તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અછતના કારણે અવ્યવસ્થા:રાજકોટમાં વેક્સિનનો જથ્થો ઘટ્યો, સેન્ટર પર સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડ્યા, મેયરે કહ્યું- દરેક કેન્દ્ર પર યોગ્ય વ્યવસ્થા છે, વેક્સિનનો જથ્થો ઉપલબ્ધ છે

રાજકોટએક મહિનો પહેલા
સિનીયર સિટીઝન્સને બીજો ડોઝ લેવા માટે અલાયદી વ્યવસ્થાનો અભાવ
  • વેક્સિનેશન સેન્ટર પર લાભાર્થીઓને થઈ રહ્યા છે ધરમના ધક્કા
  • બુધવારે વેક્સિનેશન સંપૂર્ણ બંધ, લોકોમાં રોષ

એક તરફ સરકાર સર્વે નાગરિકોને વેક્સિન લેવા માટે અપીલ કરી રહી છે તો બીજી તરફ તેનો સપ્લાય જ ના હોવાથી લોકોને રસી માટે ધક્કા ખાવા પડી રહ્યા છે. રાજકોટ શહેરના આરોગ્ય કેન્દ્રોમાં વેક્સિન લેવા માટે લાંબી કતારો જોવા મળી હતી. અપૂરતા વેક્સિનના જથ્થાના કારણે કેટલાક સેન્ટર પર લોકોને વેક્સિન મળી નથી રહી. આ અંગે મેયર ડો.પ્રદીપ ડવે જણાવ્યું હતું કે, દરેક કેન્દ્ર પર યોગ્ય વ્યવસ્થા છે, વેક્સિનનો જથ્થો ઉપલબ્ધ છે. ઉલ્લેખનીય છે કે શહેરના અનેક સેન્ટર પર અપૂરતી વેક્સિનના કારણે લાભાર્થીઓની ભીડ થતા સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડ્યા હતા.

વેક્સિન લેવા આવેલા લોકોમાં સોશિયલ ડિસ્ટન્સનો અભાવ જોવા મળ્યો
વેક્સિન લેવા આવેલા લોકોમાં સોશિયલ ડિસ્ટન્સનો અભાવ જોવા મળ્યો

સબ સહીસલામતના પોકળ દાવા
આ અંગે મેયરે વધુમાં જણાવ્યું હતું કે, મનપા દ્વારા અત્યાર સુધી અંદાજે 9 લાખ લોકોનું વેક્સિનેશન કરાયું છે. સમગ્ર ગુજરાતમાં રાજકોટ ચોથા નંબર ઉપર છે અને પ્રથમ નંબરે લાવવાના પ્રયાસો મનપા દ્વારા કરવામાં આવી રહ્યા છે. શહેરનાં તમામ લોકો એટલે કે 100 ટકાનું રસીકરણ થાય તે માટે જરૂરી પગલાંઓ લેવામાં આવી રહ્યા છે. થોડા દિવસોથી લોકોની લાઈનોને લઈને અમે ગાંધીનગર પાસે વધુ માંગ કરી હતી. જેને પગલે હાલ અમારી પાસે 13,500 ડોઝ ઉપલબ્ધ છે. અને તમામ આરોગ્ય કેન્દ્રો પર લાઈન વિના સુદ્રઢ વ્યવસ્થા સાથે રસીકરણ ચાલી રહ્યું છે.

મેયર ડો.પ્રદીપ ડવ
મેયર ડો.પ્રદીપ ડવ

કોરોનાની ત્રીજી લહેર આવવાની શક્યતા છે
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, હવે રાજકોટ શહેરના વધુમાં વધુ લોકો વેક્સિન લે તેમજ શહેર સુરક્ષિત રહે અને ફરીથી કોરોનાની ત્રીજી લહેર આવવાની શક્યતા છે ત્યારે લોકોએ વેક્સિનેશન માટે આગળ આવવું જોઈએ. જેથી ત્રીજી લહેરમાં પણ શહેરના લોકો સલામત રહે તે માટે લોકોએ પોતાની ફરજ સમજીને પોતે-પરિવાર અને સોસાયટી સહિત બિલ્ડીંગનાં તમામ લોકો વેક્સિન લે તે માટેના પ્રયાસો કરવા જોઈએ.

વેક્સિનના જથ્થામાં ફરી એક વખત ઘટાડો થયો
વેક્સિનના જથ્થામાં ફરી એક વખત ઘટાડો થયો

જિલ્લામાં 8થી 9 હજાર લોકોને વેક્સિન મળી
હાલ રાજકોટ જિલ્લામાં વેક્સિનેશન વધારવા માટે જિલ્લા પંચાયત દ્વારા આયોજન કરવામાં આવી રહ્યું છે. આ અંગે જિલ્લા પંચાયતના પ્રમુખ ભૂપત બોદરે જણાવ્યું હતું કે, જિલ્લામાં રોજ 8થી 9 હજાર લોકોને વેક્સિન મળી રહી છે. હવે જિલ્લામાં કોરોનાનો કહેર નાબૂત થયો છે. છેલ્લા 4 દિવસથી કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી.

સિનીયર સિટીઝન્સને બીજો ડોઝ લેવા માટે અલાયદી વ્યવસ્થાનો અભાવ
સિનીયર સિટીઝન્સને બીજો ડોઝ લેવા માટે અલાયદી વ્યવસ્થાનો અભાવ

આજે વેક્સિનના જથ્થામાં ફરી એક વખત ઘટાડો થયો
ઉલ્લેખનીય છે કે આજે વેક્સિનના જથ્થામાં ફરી એક વખત ઘટાડો થયો છે. જેમાં 45 સેશન સાઈટ પર માત્ર 6000 વેક્સિનના ડોઝ ઉપલબ્ધ છે. જેમાં 400 કોવેક્સિન અને 5600 કોવીશિલ્ડ વેક્સિનનો જથ્થો ઉપલબ્ધ છે. હવે આવતીકાલે બુધવારે વેક્સિનેશન બંધ રહેશે. જેથી શહેરમાં વેક્સિન ઉપલબ્ધ નહિ હોય. કોરોનાની બીજા લહેર બાદ હવે ત્રીજી લહેરથી બચવા માટે રાજ્યમાં સરકારે વેક્સિનેશન મહાઅભિયાન શરૂ કર્યું છે, પરંતુ રાજકોટ શહેરમાં લોકો દરરોજ સવારથી રસી લેવા માટે કેન્દ્ર પર જઈને લાઈનો લગાવે છે.

જિલ્લા પંચાયતની પ્રજાના પ્રશ્નો એપએ ગતિ પકડી, 11 ટેકનિકલ ટીમ ગામડામાં ઉતારી
રાજકોટ જિલ્લા પંચાયત દ્વારા બનાવવામાં આવેલી પ્રજાના પ્રશ્નો એપએ ગતિ પકડી છે. આ એપ લોન્ચ થયાના 3 દિવસમાં જ 760 ફરિયાદ અને સૂચન મળ્યા છે. આ એપનો વ્યાપ વધારવા માટે જિલ્લા પંચાયતના પ્રમુખ ભુપત બોદરે કુલ 11 ટીમ ગ્રામ્ય વિસ્તારમાં મોકલી છે. જિલ્લાના 11 તાલુકામાં એક-એક ટેકનિકલ ટીમ પહોંચી ગઈ છે અને એપની માહિતી લોકોને આપી ડાઉનલોડ કરાવી રહી છે. જે ગામમાં વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરાશે તેને પ્રથમક્રમે આવનાર ગામને 1.51 લાખ, બીજા ક્રમે આવનાર ગામને 1.21 લાખ અને ત્રીજા ક્રમે આવનાર ગામને 1.11 લાખની સહાય કરવામાં આવશે. ગ્રામ પંચાયતના VCEને પણ એક એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે રૂ.5 ચૂકવવામાં આવશે.

રાજકોટ શહેરમાં 66% અને જિલ્લામાં 47% લોકોએ પ્રથમ ડોઝ લીધો
કોરોના સામે લોકોને સુરક્ષા પુરી પાડતા રસીકરણના મહાઅભિયાન અંતર્ગત આરોગ્ય વિભાગ દ્વારા રાજકોટ શહેર તેમજ જિલ્લામાં સઘન રસીકરણ ઝુંબેશ હેઠળ આજ સુધીમાં રાજકોટ શહેરના 66% લોકો એટલે કે, 7,27,170 લોકો તેમજ જિલ્લામાં 5,19,656 લોકોને એટલે કે 47% લોકો વેક્સિનનો પ્રથમ ડોઝ મેળવી ચૂક્યા છે. રાજકોટ શહેરમાં 18 વર્ષથી વધુ વયનાં અને 45 વર્ષથી નીચેના 3,99,949, 45થી 60 વર્ષ વચ્ચે 1,59,951 તેમજ 60થી વધુ વર્ષની ઉંમરના 1,13,344 લોકોને પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે.

જિલ્લામાં 6,72,924 ડોઝ સાથે કુલ ડોઝ 16,06,631 અપાયા
જ્યારે જિલ્લામાં 18 વર્ષથી ઉપરનાં અને 45 વર્ષથી નીચેના 202068, 45થી 60 વર્ષ વચ્ચે 1,61,713 તેમજ 60થી વધુ વર્ષની ઉંમરના 1,24,056 લોકોને પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. હાલ સુધીમાં રાજકોટ શહેરમાં પ્રથમ તેમજ બીજો ડોઝ મળી 9,33,707 ડોઝ તેમજ જિલ્લામાં 6,72,924 ડોઝ સાથે કુલ ડોઝ 16,06,631 અપાયા હોવાનું વિભાગીય નિયામક ડો. રૂપાલીબેન મહેતાની યાદીમાં જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...