વૈજ્ઞાનિક મુજબ અશક્ય:સૌ.યુનિ.ના મનોવૈજ્ઞાનિકના મતે વેક્સિન બાદ શરીર ચુંબકીય બનવામાં સાઇકોલોજિકલ કારણો, મન ધારે એ તત્ત્વ શરીરમાં ડેવલપ કરી શકે છે

રાજકોટ4 મહિનો પહેલાલેખક: રક્ષિત પંડ્યા
  • રાજકોટના નાયબ આરોગ્ય અધિકારીએ કહ્યું- આ એકમાત્ર હંબગ, વેક્સિન લેવાથી મેગ્નેટિક ફિલ્ડ જનરેટ થાય એ અશક્ય

દેશમાં હાલ કોરોનાનું વેક્સિનેશન પુરજોશમાં ચાલી રહ્યું છે, જોકે દેશના અમુક ખૂણે કોરોનાની વેક્સિન લેનારી વ્યક્તિના શરીર પર વિવિધ ચીજવસ્તુઓ ચીપકી જતી હોવાની ઘટનાઓ સામે આવી રહી છે. એટલું જ નહીં, આવી ઘટનાઓના અનેક વીડિયો અને ફોટા પણ સોશિયલ મીડિયામાં વાઇરલ થઇ રહ્યા છે. રાજકોટ, સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં પણ આવા બનાવો સામે આવતાં લોકોમાં અચંબામાં મુકાયા છે તો અનેક લોકોએ આવી ઘટનાને પગલે રસીથી દૂર રહેવાનું મન બનાવી લીધાનું પણ સામે આવી રહ્યું છે, પરંતુ વેક્સિન લીધા પછી શરીર ચુંબકીય બની જવું વૈજ્ઞાનિક રીતે અશક્ય છે.

માણસની મનની શક્તિ અગાધ હોય છે
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનના વડા ડો.યોગેશ જોગાસણે જણાવ્યું હતું કે શરીરમાં ચુંબકીય બનવા પાછળ વેક્સિન જવાબદાર હોય એવું લગભગ અશક્ય છે. જોકે માણસની મનની શક્તિ અગાધ હોય છે. ઘણા માનસશાસ્ત્રીઓનું કહેવું છે કે મન ધારે એ પોતાના શરીરમાં ડેવલપ કરી શકે છે. અમેરિકન મનોવૈજ્ઞાનિકોનો એક પ્રયોગ જગજાહેર છે, જેમાં એક કેદીને ફાંસીની સજા કરવામાં આવી હતી. મનોવૈજ્ઞાનિકોએ એ આ કેદી પર પ્રયોગ કરવાની સરકાર પાસે મંજૂરી લીધી. મનોવૈજ્ઞાનિકોએ કેદીને કહ્યું, તારા ભોજનમાં ઝેર ભેળવી દીધું છે, તું હવે મરી જઈશ. કેદીને આટલું કહ્યા પછી મનોવૈજ્ઞાનિકો જતા રહ્યા. સાચે જ તે કેદી તરફડીને મૃત્યુ પામ્યો. તેનું પોસ્ટમોર્ટમ કરતાં મનોવૈજ્ઞાનિકોને તેના શરીરમાં ઝેરની હાજરી હોવાનું માલૂમ પડ્યું. હકીકતમાં તેના ભોજનમાં કોઈ ઝેર મેળવવામાં આવ્યું ન હતું.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનના વડા ડો. યોગેશ જોગાસણ.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનના વડા ડો. યોગેશ જોગાસણ.

મન ધારે એ શરીરમાં ઉત્પન્ન કરી શકે છે
આના ઉપરથી એ સાબિત થાય છે કે મન ધારે એ ઉત્પન્ન કરી શકે છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક દિવસોથી કેટલાક લોકોના શરીર ચુંબકીય બની ગયાની જે વાતો ફરતી થઇ છે એમાં ક્યાંક ને ક્યાંક રૂપાંતરિત વિકૃતિ જવાબદાર હોય શકે. રાજકોટ શહેરમાં પણ આ પ્રકારનો વીડિયો સામે આવ્યો છે, જેમાં એક પુરુષ પોતાના શરીર પર સિક્કા, ચમચી અને તાવેતો હાથ ઉપર ચીપકી જતો હોવાનું બતાવી રહ્યા છે. જોકે રાજકોટ મનપાના ડેપ્યુટી આરોગ્ય અધિકારી ડો. પંકજ રાઠોડે આ અંગે જણાવ્યું હતું કે આ એકમાત્ર હંબગ અથવા કહી શકાય વેક્સિન લેવાથી મેગ્નેટિક ફિલ્ડ જનરેટ થાય એ લગભગ અશક્ય છે. આ પાછળ સાઇકોલોજિકલ કારણો જવાબદાર હોય શકે છે.

વૈજ્ઞાનિક રીતે શક્ય નથી એ વાત ચોક્કસ
વેક્સિનેશનનો કાર્યક્રમ સમગ્ર વિશ્વમાં ચાલી રહ્યો છે. જો હકીકતમાં વેક્સિનથી શરીરમાં ચુંબકીય તત્ત્વ ઉત્પન્ન થતું હોય તો આવી ઘટના સમગ્ર વિશ્વમાં પણ થવી જોઈએ, પરંતુ આ ઘટના ભારતના અમુક વિસ્તારોમાં જ સામે આવી રહી છે. આવું વૈજ્ઞાનિક રીતે શક્ય નથી એ વાત ચોક્કસ છે.

વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યાએ આ વાતને વખોડી.
વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યાએ આ વાતને વખોડી.

ભેજ, પરસેવો, લીસી ચામડી, ચિકાસને કારણે વસ્તુઓ ચોટે છેઃ વિજ્ઞાનજાથા
આ અંગે વિજ્ઞાનજાથાએ પણ પ્રયોગ કર્યો હતો. જેમાં જાથઆના ચેરમેન જયંત પંડ્યાએ જણાવ્યું હતું કે, કોરોના રસી લીધા પછી શરીર ચુંબકીય ક્ષેત્ર બની જાય છે તે માત્ર અફવા, ગેરમાર્ગે દોરવાનો નિમ્ન પ્રયાસ છે. જેને જાથા સાફ શબ્દોમાં વખોડે છે. ભારતમાં શંકા ઉપજાવે તેવી ઘટના વિશ્વના કોઇ પણ દેશમાં બની નથી. અત્યારે વરસાદનું આગમ, ભેજ, શરીરમાં પરસેવો, શરીર ચિકાસવાળું થઈ જવાના કારણે સરફેસ ટેન્શન ખૂજ દધી જાય છે. તેને પૃષ્ઠતાણ કહેવામાં આવે છે. ભૌતિકશાસ્ત્રના પૃષ્ઠતાણના નિયમને કારણે શરીરની ચામડી પર આવી વસ્તુઓ ચીપકી જાય છે તેમાં કોઇ ચમત્કાર કે આડઅસર નથી.

સુરતમાં દાદી-પૌત્રનાં શરીર પર સિક્કા અને ચમચી ચોંટવા લાગ્યાં છે.
સુરતમાં દાદી-પૌત્રનાં શરીર પર સિક્કા અને ચમચી ચોંટવા લાગ્યાં છે.

સુરતમાં દાદી-પૌત્રનાં શરીર પર સિક્કા અને ચમચી ચોંટી ગયાં હતાં
સોશિયલ મીડિયામાં ચમચી, સિક્કા શરીર પર ચોંટવાના વીડિયો વાઇરલ થયા બાદ સુરતના પર્વત પાટિયા વિસ્તારમાં રહેતાં 78 વર્ષીય દાદી અને 10 વર્ષીય પૌત્રને સિક્કા અને ચમચી શરીર પર ચોંટી જતાં ભારે કુતૂહલ ફેલાયું હતું. વૃદ્ધાએ વેક્સિનનો બીજો ડોઝ 19 એપ્રિલના રોજ લીધો હતો, જ્યારે 10 વર્ષના બાળકે તો વેક્સિન પણ લીધી નથી. આ બાબતે મનપા ડેપ્યુટી હેલ્થ કમિશનર આશિષ નાયકે જણાવ્યું હતું કે વેક્સિનના કારણે શરીરમાં આવી કોઈ અસર પેદા ન થઈ શકે.

નાસિકમાં પણ 71 વર્ષીય વૃદ્ધ સાથે ઘટના બની હતી
નાસિકમાં રહેતી એક 71 વર્ષીય વ્યક્તિને વેકસિન લીધા બાદ સ્ટીલનાં વાસણો, ચલણી નાણાં શરીર પર ચોંટી ગયાં હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાઇરલ થયો હતો. જોકે મહારાષ્ટ્રના આરોગ્ય મંત્રાલયે આ વાતને સ્પષ્ટપણે નકારી કાઢી હતી. સુરતમાં પણ આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. 78 વર્ષીય વત્સલાબેન જગતાપે કોરોનાથી બચવા વેક્સિનનો પહેલો ડોઝ 19 માર્ચના રોજ અને વેક્સિનનો બીજો ડોઝ 19 એપ્રિલના રોજ લીધો હતો. વત્સલાબેનના પુત્રએ સોશિયલ મીડિયાના માધ્યમથી નાસિકના વૃદ્ધ પર વેક્સિન લીધા બાદ સિક્કો શરીર પર ચોંટતો હોવાનો વીડિયો જોયો હતો. આ બાદ તેમણે પણ વિચાર્યું કે આવું તેઓ પણ આ પ્રયોગ કરી જુએ.

રાજકોટમાં વીડિયો વાઇરલ થયા.
રાજકોટમાં વીડિયો વાઇરલ થયા.

વલસાડમાં પણ બની ઘટના
વલસાડના નાની ખત્રીવાડમાં આવેલી જવેલર્સના સંચાલક સંપતસિંગ રાજપુરોહિતે સવારે અખબારમાં ઘટના વાંચીને પોતાના ઉપર ચમચી અને સ્ટીલની વસ્તુઓ ચોંટે છે કે કેમ ચેક કરવા જતાં ચલણી સિક્કા અને સ્ટીલની ચમચી પણ હાથ ઉપર ચોંટી ગઈ હતી. પહેલાં તો પરસેવાને લઈને ઘટના બની હોય તેમ માની લીધું હતું. રૂમાલથી હાથ સાફ કર્યા બાદ ચેક કરતાં ફરી ચલણી સિક્કા ચુંબક ઉપર લોખંડ ચોંટે એ રીતે ચોંટી ગયા હતા.

નાસિકના વૃદ્ધના શરીર પર ચમચી, સિક્કા ચોંટી જતાં હોવાનો વીડિયો ખૂબ જ વાઇરલ થયો હતો.
નાસિકના વૃદ્ધના શરીર પર ચમચી, સિક્કા ચોંટી જતાં હોવાનો વીડિયો ખૂબ જ વાઇરલ થયો હતો.

ગુજરાતના પાલનપુરમાં પણ બની આવી ઘટના
પાલનપુરના નવજીવન સોસાયટી વિસ્તારમાં રહેતા 63 વર્ષીય વૃદ્ધની છાતી પર શનિવાર સવારથી અચાનક મોબાઈલ, સિક્કા, ચાવી, ચમચી ચોંટવા લાગ્યા તો તેમનો પરિવાર ચોંકી ઊઠ્યો હતો. પાલનપુર સિવિલમાં મેગ્નેન્ટમેનને લઈ જઈ ચેકઅપ કરાવ્યું હતું, જ્યાં ફરજ પરના તબીબો ચોંકી ઊઠ્યા હતા અને કેસ કાઢી રિપોર્ટ કરાવ્યા હતા. નવીનભાઈએ હોસ્પિટલ સ્ટાફને જણાવ્યું હતું કે 2 મહિના પહેલાં વેક્સિનનો ડોઝ લીધો હતો. શનિવાર સવારથી સ્ટીલની વસ્તુઓ ચોંટતાં શરીરમાં ચુંબકીય શક્તિનો અનુભવ થયો હતો.

અન્ય સમાચારો પણ છે...