કોલસાની અછત:રાજકોટના કારખાનામાં કોલસાનો વપરાશ મહિને 8 હજાર ટનથી વધુ, માત્ર 50% જ જથ્થો મળે છે

રાજકોટ2 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • પેમેન્ટ એડવાન્સમાં પણ ઓર્ડર લખાવ્યા બાદ ડિલિવરી એક મહિના પછી મળી રહી છે

કોલસાની અછતને કારણે તેનો ભાવવધારો થઇ રહ્યો છે. આ ભાવવધારો અને તેની અછતથી રાજકોટના કાસ્ટિંગના 300 સહિત કુલ 1 હજાર એકમો પ્રભાવિત થયા છે. રાજકોટમાં કાસ્ટિંગ, ફોર્જિંગ, એન્જિનિયરિંગ સહિતના ઔદ્યોગિક એકમોમાં કોલસાનો વપરાશ દર મહિને અંદાજિત 8 હજાર ટન છે.

હાલમાં જરૂરિયાતની સામે માત્ર 50 ટકા જ ડિલિવરી મળી રહી છે. ઓર્ડર લખાવતી વેળાએ એડવાન્સ પેમેન્ટ આપી દેવું પડે છે, પરંતુ ડિલિવરી એક મહિના બાદ મળે છે. તેમ રાજકોટ એન્જિનિયરિંગ ઉદ્યોગના ડિરેક્ટર બ્રિજેશભાઈ દુધાગરા જણાવી રહ્યા છે. કોલસા અને રો-મટિરિયલ્સના ભાવ વધ્યા છે પરંતુ આમ છતાં રૂ. 80 કરોડથી વધુ રકમના ઓર્ડરનો વેપાર જૂની રકમ મુજબ થશે. તેવો અંદાજ નિકાસકારો અને ઉદ્યોગકારો સેવી રહ્યા છે. હાલ દિવાળીમાં એકમો બંધ રાખવા પોષાય એમ નથી.

વધુમાં તેના જણાવ્યાનુસાર કોલસા, રો-મટિરિયલ્સના ભાવવધારા અને અછતની જો આવી જ પરિસ્થિતિ રહી તો દિવાળી સમયે જ તેની અસર આવશે. પ્રોડક્શન કોસ્ટ ઊંચી જશે અને ઉત્પાદન ઘટી જશે. ફરજિયાત પણે કારખાના બંધ રાખવા પડશે. જેની અસર કર્મચારીની રોજીરોટી પર પણ દેખાશે.

જ્યારે એક્સપોર્ટના ઓર્ડર લેવામાં આવ્યા હતા ત્યારે રો-મટિરિયલ્સનો ભાવ આટલો હતો નહિ. જ્યારે છેલ્લા એક મહિનામાં રો-મટિરિયલ્સના ભાવમાં વધારો આવી ગયો છે. આ ભાવવધારો આવી ગયા બાદ પ્રોડક્શન કોસ્ટ ઊંચી જાય તો પણ એ ભાવ વધારાનો લાભ મળી ન શકે. આમ, બન્ને બાજુથી ઉદ્યોગકારોને આર્થિક માર લાગે તેવી પરિસ્થિતિ હાલમાં સર્જાઈ છે.

વધતા જતા ભાવને કારણે ઉદ્યોગકારો એક મંચ પર
છેલ્લા કેટલાક સમયથી રો-મટિરિયલ્સના ભાવ વધી રહ્યા છે. જે અનુસંધાને રાજકોટના ઉદ્યોગકારોની એક બેઠક મળી હતી. આ બેઠકમાં ભાવવધારા અંગે સરકારનું ધ્યાન દોરવાનું નક્કી થયું હતું. મિટિંગમાં ઉદ્યોગકારોએ એવી માગણી ઉઠાવી હતી કે, કોલસાના ભાવવધારાને કારણે કાસ્ટિંગના ભાવમાં રૂ. 3 કિલો દીઠ, એલોઇ પ્રોડક્ટમાં રૂ. 2, આયર્ન મટિરિયલ્સમાં રૂ. 6.50 લેખે, અને રેઝિનમાં રૂ.4 કિલો દીઠ ભાવવધારો થવો જોઇએ. જો આ ભાવવધારો નહિ થાય તો આગામી દિવસોમાં ઉદ્યોગકારોને ટકવું મુશ્કેલ બની રહેશે.

પીગ આયર્નના ભાવમાં 17,169 નો ભાવવધારો
રાજકોટના ઉદ્યોગમાં પીગ આયર્નનો વપરાશ પણ થાય છે. આમાં પણ ભાવવધારો આવ્યો છે. જેને કારણે રાજકોટના તમામ ઉદ્યોગોને આ ભાવવધારા સામે ટકવું મુશ્કેલ બની રહ્યું છે. રાજકોટમાં વપરાતા પીગ આયર્નનો ભાવ જુલાઇ 2020 માં રૂ. 38,645 હતો તેનો ભાવ સપ્ટેમ્બર 2021 માં રૂ. 55,814 થયો છે.

અન્ય સમાચારો પણ છે...