તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

એજ્યુકેશન:અધ્યાપક સહાયકની નોકરી સળંગ ગણવાનો પ્રશ્ન શિક્ષણમંત્રી સમક્ષ મુકાયો

રાજકોટ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બે વર્ષથી ચાલતી રજૂઆતોના સાનુકૂળ પડઘા પડવાનો અધ્યાપકોને આશાવાદ
  • ફાજલના રક્ષણ સહિતના પ્રશ્નો ધ્યાને લેવાશે

રાજ્યની બિનસરકારી અનુદાનિત કોલેજોમાં ફરજ બજાવતા અધ્યાપક સહાયકોની ફિક્સ પગારની નોકરીનો સમયગાળો સળંગ કાયમી સેવા સાથે ગણવા અને ફાજલનું રક્ષણ આપવાના મુદ્દે અધ્યાપક સહાયક મંડળે કરેલી રજૂઆત ઉચ્ચ શિક્ષણ કમિશનર કચેરીએ શિક્ષણમંત્રીને ધ્યાને મૂકી હતી અને આગામી દિવસોમાં આ મુદ્દે સરકાર મહત્ત્વના નિર્ણયો લ્યે તેવા અણસાર મળી રહ્યા છે. આ મુદ્દે અખિલ ભારતીય શૈક્ષિક મહાસંઘ પણ લડત ચલાવી રહ્યું છે ત્યારે હવે પ્રશ્નોનો નિવેડો આવે તેવા અણસાર મળી રહ્યા છે.

ઉચ્ચ શિક્ષણ કમિશનર કચેરીના નાયબ નિયામકે લેખિત શિક્ષણમંત્રીના અંગત મદદનીશને પાઠવેલા પત્રમાં જણાવ્યું હતું કે, અધ્યાપક સહાયક મંડળની ફાજલનું રક્ષણ અને ફિક્સ પગારનો સમયગાળો કાયમી સેવા સાથે ગણવા બાબતની 7-1-2019 ની રજૂઆત સેક્શન અધિકારી શિક્ષણ વિભાગના 11-2-2020ના પત્રથી નિયમાનુસાર કાર્યવાહી અર્થે અત્રે મળેલી છે.

જે બાબતે સરકારના શિક્ષણ વિભાગના 25-8-2005ના ઠરાવની જોગવાઇ મુજબ બિનસરકારી અનુદાનિત કોલેજોમાં કાર્યભાર ઘટતા આ યોજના હેઠળ નિમણૂક પામેલા કર્મચારીને છૂટા કરવામાં આવશે અને તેમને ફાજલનું રક્ષણ મળી શકશે નહીં તે બાબતે છૂટછાટ આપવા અંગેની સત્તાઓ સરકાર કક્ષાએ પહોંચતી હોય અધ્યાપક સહાયક મંડળની ફાજલનું રક્ષણ તેમજ ફિક્સ પગારનો સમયગાળો કાયમી સેવા સાથે સળંગ ગણવા બાબતની રજૂઆત આ કચેરીને 29-7-2019ના પત્રથી સરકારને મોકલી આપી હતી. જે અન્વયે સરકાર દ્વારા જરૂરી સ્પષ્ટતા સહિતની દરખાસ્ત મોકલી આપવા જણાવવામાં આવતા આ કચેરીના 5-8-2020ના પત્રથી વિગતવાર દરખાસ્ત સરકારમાં મોકલી આપેલ છે. તો આ બાબત મંત્રીના ધ્યાને મૂકવા જણાવાયું છે. છેલ્લા બે વર્ષથી ચાલતી રજૂઆતોનો સાનુુકૂળ પડઘો પડવાનો આશાવાદ અધ્યાપકોએ વ્યક્ત કર્યો છે.

ઘણા લાંબા સમયથી અખિલભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક સંઘ દ્વારા પણ અધ્યપક સહાયકની નોકરી સળંગ ગણવાના મુદ્દે અને ફાજલનું રક્ષણ આપવા સહિતના પ્રશ્ને રજૂઆત કરવામાં આવી છે. અને આ પ્રશ્નોના કારણે સંખ્યાબંધ અધ્યાપકોના પ્રમોશનના ઇસ્યુનો લાંબા સમયથી નિકાલ થતો નથી ત્યારે આગામી દિવસોમાં આ પ્રશ્ને સરકાર વહેલામાં વહેલો નિર્ણય કરે તેવી શકયતા વ્યક્ત થઇ રહી છે.

અન્ય સમાચારો પણ છે...