણ?
 • વીંછિયા તાલુકાના થોરિયાળી, પીપરડી ગામના રસ્તાનું કામ અધવચ્ચેથી છોડી દીધું છે, સપાટી અતિ ખરાબ છે પણ રિકાર્પેટ કે ડામરકામ કરાતું નથી કારણ?
અન્ય સમાચારો પણ છે...