મેટોડામાં રહેતા મનીષ નાથાભાઇ વાઢેર (ઉ.વ.25)ને બુધવારે મધરાતે ઇજાગ્રસ્ત હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. મનીષ વાઢેરે પોલીસ સમક્ષ કહ્યું હતું કે, પોતે કોડીનારનો વતની છે અને મેટોડામાં રહી કમ્પ્યૂટર રિપેરિંગનું કામ કરે છે, વતન કોડીનાર જવા બુધવારે રાત્રે મેટોડાથી રાજકોટ આવ્યો અને હોસ્પિટલ ચોકથી જંક્શન રેલવે સ્ટેશને જવા રૂ.20ના ભાડેથી રિક્ષા કરી હતી, રિક્ષામાં અગાઉથી એક શખ્સ બેઠો હતો.
જંક્શન રેલવે સ્ટેશને પહોંચતા મનીષે ભાડું ચૂકવવા માટે ખિસ્સામાંથી પાકીટ કાઢી રૂ.20 ચાલકને આપતા તેની નજર પાકીટમાં રહેલી રોકડ પર પડતાં તેની દાનત બગડી હતી અને ભાડાના રૂ.200 માગ્યા હતા. યુવકે રૂ.20 જ ભાડા પેટે નક્કી થયાનું કહેતા રિક્ષામાં અગાઉથી બેઠેલા શખ્સે મનીષને માથામાં પાઇપ મારી દીધો હતો, અને રિક્ષાચાલકે છરી જેવા હથિયારથી યુવકને માથા, નાક અને હાથમાં ઇજા પહોંચાડી હતી અને મનીષના હાથમાં રહેલું રોકડ રૂ.8300 ભરેલું પાકીટ, ચાર કપડાં સહિતનો થેલો અને મોબાઇલ લૂંટી લીધો હતો.
મનીષે દેકારો કરતાં બંને શખ્સ લૂંટનો મુદ્દામાલ લઇ નાસી ગયા હતા, થોડીવાર બાદ અન્ય લોકો એકઠા થઇ ગયા હતા, અને મનીષને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડ્યો હતો. પોલીસે મનીષ વાઢેરની ફરિયાદ પરથી રિક્ષાચાલક અને તેની સાથેના શખ્સ સામે લૂંટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી બંનેની શોધખોળ શરૂ કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.