તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:સગીરા પર દુષ્કર્મ આચરનાર રંગીન મિજાજી, યુવતીઓ સાથે કરતો હતો ચેટિંગ

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • આરોપીના મોબાઇલમાંથી 15 યુવતીના ફોટા મળ્યા, કોલ ડિટેઇલ પર પોલીસે તપાસ કેન્દ્રિત કરી.
  • આરોપી યુવતીઓ પાસે લોહીનો વેપાર કરાવતો હોવાની દૃઢ શંકા

શહેરના સદર વિસ્તારમાં હોટેલમાં સગીરાને અઢી મહિના રાખી તેના પર દુષ્કર્મ આચરવાના મામલામાં ઝડપાયેલો આરોપી 45 વર્ષનો આધેડ રંગીન મિજાજી હોવાનો ધડાકો થયો હતો, આરોપીના મોબાઇલમાંથી 15થી વધુ યુવતીઓના ફોટા અને ચેટિંગ મળી આવતા તે યુવતીઓ પાસે લોહીનો વેપાર કરાવતો હોવાની શંકા દૃઢ બની છે.

સદરમાં આવેલી હોટેલ પાર્ક ઇનમાં ગત તા.16ના મહિલા પોલીસે દરોડો પાડી હોટેલના એક રૂમમાંથી 17 વર્ષની સગીરાને મુક્ત કરાવી હતી. સગીરાએ એક તબક્કે પોલીસને કહ્યું હતું કે, તે તેના પ્રેમી સંતોષ સાથે રહેતી હતી અને તેની સાથે લગ્ન કરવાની છે, જોકે તા.22ના સગીરાની માતાએ સંતોષ હરીસિંગ કુશવાહ (ઉ.વ.45) સામે મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી જેમાં સગીરાને પ્રેમજાળમાં ફસાવી અપહરણ કરી તેના પર દુષ્કર્મ આચર્યાનું દર્શાવ્યું હતું. પોલીસે પોક્સો સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.

પોલીસે અલીગઢના માદ્રક ગામમાંથી સંતોષ કુશવાહને ઝડપી લઇ રિમાન્ડ પર લીધો હતો. ત્રણ સંતાનનો પિતા સંતોષ સગીરાને હોટેલમાં એકલી મૂકીને વતનમાં તેની પુત્રીના લગ્નમાં ગયો હતો, જોકે લગ્ન યોજાય તે પહેલા જ પોલીસે તેને ઝડપી લીધો હતો. પોલીસે સંતોષ કુશવાહનો મોબાઇલ ચેક કરતાં તેમાંથી 15થી વધુ યુવતીઓના ફોટા અને ચેટિંગ મળી આવ્યા હતા, જે પ્રકારના ફોટા અને ચેટિંગ હતા તેના પરથી સંતોષ કુશવાહ યુવતીઓ પાસે લોહીનો વેપાર કરાવતો હોવાની પોલીસને દૃઢ શંકા છે.

સંતોષ કુશવાહે પોલીસ સમક્ષ એવી પણ કેફિયત આપી હતી કે, પોતે પણ સગીરાને પ્રેમ કરતો હતો અને તેની સાથે બીજા લગ્ન કરવાનો હતો, જોકે સંતોષના મોબાઇલમાંથી મળેલા અન્ય યુવતીના ફોટા, તેની વાતચીત પરથી સંતોષે સગીરાને પણ બદઇરાદે પ્રેમજાળમાં ફસાવી હોય તેવી શંકાઓ ઊઠી છે, પોલીસે આ મામલે તપાસ કરવા માટે આરોપી સંતોષના મોબાઇલનું કોલ ડિટેઇલ મગાવ્યું છે અને કોલ ડિટેઇલ આવ્યા બાદ તે કઇ યુવતી સાથે કેટલી વખત વાત કરતો હતો સહિતની બાબતની પોલ ખૂલવાની આશા સેવાઇ રહી છે.

આરોપીએ હોટેલમાં સગીરાના નામે આપેલો ઓળખનો પુરાવો ભત્રીજીનો હોવાનું રટણ
સંતોષ કુશવાહ સગીરાને હોટેલમાં લઇ ગયો હતો ત્યારે સગીરાના નામનું એક ઓળખકાર્ડ આપ્યું હતું, પોલીસ તપાસમાં તે ઓળખકાર્ડ સગીરાનું નહીં હોવાનું ખુલ્યું હતું. પોલીસે આ મામલે પૂછપરછ કરતાં તે ઓળખકાર્ડ સગીરાનું નહીં પરંતુ તેની ભત્રીજીનું હોવાની આરોપીએ કેફિયત આપી હતી, જોકે ખરેખર તેની ભત્રીજીનું જ છે કે અન્ય કોઇ યુવતીનું તે દિશામાં પણ પોલીસે તપાસ શરૂ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...