આજના યંગસ્ટર્સમાં સૌથી મોટુ વ્યસન હોય તો તે રીલ્સ બનાવી સોશિયલ મીડિયામાં મુકી ફેમસ થવાની. પરંતુ આ વ્યસન તમને કેટલું ભારે પડી શકે છે તે અંગે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવને 1150 યુવાનો પર એક સરવે કર્યો છે. જેમાં ચોંકાવનારા તારણો સામે આવ્યા છે. આ સરવેમાં રીલ્સને 65%એ બિભત્સતા, 71%એ માનસિક બિમારી અને 59%એ પીડા વ્યક્ત કરવાનું માધ્યમ ગણાવ્યું છે. રીલ્સ બનાવવાની ઘેલછા ધરાવનાર વ્યક્તિ સામાજિક અંતર વધારતો જાય છે.
રીલ્સે આજની પેઢીને સામાજિક રીતે દૂર કરી દીધી
આજની યુવા પેઢીને ઘણા લોકો વચ્ચે ફેમસ થવું છે અને તેનું માધ્યમ છે સોશિયલ મીડિયા અને ખાસ તેમાં મુકાતી પોસ્ટ, રીલ્સ અને પોતાના વીડિયો બનાવવાની ઘેલછા. આ ઘેલછા આજની પેઢીને સામાજિક રીતે દૂર કરી દીધા હોય તેવું અનુભવાય છે. તેના વિશે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનની વિદ્યાર્થિની વરુ જીજ્ઞા અને ડો.ધારા આર. દોશીએ મનોવિજ્ઞાન ભવનના અધ્યક્ષ ડો. યોગેશ જોગસણના માર્ગદર્શનમાં સરવે કર્યો હતો. જેમાં રીલ્સ અને પોતાના જ વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર અપલોડ કરવાની ઘેલછા વિશેના મંતવ્યો લેવામાં આવ્યા.
સોશિયલ મીડિયામાં જોડાયેલો વ્યક્તિ હકીકતમાં એકલી
આપણામાંથી મોટાભાગના લોકો સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. જેમાં લોકો એકબીજાની સાથે હોવા છતાં એકબીજાથી દૂર છે જે ખૂબ જ ખરાબ સ્થિતિ છે. લોકોને લાગે છે કે સોશિયલ મીડિયા દ્વારા ઘણા લોકો તેમની સાથે જોડાયેલા છે, જ્યારે હકિકતમાં તેઓ એકલા છે. ઘણા મનોવૈજ્ઞાનિકોએ આ દૃષ્ટિકોણ સ્વીકાર્યો છે. સોશિયલ મીડિયા દ્વારા લોકોને સ્યુડો એટલે કે નકલી ખુશી મળે છે, પરંતુ કેટલીક જગ્યાએ લોકોમાં એકલતાની લાગણી વધી રહી છે. આપણે જ્યારે સામેથી કોઈને મળીએ, તેને ઘરે બોલાવીએ કે કોઈ કાર્યક્રમમાં મળીએ ત્યારે આપણે આંખોમાં આંખ પરોવીને વાત કરીએ છીએ. શારીરિક ભાષાનો ઉપયોગ કરો. આનાથી આપણને સામે બેઠેલી વ્યક્તિની લાગણીઓ જાણવાની તક મળે છે અને તે આપણા મનની સ્થિતિ પણ જાણે છે.
રીલ્સ બનાવવાની ઘેલછાનાં લક્ષણો
મનોવિજ્ઞાન ભવનમાં આશરે 17 યુવાનો અને યુવતીઓની રીલ્સ બનાવવાની ઘેલછાની હળવીથી તીવ્ર અસરોનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. જેમાં ખાસ કરીને જ્યાં સુધી સારી રીલ્સ ન બને ત્યાં સુધી સતત તેમાં ધ્યાન આપવું, ખાસ શરીર અને ચહેરો સુંદર રીતે રજુ થાય તેની તકેદારી રાખવી. રીલ્સ કે વીડિયો બનાવતી વખતે જો કોઈ યોગ્ય અને જાજી કોમેન્ટ્સ ન આવે તો નિરાશા અનુભવવી અને હતાશ થઈ જવું, પરીક્ષા હોવા છતાં પણ રીલ્સ અને વીડિયો બનાવવામાં સમય પસાર કરવો વગેરે લક્ષણો જોવા મળ્યા હતા.
તમારી જાતને સાંભળો અને સંભાળ લો
કોઈપણ અતિશયોક્તિ હમેશા નીષેધક અસરો સર્જે છે. ટીનેજર અને યુવાનોએ જમાના સાથે પ્રગતિ કરવી જોઈએ. જેમાં કોઈ શંકા નથી પણ એ પ્રગતિ માત્ર રીલ્સ અને વીડિયોથી નહીં મળે. હા જાહેરાતના એક માધ્યમ તરીકે એનો ઉપયોગ કરવામાં કે તકલીફ નથી પણ એ જાહેરાત પોતાના શરીર કે લાગણીઓની ન હોવી જોઈએ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.