ડૉ. બાબાસાહેબ આંબેડકર યુનિવર્સિટીના સત્તાધીશો દ્વારા સરકારના શિક્ષણ વિભાગને ઉઠાં ભણાવવાનો અને પંચાયત પસંદગી મંડળને મામા બનાવવાનો સિલસિલો હજુ ચાલુ જ છે. આંબેડકર યુનિવર્સિટીના સત્તાધીશોએ ન માત્ર સરકારના બે વિભાગને મામા બનાવ્યા પરંતુ યુજીસી અને પેરામેડિકલ કાઉન્સિલના નિયમોનું પણ ઉલ્લંઘન કર્યું છે.
જેની મંજૂરી વિના દેશની કોઈપણ યુનિવર્સિટી કોઈપણ ઓપન કે ડિસ્ટન્સ લર્નિંગ કોર્સ ચલાવી શકતી નથી તે યુજીસીના નિયમોનું પણ ઉલ્લંઘન કર્યું છે અને બીજી બાજુ જે કાઉન્સિલના નિયમો વિરુદ્ધ પેરામેડિકલના કોર્સ ચલાવી શકાતા નથી તે ઇન્ડિયન પેરામેડિકલ કાઉન્સિલના નિયમોનું પણ ડૉ. આંબેડકર યુનિવર્સિટીએ પાલન કર્યું નથી. બીજી બાજુ પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા જ્યારે 1 ફેબ્રુઆરી-2023ના રોજ ડૉ. આંબેડકર યુનિવર્સિટીના રજિસ્ટ્રારને સંબોધીને પત્ર મોકલ્યો હતો તેમાં પણ બોર્ડે સ્પષ્ટ દર્શાવ્યું છે કે મલ્ટિપર્પઝ હેલ્થ વર્કર (પુરુષ) સંવર્ગનું કાર્યક્ષેત્ર પેરામેડિકલ હોય અને તે માટે શૈક્ષણિક લાયકાત ડિપ્લોમાં ઇન હેલ્થ સેનિટરી ઇન્સ્પેક્ટર કોર્સ એ પેરામેડિકલ કોર્સ ગણાતો હોય જેની સ્પષ્ટતા મોકલવા કહ્યું હતું.
તાજેતરમાં જ ડૉ. આંબેડકર યુનિવર્સિટીના રજિસ્ટ્રાર દ્વારા પંચાયત બોર્ડને આપેલા જવાબમાં ખૂદ લેખિતમાં કહ્યું છે કે ડૉ. આંબેડકર યુનિવર્સિટી દ્વારા ચલાવવામાં આવતો ડિપ્લોમાં હેલ્થ સેનિટરી ઇન્સ્પેક્ટર કોર્સ પેરામેડિકલ કક્ષાનો નથી. રજિસ્ટ્રાર પોતે જ લેખિતમાં કહે છે કે તેમનો કોર્સ પેરામેડિકલનો નથી, જ્યારે પંચાયત બોર્ડની ભરતી પેરામેડિકલ માટેની હતી તો શા માટે 13 માર્ચે 1866 ઉમેદવારોનું મેરિટ જાહેર કરી દીધું તે પણ મોટો સવાલ ઉભો થયો છે.
આંબેડકર યુનિ.ના અનેક છાત્રની ભરતી
પંચાયત પસંદગી બોર્ડની MPHWની ભરતી મુદે્ વિદ્યાર્થીઓએ કહ્યું હતું કે આ ભરતીમાં ભાગ લેનાર અનેક ઉમેદવારો આંબેડકર યુનિવર્સિટીમાંથી એસ.આઈનો કોર્સ કરેલા છે. હવે જો આ કોર્સ માન્ય જ ન હોય તો તેમની જગ્યાએ જે રેગ્યુલર SIનો કોર્સ કરીને ભરતીમાં પરીક્ષા આપી છે તેમને લાભ મળી શકે.
અન્ય વિદ્યાર્થીઓ કાયદાકીય લડત માંડશે
ડૉ. આંબેડકર યુનિવર્સિટીમાંથી ઘેરબેઠા SIનો કોર્સ કરેલા છે. જેના કારણે રેગ્યુલર આ કોર્સ કરનાર અનેક વિદ્યાર્થીઓ ભરતીથી વંચિત રહી ગયા છે. આ મામલે હવે રેગ્યુલર એસ.આઈનો કોર્સ કરનાર કેટલાક વિદ્યાર્થીઓ ભેગા મળીને આ મામલે કોર્ટમાં કેસ દાખલ કરી કાયદાકીય લડત આપવાના હોવાનું જાણવા મળ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.