કડકડતી ઠંડી સામે રક્ષણ:રાજકોટ ઝૂમાં સિંહના શેલ્ટરમાં બારી-દરવાજે પૂંઠા અને પ્લાયનો ઉપયોગ, સાપના શેલ્ટરમાં ધાબળાના ટૂંકડા અને માટલાની અંદર લેમ્પ કરી હૂંફ અપાઇ છે

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ઠંડીથી બચાવવા સિંહો માટે પ્લાય અને પૂંઠાનો ઉપયોગ કરવામાં આવ્યો - Divya Bhaskar
ઠંડીથી બચાવવા સિંહો માટે પ્લાય અને પૂંઠાનો ઉપયોગ કરવામાં આવ્યો
  • શિયાળાની ઋતૂમાં માંસાહારી પ્રાણીઓના ખોરાકમાં 15 ટકાનો વધારો
  • સરિસૃપ પ્રજાતિમાં શિયાળાની ઋતુ દરમિયાન ખોરાકમાં ઘટાડો નોંધાયો​​​​​​​

હાલ રાજકોટ પ્રાણીઉદ્યાન ખાતે જુદી જુદી 57 પ્રજાતિઓનાં કુલ 456 વન્યપ્રાણી-પક્ષીઓ છે. આ તમામ પ્રાણી-પક્ષીઓને જુદી જુદી ઋતુઓમાં વાતાવરણની કોઇ આડઅસર ન થાય અને તમામની તંદુરસ્તી જળવાય રહે તે માટે દર વર્ષે ઋતુ અનુસાર ખાસ તકેદારી રાખવામાં આવે છે. હાલ શિયાળાની ઋતુ ચાલતી હોય છેલ્લા બે દિવસથી ઠંડીનું પ્રમાણ વધ્યું છે. આથી ઝૂ ખાતેના તમામ પ્રાણી-પક્ષીઓ માટે તેઓની પ્રકૃતી અનુસાર ઠંડીથી રક્ષણ આપવાની વ્યવસ્થા કરવામાં આવી છે. ઝૂમાં સિંહના નાઇટ શેલ્ટરના બારી-દરવાજે પૂંઠા અને પ્લાયનો ઉપયોગ કરવામાં આવ્યો છે જેથી ઠંડા પવન અટકાવી શકાય છે. તેમજ સાપના શેલ્ટરમાં ધાબળાના ટૂંકડા અને માટલાની અંદર લેમ્પ કરી હૂંફ અપાઇ છે.

વિવિધ પ્રજાતિના વન્યપ્રાણી અને પક્ષીઓ માટે આવી સુવિધા કરાઇ​​​​​​​

  • સિંહ, વાઘ, દિપડા, રીંછ વગેરે મોટા પ્રાણીઓને ઠંડીથી રક્ષણ આપવા માટે રાત્રિ દરમિયાન નાઇટ શેલ્ટરના તમામ બારી-દરવાજે કંતાન, લાકડાની પ્લાય તથા પુંઠાનો ઉપયોગ કરી બંધ કરવામાં આવે છે. જેથી ઠંડા પવનને પ્રવેશતો અટકાવી શકાય.
  • ચિત્તલ, સાબર, કાળિયાર, હોગ ડીયર વગેરે તૃણાહારી પ્રાણીઓના પાંજરામાં સૂકા ઘાસની પથારી કરવામાં આવે છે. જેથી રાત્રિ દરમિયાન પ્રાણીઓ સૂકા ઘાસ ઉપર બેસી હૂંફ મેળવી ઠંડી જમીનથી રક્ષણ મેળવે છે.
  • સરિસૃપ કુળના તમામ પ્રકારના સાપના નાઇટ શેલ્ટરમાં ધાબળાના ટૂંકડા તથા ખાસ પ્રકારના કાણાંવાળા માટલાની અંદર ઇલેક્ટ્રિક લેમ્પ ગોઠવવામાં આવ્યા છે. આથી માટલું ગરમ થાય છે અને સાપ પોતાના શરીરનું તાપમાન સમતુલીત કરવા માટે માટલાની બહારના ભાગે વિંટળાઇ જાય છે. જ્યારે માર્શ મગર અને ઘરીયાલ જેવા મોટા પ્રાણીઓ માટે વિશાળ ઊંડા પાણીના પોન્ડ હોય રાત્રિ દરમિયાન ઠંડીમાં શરીરનું તાપમાન સમતુલીત કરવા પાણીના તળીયે બેસી રહે છે.
  • તમામ પ્રકારના વાંદરાઓ માટે નાઇટ શેલ્ટરનાં બારી-દરવાજાને કંતાન તથા પૂંઠાથી બંધ કરવામાં આવે છે અને રૂમની અંદર બેસવા માટે લાકડાના પટીયા ગોઠવવામાં આવ્યા છે.
  • નાના પ્રાણીઓ માટે નાઇટ શેલ્ટરમાં ખાસ પ્રકારની ગુફા બનાવવામાં આવી છે અને બારી-દરવાજાને કંતાન તથા પૂંઠાથી બંધ કરવામાં આવે છે.
  • જુદી જુદી પ્રજાતિઓના પક્ષીઓને ઠંડીથી રક્ષણ આપવા માટે પાંજરાના ફરતે ગ્રીન નેટ તથા ઉપરના ભાગે સૂકુ ઘાસ પાથરવામાં આવે છે. આ ઉપરાંત પક્ષીઓના પાંજરામાં રાત્રી દરમિયાન બેસવા માટે ખાસ પ્રકારના લાકડાના બોક્સ તથા માટલા ગોઠવવામાં આવ્યા છે. જેની અંદર લાકડાનો છોલ તથા સૂકુ જીણું ઘાસ પાથરવામાં આવે છે. જેનો પક્ષીઓ બ્રિડિંગમાં પણ ઉપયોગ કરે છે.
સરિસૃપ પ્રજાતિઓને કાણાવાળા માટલામાં લેમ્પ ગોઠવવામાં આવ્યા.
સરિસૃપ પ્રજાતિઓને કાણાવાળા માટલામાં લેમ્પ ગોઠવવામાં આવ્યા.

માંસહારી પ્રાણીઓના ખોરાકમાં 15 ટકાનો વધારો
આ ઉપરાંત શિયાળાની ઋતુ દરમિયાન સિંહ, વાઘ, દિપડા તેમજ તમામ પ્રજાતીનાં નાના-મોટા માંસાહારી પ્રાણીઓમાં ખોરક વધી જતા હાલ ખોરાકમાં 10થી 15 ટકા જેટલો વધારો કરવામાં આવ્યો છે. જ્યારે તૃણાહારી પ્રાણીઓમાં પણ ખોરાકમાં વધારો થતા લિલોચારો ઉપરાંત સૂકુ ઘાસ આપવામાં આવે છે. ઉપરાંત મગર, ઘરીયાલ, સાપ વગેરે સરિસૃપ પ્રજાતિના પ્રાણીઓમાં શિયાળાની ઋતુ દરમિયાન ખોરાકમાં ઘટાડો નોંધાયો છે.

હરણોને બેસવાની જગ્યા પર સૂકુ ઘાસ પાથરવામાં આવ્યું.
હરણોને બેસવાની જગ્યા પર સૂકુ ઘાસ પાથરવામાં આવ્યું.

રાજકોટ ઝૂમાં 7.25 લાખ લોકો વર્ષે મુલાકાત લે છે
રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત રાજકોટ પ્રાણી ઉદ્યાનનો સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના માર્ગદર્શન મુજબ આધુનિક ઢબે વિકાસ કરાતા રાજકોટ ઝૂ હાલ સૌરાષ્ટ્રનાં પ્રવાસીઓ માટે ફરવા માટેનું ઉત્તમ સ્થળ બની ગયું છે. જાહેર રજા તથા તહેવારોના દિવસો દરમિયાન ઝૂ ખાતે મોટી સંખ્યામાં મુલાકાતીઓ પાર્કની મુલાકાતે આવતા હોય છે. દર વર્ષે અંદાજીત 7.25 લાખ મુલાકાતીઓ ઝૂની મુલાકાતે આવે છે.

સિંહના નાઇટ શેલ્ટરના બારી-દરવાજે કંતાન બાંધવા આવ્યા.
સિંહના નાઇટ શેલ્ટરના બારી-દરવાજે કંતાન બાંધવા આવ્યા.