રાજકોટ એરપોર્ટ તંત્રની બેદરકારી:મુંબઈથી આવેલા મુસાફરોને રન-વે પર રઝળાવ્યા તો ગોવા જનારા મુસાફરોને 4 કલાક વેઇટિંગમાં રાખ્યા બાદ કહ્યું, ‘હવે ફ્લાઇટ કેન્સલ!’

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
મુસાફરોને રન-વે પર જ ઉતારી દેવાયા. - Divya Bhaskar
મુસાફરોને રન-વે પર જ ઉતારી દેવાયા.
  • ગોવા જનારા 60 મુસાફરને 4 કલાક સુધી રઝળાવ્યા
  • ટેક્નિકલ ક્ષતિને કારણે રાજકોટ-ગોવાની ફ્લાઇટ ટેક ઓફ ન થઈ
  • સાંજની ફ્લાઈટ પણ 1.15 મિનિટ મોડી પડી, 12 દિવસમાં બીજી વખત 110 મુસાફર હેરાન

રાજકોટ એરપોર્ટ પર બુધવારે બપોરે 2.00 કલાકે રાજકોટથી ગોવા જતી સ્પાઈસ જેટની ફ્લાઇટમાં ટેક્નિકલ ક્ષતિ સર્જાતાં કેન્સલ થઈ હતી, જેને કારણે ઈન્ડિગોની મુંબઈની ફ્લાઈટ પણ મોડી પડી હતી. તો બીજી તરફ મુંબઈથી રાજકોટ આવેલા મુસાફરોને રન-વે પર જ ઉતારાયા હતા.

સ્પાઈસ જેટની ફ્લાઇટમાં ગોવા જનારા 60 મુસાફરને 4 કલાક સુધી રઝળાવ્યા બાદ એરલાઈન્સે કહ્યું, હવે ફ્લાઈટ ટેક ઓફ નહીં થાય તો સાંજે ગોવા જતી ફ્લાઇટ પણ એના નિયત સમય કરતાં મોડી હતી, જેને કારણે સાંજે મેડિકલ ચેકઅપ માટે હૈદરાબાદ જનારા યાત્રિકો હેરાન થયા હતા. સાંજની ફ્લાઈટ પણ એના નિયત સમય કરતાં 1.15 કલાક મોડી પડી હતી.

સામાન્ય રીતે ગોવાની ફ્લાઈટ બપોરે 2.00 કલાકે ટેક ઓફ થાય છે અને હૈદરાબાદ અને ત્યાંથી ગોવા જાય છે, પરંતુ બુધવારે ઉડાન પૂર્વે જ એરક્રાફ્ટમાં ટેક્નિકલ ક્ષતિ સર્જાઈ હતી, જેથી એ પાર્કિંગ પર પડી હતી. બે કલાકની મથામણ બાદ ફ્લાઇટ રિપેર ન થતાં એને આખરે કેન્સલ કરવી પડી હતી. જોકે એરલાઈન્સે આ અંગેની જાણ મુસાફરોને કરી નહોતી, જેને કારણે મુસાફરો સાંજના 6.00 સુધી રાહ જોઇને બેઠા હતા. આ સિવાય સ્પાઈસ જેટની સાંજની 7.45ની ફ્લાઈટ પણ લેટ ટેક ઓફ થઈ હતી, જેને કારણે યાત્રિકોમાં કચવાટ જોવા મળ્યો હતો.

કનેક્ટેડ ફ્લાઈટના યાત્રિકોને સૌથી વધુ મુશ્કેલી પડી
સાંજે હૈદરાબાદ- ગોવા જનારી ફ્લાઇટ મોડી હોવાથી જેમને કનેક્ટેડ ફ્લાઇટ કે ટ્રેન હતી તેમને સૌથી વધુ મુશ્કેલી પડી હતી. આ અંગે યાત્રિક રાજેન્દ્રભાઈ સોનીએ જણાવ્યું હતું કે તેઓ સમયસર એરપોર્ટ પર આવી ગયા હતા, પરંતુ સાંજના 8.00 સુધી ફ્લાઇટ ટેક ઓફ થઈ નહોતી. એની સાથે આવેલી 81 વર્ષની માતાને રાહ જોવી પડી હતી.