ક્રાઇમ:કર્ફ્યૂમાં પ્રોવિઝન સ્ટોર અને મોબાઇલની દુકાન ખુલ્લી હતી

રાજકોટ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જાહેરનામા ભંગના 112 ગુના નોંધાયા

શહેરમાં કોરોનાની વધુ એક લહેરનું સંક્રમણ ઓછું હોવાના તંત્રના દાવા વચ્ચે લોકો પણ જાણે બિન્દાસ બની ગયા હોય તેમ બેરોકટોક જાહેરનામાનો ભંગ કરી રહ્યા છે. ત્યારે તંત્ર દ્વારા પ્રસિદ્ધ કરાયેલા જાહેરનામાનો કડકપણે અમલ કરાવવા પોલીસે છેલ્લા ચોવીસ કલાકમાં 112 ગુના નોંધી કાર્યવાહી કરી છે.

કોરોનાની મહામારીને ધ્યાને રાખી શહેરમાં રાત્રિના દસથી સવારના છ વાગ્યા સુધી કર્ફ્યૂ લગાડવામાં આવ્યો છે. તેમ છતાં કર્ફ્યૂમાં ઘણા વિસ્તારોમાં કેટલાક વેપારીઓ દુકાનો ખુલ્લી રાખતા હોય પોલીસે નાઇટ પેટ્રોલિંગ દરમિયાન પંજાબી ઢાબા, પ્રોવિઝન સ્ટોર તેમજ મોબાઇલની દુકાન ખુલ્લી જોવા મળતા દુકાનદારો સામે ગુનો નોંધી કાર્યવાહી કરી છે. આ ઉપરાંત કડકડતી ઠંડી વચ્ચે કર્ફ્યૂમાં રાત્રિના સમયે કોઇ કામ વગર રાજમાર્ગો પર ફરતા પોલીસને 85 લોકો મળી આવતા તેમની સામે પણ જાહેરનામા ભંગનો ગુનો નોંધી કાર્યવાહી કરી છે.

એટલું જ નહિ શહેરમાં ખાણીપીણી સહિતનો ધંધો કરતા કે જ્યાં લોકોની દુકાનોમાં અવરજવર થતી હોય તે દુકાનદારોએ ફરજિયાત વેક્સિનના ડોઝ લીધા હોવા અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે. તેમ છતાં અનેક વેપારીઓ વેક્સિનના ડોઝ લીધા વગર વેપાર કરતા હોય પોલીસે દુકાને-દુકાને જઇ તપાસ કરતા છ વેપારીઓ વેક્સિન લીધા વગર મળી આવતા તેમની સામે કાર્યવાહી કરી છે. આ ઉપરાંત માસ્ક વગર નીકળેલા 12, ઓટો રિક્ષામાં નિયત કરતા વધુ મુસાફર ભરનાર 5 ચાલક અને સોશિયલ ડિસ્ટન્સિંગનો ભંગ કરનાર એક મળી 18 લોકો સામે કાર્યવાહી કરી છે.

અન્ય સમાચારો પણ છે...