તપાસ:ખાનગી જમીન રિંગ રોડ પર ગૌચરમાં સેટ થતાં જ કરોડોના ભાવે વેચી દેવાઈ

રાજકોટ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • માર્ચ 2018માં પ્રમોલગેશન થયું, ઓક્ટોબરમાં દસ્તાવેજ થઈ ગયો

રાજકોટના લોધિકા તાલુકાના પાળ ગામે છેવાડાની જમીનને કરોડો રૂપિયાની બનાવવા માટે રિંગ રોડ પર મૂકી દેવાઈ છે. આ મામલે કોની કોની સંડોવણી હશે તેની તપાસ કરતા બહાર આવ્યું છે કે રિ-સરવે બાદ જમીનને નવા સરવે નંબર આપી કાગળ પર રિંગ રોડ પર બતાવ્યાના 6 જ મહિનામાં તે જગ્યા વેચાઈ ગઈ હતી. જૂના સરવે નં. 122ની છેવાડાની જમીન 2015માં હેમાબેન વા.ઓ. રાણા મકવાણા પાસેથી મેહુલ ખોડા બોરીચા અને દિનેશ અરજણ કુવાડિયાએ ખરીદી હતી.

ત્રણ વર્ષ સુધી જમીનમાં કોઇ ફેરફાર ન કરાયો પણ જ્યારે 21 ઓગસ્ટ 2015ના દિવસે આ જમીનમાં પ્રમોલગેશનની નોંધ પડી અને નવા સરવે નં. 712 અપાયા ત્યારે જ કૌભાંડ થયું કારણ કે, હવે આ જગ્યા પાળ ગામના છેવાડાને બદલે જ્યાંથી રિંગ રોડ પસાર થાય છે તે ગૌચર પર આવી ગઈ હતી. જેથી જમીનની કિંમત અનેકગણી વધી ગઈ હતી. આ વધેલી કિંમતનો તુરંત જ લાભ લેવા માટે મેહુલ અને દિનેશે જમીન વેચવા કાઢી હતી અને માત્ર છ જ મહિનામાં એટલ કે 6-10-2018ના દિવસે તો જમીનના દસ્તાવેજ થઈ ગયા અને 15મીએ 7-12માં નોંધ પણ પડી ગઈ હતી.

આ જમીન તેજસ બાબરિયાને વેચાઈ હતી જેને અરજદાર બનાવીને સ્થળફેરમાં ભૂલ હોવાનું કહી ફરીથી મૂળ જગ્યાએ જમીન ફેરવવા અરજી કરાવી છે. આ અરજી 5 વર્ષે થઇ છે એટલે કે પાંચ વર્ષ સુધી તેજસ એ જ જમીનનો કબજો ધરાવતો રહ્યો પણ કૌભાંડ ખુલ્લું પડવા લાગ્યું ત્યારબાદ અરજી થઈ હતી.

અન્ય સમાચારો પણ છે...