શહેરમાં સ્પાની આડમાં ચાલતા કૂટણખાના વચ્ચે હવે રહેણાક વિસ્તારમાં ખુલ્લેઆમ દેહવિક્રયનો વેપલો શરૂ થયો છે. ત્યારે દોઢસો ફૂટ રિંગ રોડ બાલમુકુંદ સોસાયટી મેઇન રોડ પર આવેલા રહેણાક મકાનમાં કૂટણખાનું ચાલતું હોવાની ડીસીપી ઝોન-2ને માહિતી મળી હતી. માહિતી બાદ પીએસઆઇ એ.એલ.બારસિયા સહિતના સ્ટાફે કૂટણખાનાની ખરાઇ કરવા માટે એક ડમી ગ્રાહકને મોકલી ટીમે વોચ ગોઠવી હતી. ત્યારે કૂટણખાનામાં પહોંચેલા ડમી ગ્રાહકે પૈસા ચૂકવ્યા બાદ વોચમાં રહેલી પોલીસને મેસેજ કરતા તુરંત દરોડો પાડ્યો હતો.
દરોડા દરમિયાન રહેણાક મકાનમાંથી ડમી ગ્રાહક ઉપરાંત રમેશ ગીરધર લાઠીગરા, તેજલ મયૂર લાઠીગરા અને અજય હરસુખ જિંજુવાડિયા તેમજ એક મહિલા મળી આવી હતી. પોલીસ તપાસમાં સકંજામાં આવેલી તેજલ લાઠીગરા વિધવા છે. રમેશ લાઠીગરા તેજલનો જેઠ થાય છે. તેજલે થોડા સમય પહેલા જ આ મકાન રહેવા માટે ભાડે રાખ્યું હતું. અને અઠવાડિયા પહેલા જ તેને એક સ્થાનિક મહિલાને સાથે રાખી કૂટણખાનું ચાલુ કર્યું હતું.
કૂટણખાનાના કામ કાજ માટે માધાપર ગામ પાસે રહેતા અજય જિંજુવાડિયાને કામે રાખ્યો હતો. અહીં મોજમઝા કરવા આવતા ગ્રાહકો પાસેથી રૂ.1500 લેતા હતા. જ્યારે જેની પાસે દેહવ્યાપાર કરાવાતો હતો તે મહિલાને રૂ.500 આપતા હોવાની તેજલે કબૂલાત આપી છે. પોલીસે ત્રણેય સામે ગુનો નોંધી રોકડા રૂપિયા 1500 અને ત્રણેયના મોબાઇલ કબજે કરી કાર્યવાહી કરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.