કોરોના મહામારી દરમિયાન ટ્રેનમાં ભીડ અટકાવવા રેલવે પ્રશાસને તમામ ટ્રેનને મેલ-એક્સપ્રેસ જાહેર દીધી હતી. લોકલ ટ્રેનમાં એક્સપ્રેસ ટ્રેનની રિઝર્વ ટિકિટ લઈને યાત્રિકોએ મુસાફરી કરવી પડતી હતી. કોરોનાના કેસ ઘટ્યાને લગભગ 10 મહિનાનો સમય થયો, રેલવેએ રાજકોટ સહિત રાજ્યભરમાં કોરોનાના સમય દરમિયાન બંધ કરેલી લોકલ ટ્રેન શરૂ તો કરી દીધી પરંતુ આ તમામ ટ્રેનમાં હજુ પણ રેલવે એક્સપ્રેસ ટ્રેનનું ભાડું વસૂલી રહ્યું છે.
સૌરાષ્ટ્રની 35 સહિત રાજ્યની 100થી વધુ ટ્રેનમાં યાત્રિકો મુસાફરી તો લોકલની કરી રહ્યા છે પરંતુ તેમની પાસેથી ભાડું બેથી ત્રણ ગણું એક્સપ્રેસ ટ્રેનનું વસૂલવામાં આવી રહ્યું છે. રાજ્યભરમાં 90% લોકલ ટ્રેન કોરોના મહામારી પહેલા જે રીતે ચાલતી હતી એ જ રીતે ચાલી રહી છે પરંતુ ગુજરાતમાં હાલ 100થી વધુ લોકલ ટ્રેનમાં રોજ અંદાજિત સવા લાખ યાત્રિકો બેથી ત્રણ ગણું ભાડું ચૂકવવા મજબૂર બન્યા છે. યાત્રિકો હાલ લોકલ ટ્રેનમાં ભીડ વચ્ચે મુસાફરી કરી રહ્યા છે, તેમને રિઝર્વ ટિકિટ પણ નથી મળી રહી, એક્સપ્રેસ ટ્રેનમાં જે સુવિધા-વ્યવસ્થા મળવી જોઈએ તે નથી મળતી.
કેટલીક લોકલ ટ્રેનમાં તો યાત્રિકો એક્સપ્રેસ ટ્રેનનું ભાડું ચૂકવીને પણ ઊભા ઊભા મુસાફરી કરવી પડે તેવી સ્થિતિ છે. હાલ દરેક લોકલ ટ્રેનમાં યાત્રિકોનો ભારે ટ્રાફિક છે છતાં રેલવે પ્રશાસને હજુ સુધી લોકલ ટ્રેનમાં લોકલને બદલે એક્સપ્રેસના ભાડાં વસૂલી ઊંચી કમાણી કરી રહ્યું છે.
રાજકોટથી જૂનાગઢ-અમદાવાદનું ભાડું ડબલ, ગોંડલનું ભાડું ત્રણ ગણું | ||
સ્ટેશન | લોકલ | એક્સપ્રેસ |
ભાડું | ભાડું | |
ગોંડલ | 10 | 30 |
વીરપુર | 20 | 35 |
નવાગઢ | 20 | 45 |
જેતલસર | 20 | 45 |
જૂનાગઢ | 25 | 50 |
વેરાવળ | 40 | 75 |
સોમનાથ | 45 | 75 |
ધોરાજી | 25 | 50 |
ઉપલેટા | 25 | 55 |
ભાણવડ | 40 | 70 |
પોરબંદર | 50 | 85 |
હાપા | 20 | 45 |
જામનગર | 25 | 45 |
ખંભાળિયા | 35 | 65 |
દ્વારકા | 50 | 85 |
મીઠાપુર | 50 | 95 |
ઓખા | 55 | 95 |
અમદાવાદ | 55 | 95 |
સુરેન્દ્રનગર | 30 | 60 |
વિરમગામ | 40 | 75 |
વૃદ્ધોને ટ્રેનમાં અપાતું 40થી 50% કન્સેશન પણ બંધ
કોરોના મહામારી દરમિયાન રેલવેમાં 60 વર્ષથી ઉપરની ઉંમરના સિનિયર સિટિઝન પુરુષ માટે 40 ટકા અને 58 વર્ષથી ઉપરની સ્ત્રીઓ માટે મળતા 50 ટકા કન્સેશન બંધ કરી દેવાયું છે. સિનિયર સિટિઝનને રેલવેની ટિકિટમાં હવેથી વધારાનું ડિસ્કાઉન્ટ અપાશે નહીં, સિનિયર સિટિઝન્સે પૂરા પૈસા ચૂકવી ટિકિટ લેવી પડશે. મહામારી બાદ રેલવેએ ઘણી સેવા પૂર્વવત કરી છે પરંતુ હાલ માત્ર ત્રણ શ્રેણીના લોકોને જ ટ્રેનની ટિકિટમાં છૂટ આપવાનો નિર્ણય લેવાયો છે, જેમાં વિકલાંગ, વિદ્યાર્થી અને 11 ગંભીર રોગથી પીડાતા દર્દીઓનો સમાવેશ થાય છે.
રાજકોટથી સોમનાથ, વિરમગામની લોકલ બે વર્ષથી બંધ
સૌરાષ્ટ્ર-ગુજરાતની મોટાભાગની લોકલ ટ્રેન ચાલુ કરી દેવાઈ છે, પરંતુ રાજકોટથી ઉપડતી લોકલ ટ્રેન પૈકી રાજકોટ-સોમનાથ લોકલ, ઓખા-વિરમગામ ટ્રેન બે વર્ષથી હજુ બંધ છે. ઉપરાંત ભાવનગર ડિવિઝનની ધ્રાંગધ્રા, બોટાદ સહિતના રૂટની લોકલ ટ્રેન પણ હજુ બંધ હોવાનું જાણવા મળ્યું છે.
સૌરાષ્ટ્રમાં 10 હજારથી વધુ નોકરિયાત દરરોજ અપડાઉન કરે છે
રાજકોટ જિલ્લાના તાલુકા કે ગામડામાં અથવા રાજકોટથી અન્ય જિલ્લામાં અપડાઉન કરતા યાત્રિકોની સંખ્યા પણ વધુ છે. સૌરાષ્ટ્રમાં અંદાજિત 10 હજારથી વધુ નોકરિયાત લોકો ટ્રેનમાં દરરોજ અપડાઉન કરી રહ્યા છે. અન્ય જિલ્લામાં અપડાઉન કરતા લોકોને હજુ ઘણી લોકલ ટ્રેન ચાલુ નહીં થઇ હોવાને લીધે વધુ ભાડાં ખર્ચીને એસ.ટી બસ કે ખાનગી વાહનમાં મુસાફરી કરવી પડી રહી છે.
રેલવે મંત્રાલયનો નિર્ણય છે, ડિવિઝન કશું ન કરી શકે
કોરોના મહામારી દરમિયાન ટ્રેનમાં એક્સપ્રેસ કેટેગરીના ભાડાં વસૂલવાનો નિર્ણય જે-તે સમયે રેલવે મંત્રાલય દ્વારા કરાયો હતો. ડિવિઝનને આ અંગે નિર્ણય લેવાની સત્તા નથી, ભાડાં ઘટાડાનો નિર્ણય પણ રેલવે મંત્રાલય દ્વારા જ કરાશે. - અભિનવ જેફ, સિનિયર ડીસીએમ, રાજકોટ ડિવિઝન
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.